વડોદરા : SBIના ATMમાંથી રૂ. ૧૯ લાખની ચોરી

વડોદરા : શહેરના નવાયાર્ડ વિસ્તારના રાધિકા કોમ્પલેકસમાં આવેલા એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી સોમવારે મોડીરાત્રે અજાણ્યા શખ્સોએ રૂ. ૧૯.૨૯ લાખની ચોરી કરી છે.ઘટનાની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધરમસિંહ દેસાઈ રોડ પર આવેલા એસબીઆઈના એટીએમમાં રહેલા સીસીટીવી કેમેરા પર ચોરોએ કાળા કલરનો સ્પ્રે મારી દીધો હતો. સિકયુરીટી વિનાના એટીએમમાં પ્રવેશેલા તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ભારે દોડધામ કરી મૂકી છે.

પ્રાપ્ત વિગત મુજબ નવાયાર્ડ વિસ્તારમાં ધરમસિંહ દેસાઈ રોડ પર રાધિકા કોમ્પલેકસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ આવેલુ છે. આ એટીએમ ઉપર સિકયુરીટી જવાન મુકાયો ન હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરોએ આ એટીએમને શિકાર બનાવ્યું હતું. ફતેગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ સોમવારે મોડીરાત્રે એટીએમમાં ત્રાટકેલા તસ્કરોએ એટીએમ સેન્ટરમાં પ્રવેશતાની સાથે જ એટીએમ સેન્ટરમાં સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો હતો.

સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારીને તસ્કરોએ એટીએમના ઉપલા અને વચ્ચેના ભાગને ગેસ કટરથી કાપીને તેમાંથી રૂ. ૧૯૨૯૮૦૦ ચોરી ગયા હતા. લોડ કરવામાં આવેલા રૂ. ૧૯૨૯૮૦૦ પૂરા ચોરો ચોરી ગયા હતા. આજે બપોરે ચોરીના બનાવની જાણ એટીએમનું મોનીટરીંગ કામ કરતા એમ્ફોસીસ લિમિટેડ કંપનીના મેનેજર મિનેષભાઈ જનાર્દનભાઈ મહેતાને (રહે. વેજલપુર અમદાવાદ) થતાં તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. ત્યારબાદ ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઈને તપાસનો દોર શરૂ કર્યો હતો.મિનેશભાઈ મહેતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૮મીના રોજ સીએમએસ કંપની દ્વારા આ એટીએમમાં રૂ. ૧૯૨૯૮૦૦ લોડ કરવામાં આવ્યા હતા.જે એટીએમમાંથી તસ્કરો ૧૯૨૯૮૦૦ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાવી હતી.ફતેગંજ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

You might also like