નેશનલ હેરાલ્ડ મુદ્દે ૧૯મીએ કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણાં તેમજ પ્રદર્શન થશે

અમદાવાદ: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાંને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા અને સત્ય હકીકતને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ અમદાવાદ સહિત રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ શહેર અને જિલ્લા મથકોએ ભાજપની કિન્નાખોરીના મુદ્દે ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવશે. જેના અંતર્ગત અમદાવાદ ખાતે તા. ૧૯મીએ સાંજે ચાર કલાકે ઈન્દુચાચાની પ્રતીમા પાસે ધરણાંનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો, આગેવાનો, ચૂંટાયેલા કોર્પોરેટરો, સેવાદળ, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. છેલ્લાં કેટલાક સમયથી નેશનલ હેરાલ્ડ મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

You might also like