લાજપોર જેલમાં હાર્દિકની ઉલટ તપાસ : સ્ત્રીમિત્ર અંગેનાં સવાલો પણ પુછાયા

સુરત : પાટીદાર અનામત આંદોલનનો કન્વીનર હાર્દિક પટેલ હાલ સુરતની લાજપોર જેલમાં છે. રાજદ્રોહનાં ગુનાહેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. જો કે સુરતમાં કોર્ટનાં આદેશ બાદ તેની પુછપરછ ડીસીબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પુછપરછ કરનારા પીઆઇ જે.એચ દહિયાનાં સવાલ જવાબની એફીડેવીટ આજે હાર્દિકનાં વકીલે કોર્ટમાં કરી હતી. પી.આઇએ હાર્દિકને તેની સ્ત્રીમિત્રથી માંડીને તેનાં અંગત સંબંધો સુધીની તમામ પુછપરછ કરી હતી. જો કે તેનાં જવાબમાં હાર્દિકે જણાવ્યું કે ગુજરાતમાં સંજય જોશીની સેક્સ સીડી બનતી હોય તો મારૂ તો શું ગજું છે. તે ઉપરાંત રાજકીય વાતચીત પણ થઇ હોવાનું યશવંત વાળાએ એફિડેવિટમાં જણાવ્યું હતું.
પુછપરછ દરમિયાન થયેલી તમામ વાતચીતને હાર્દિકે વકીલને જણાવી હતી. જેનાં પગલે તેનાંવકીલે સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું. જો કે લાઠીચાર્જ કોણે કરાવ્યો અથવા કોણે આદેશ આપ્યો તે અંગે તમે શું માનો છો તેવા સવાલોનાં જવાબમાં હાર્દિકે જવાબો આપ્યા હતા કે લાઠીચાર્જનાં આદેશ અમિત શાહ દ્વારા પણ આપવામાં આવ્યા હોય તેવું બની શકે છે. જો કે હાર્દિકનાં વકીલે જણાવ્યું કે આ પ્રકારનાં રાજકીય સવાલો પુછીને પોલીસ શું સાબિત કરવા માંગે છે. અમુક એવા સવાલો હાર્દિકને પુછવામાં આવ્યા હતા જેને કેસ સાથે સ્નાન સુતકનાં પણ સંબંધો નહોતા.
સોગંદનામાંમાં રહેલા સવાલો
સ : તારી ગર્લફ્રેન્ડ કોણ છે ?
જ : નથી
સ : તને નથી લાગતું કે તું અહી ફસાયો છે ?
જ : ફસાવ્યો તો તમે જ લોકોએ છે.
સ : એટલા માટે જ તારી પુછપરછ થઇ રહી છે. મને લાગે છે કે તું નિર્દોષ છે અને નિર્દોષને સજા ન થવી જોઇએ.
જ : તો પછી કોર્ટમાં કહોને હું સાચો છું કે ખોટો તે કોર્ટમાં સાબિત થશે, મે ગુનો કર્યો હોય તો મને સજા થશે.
સ : તને લાગે છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોય.? મુખ્યમંત્રી પણ તારા જ સમાજનાં છે તે કઇ રીતે ઓર્ડર આપી શકે
જ :મુખ્યમંત્રીએ નહી આપ્યા હોય તો બીજા કોણે આપ્યા હોય. આદેશ કોણે આપ્યા તે સરકારે હજી સુધી સ્પષ્ટ નથી કર્યું.
સ : તો પછી કોણે આ પ્રકારનાં ઓર્ડર આપ્યા હોઇ શકે?
જ : બની શકે અમિત શાહે ઓર્ડર આપ્યા હોય.
સ : અમિત શાહને મળ્યો છે?
જ : ના ક્યારે નહી
સ : ગુજરાતનાં કયા રાજકીય પક્ષે તારો સહકાર આપ્યો છે આપણે લખતા નથી ઓફ ધ રેકોર્ડ મિત્રતાનાં નાતે જવાબ આપજે
જ : મને કોઇ રાજકીય નેતાઓ આંદોલનમાં સહકાર નથી આપ્યો, પરંતુ મોટા ભાગનાં નેતાઓ મને ઓળખે છે અને તેઓની સાથે ફોનપર વાતચીત થાય છે.
સ : બે ત્રણ નામ આપ?
જ :ઉદ્ધવ ઠાકરે, નીતીન ગડકરી, કેશુબાપા, નીતીશ કુમાર
સ : મે સાંભળ્યું છેકે તને આંદોલન બંધ કરવા માટે પણ ઓફર થઇ હતી?
જ :આજ સુધી ઓફર નથી થઇ પરંતુ ગુજરાતમાં ભાજપનાં નેતાઓ બેલો લઇને આવતા હતા (તે દરમિયાન લાઇટ ગઇ હતી)
સ : મેરેજ ક્યારે કરીશ?
જ :સારી અને સાચી વિચારધારાવાળી છોકરી મળશે તો લગ્ન જરૂર કરીશ.
સ : મિત્રતાનાં નાતે સલાહ આપું કે પેપરમાં તારી કૂંડળી આવી હતી તેમાં મુખ્યમંત્રી બનવાનાં તારા યોગ હતા. તો આંદોલન બાંદોલન છોડીને સારી પાર્ટીમાં જોડાઇ જા અને રાજકીય ભવિષ્ય બનાવ અને હા અમને ભુલી ન જતો અને દાજ ન રાખતો.
જ : તમારા જેવા ઓનેસ્ટ ઓફીસરની સરકારને જરૂર છે.

You might also like