વિદેશી દારૂ ભરેલી કારે રિક્ષાને ટક્કર મારતાં ચાર વ્યક્તિનાં મોતઃ બે ગંભીર

અમદાવાદ: પ્રાંતિજ તલોદ રોડ પર પુનાદરા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કારે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા એક જ પરિવારના ચાર સભ્યોનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે તલોદ તાલુકાના કાતરડા ગામના રાઠોડ પરિવારના બુધાભાઇ ગાંડાભાઇ ગાંધીનગર નજીકના ગિયોડ ગામે પરણાવેલી પુત્રી અને જમાઇને લઇ ટાટરડા જઇ રહ્યા હતા ત્યારે ગત મોડી સાંજે તલોદ જતા રોડ પર પુનાદરા ગામના પાટીયા પાસે સામેથી પૂરઝડપે આવી રહેલી એક કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતાં રિક્ષા ૩૦ ફૂટ દૂર ફંગોળાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ બુધાભાઇ ગાંડાભાઇ વાઘેલા (ઉં.વ.૪પ), ચંદ્રિકાબહેન વાઘેલા (ઉં.વ.૧૮) પરેશભાઇ નારણભાઇ વાઘેલા અને અંબાલાલ રામાભાઇ રાઠોડ આ ચારેયના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બેને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની ઘટનાને પગલે રોડ પર વિદેશી દારૂની બોટલોની રેલમછેલ થઇ હતી. બીજી તરફ દારૂના ખેપીયાઓ લોકોની ભીડભાડનો લાભ લઇ નાસી છૂટયા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરતાં તા.૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદના બે ખેપિયાઓ રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂ ભરી મોડાસા થઇ અમદાવાદ તરફ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like