નંબર પ્લેટ વગરની કારમાંથી ૧૯ પેટી દારૂ પકડાયો

અમદાવાદ: શહેરના નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસેથી મોડી રાત્રે નરોડા પોલીસે નંબર પ્લેટ વગરની મારુતિ અલ્ટો કારમાંથી ૧૯ પેટી વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવ્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ પી.એસ.આઈ. કે.એચ. જાડેજા અને ટીમ ગત રાત્રે વાહન ચેકિંગ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે વાહનચેકિંગ દરમિયાન એક સફદ કલરની નંબર પ્લેટ વગરની મારુતિ અલ્ટો કાર આવતાં પોલીસે તેને રોકી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતાં સીલબંધ ઈંગ્લિશ દારૂની બોટલો નંગ-૨૨૮, કિંમત રૂ. ૧.૧૪ લાખની મળી આવી હતી.

કારમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતાં તેનું નામ ગોવિંદ ખાત્રા કોટડ (રહે. ગામડી, જિ. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આરોપી ગોવિંદ રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે નંબર પ્લેટ વગરની મારુતિ અલ્ટો કારમાં દારૂ લઈને આવતો હતો. પોલીસે ૨૨૮ નંગ દારૂની બોટલો અને મારુતિ અલ્ટો કાર કિંમત રૂ. ૩ લાખ મળી કુલ રૂ. ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ડુંગરપુરના શીશવા ગામના થાવરચંદ કોટડને વોન્ટેડ જાહેર કર્યો છે અને આરોપી આ દારૂ અમદાવાદમાં કોને મોકલવાનો હતો અને કેટલા સમયથી દારૂ લઈને આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like