મોદીની રશિયા યાત્રા પૂર્વે મિસાઈલ સિસ્ટમ ખરીદીને કેન્દ્રની લીલી ઝંડી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય રશિયા યાત્રા પહેલાં સંરક્ષણ મંત્રાલયે આજે એક મહત્ત્વના સંરક્ષણ ખરીદી સોદાને લીલી ઝંડી આપી છે. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદી પરિષદે રશિયા પાસેથી એરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરતી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાને મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩ ડિસેમ્બરે મોદી રશિયા જવા રવાના થશે. મોદીની રશિયા યાત્રા દરમિયાન મહત્ત્વના સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

મિસાઈલ સિસ્ટમ ખરીદીના સોદાની જોકે કિંમત હજુ નક્કી થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટની કિંમત રૂ. ૪૦,૦૦૦ કરોડ આસપાસ હશે. ભારતીય વાયુદળ એર સ્પેસના રક્ષણ માટે આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરશે.

એસ-૪૦૦ મિસાઈલ લાંબા અંતર સુધી આપણી હવાઈ સુરક્ષા કરવામાં અસરકારક પુરવાર થશે. આ મિસાઈલ સિસ્ટમની રેન્જ લગભગ ૪૦૦ કિ.મી. છે. જો કોઈ દુશ્મનની મિસાઈલ આપણા કોઈ વિમાન કે સંસ્થાન પર હુમલા કરવાની કોશિશ કરશે તો આ મિસાઈલ સિસ્ટમ એ જ વખતે તેનો નાશ કરી નાખશે. આ એન્ટી બે‌િલસ્ટીક મિસાઈલ છે એટલે કે અવાજ કરતાં પણ વધુ ઝડપે તે હુમલો કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે જ્યારથી રશિયાએ સિરિયામાં આઈએસઆઈએસ વિરુદ્ધના જંગમાં એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ તહેનાત કરી છે ત્યારથી કોઈ પણ મિસાઈલ કે લડાયક વિમાન તો એક બાજુ રહ્યા, પરંતુ નાગરિક વિમાન પણ આ વિસ્તારથી દૂર ઊડી રહ્યાં છે. આટલી હદે આ એર ડિફેન્સ મિસાઈલનો ખોફ પ્રવર્તે છે.

આ ઉપરાંત સંરક્ષણ ખરીદી સમિતિએ એરફોર્સ માટે ૨૪ પીચોરા એર ડિફેન્સ મિસાઈલ ખરીદવા માટે મંજૂરી આપી છે. પીચોરા મિસાઈલની કિંમત રૂ. ૧૨૦૦ કરોડ છે. પીચોરા પણ રશિયન મિસાઈલ છે, જેનો ૨૫થી ૩૦ કિ.મી.ની રેન્જે ઉપયોગ થાય છે.

You might also like