રાજ્યના 187 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ ગોધરામાં 5 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યના 187 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ગોધરામાં 5 ઈંચ, મોરવાહડફમાં 4.5 ઈંચ, બાલાસિનોર 4 ઈંચ, કપડવંજમાં 4, હાલોલમાં 4, શહેરામાં 4 ઈંચ, સંતરામપુરમાં 4, ધરમપુરમાં 4 ઈંચ, વઘઈમાં 4 ઈંચ, કઠલાલમાં 3.75 ઈંચ, જાંબુઘોડમાં 3.5 ઈંચ, જેતપુર પાવીમાં 3 ઈંચ, ફતેપુરમાં 3 ઈંચ, ગરબાડા 3, ઠારસા 3, ઉમરપાડામાં 3 ઈંચ, જાલોદમાં 2.75 ઈંચ, કવાટમાં 2.5 ઈંચ, મેઘરજમાં 2.5 ઈંચ, સંજેલીમાં 2.5 ઈંચ, મહુધામાં 2.5, સાવલીમાં 2.5, કાલોલમાં 2.5 ઈંચ, વીરપુર 2.5, માંડવીમાં 2.5, છોટાઉદેપુરમાં 2.5 ઈંચ, માંગરોડમાં 2.5 ઈંચ, માલપુરમાં 2 ઈંચ, વ્યારામાં 2, ધનસુરમાં 2, લીમખેડામાં 2, સીંગવડમાં 2 ઈંચ, લુણાવાડામાં 2, ઉમરેઠમાં 2, બોડેલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં મોડીરાતથી વરસાદ પડી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારે પણ ઝરમર વરસાદ વચ્ચે વાતાવરણ ખુશનુમા બન્યુ હતું. બીજી તરફ, હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડીરાતથી જ જશોદાનગર, મણિનગર, ખોખરા, નારોલ, વટવા, ઈસનપુર, વટવા, ઘોડાસર, હાટકેશ્વર, બાપુનગર, સરસપુર, વસ્ત્રાલ, એસજી હાઈવે સહિત પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદની મહેરબાની જોવા મળી.

વડોદરામાં વરસાદે વિરામ લીધો છે. જયારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 4 ફૂટ વધી છે. આજવા સરોવરની જળ સપાટી 209.20 ફૂટ પહોંચી છે.

આ તરફ પંચમહાલમાં ધોધમાર વરસાદના પગલે પાનમ ડેમ 80 ટકા છલકાયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદથી પાનમ ડેમની જળસપાટી વધી છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. જયારે ડેમની હાલની સપાટી 126.મીટરે પહોંચી છે. જળસપાટી વધતા નદીકાંઠાના વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. મોડાસામાં 2 ઈંચ, ભિલોડામાં 2 ઈંચ, મેઘરજમાં 2.5 ઈંચ, માલપુરામાં 2.5 ઈંચ, બાયડમાં 1.5 ઈંચ, ધનસુરામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાભરમાં વરસાદી માહોલથી ઠંડક પણ પ્રસરી છે. ખેતીના પાકને વરસાદના કારણે જીવનદાન મળ્યું છે.

તાપી જિલ્લામાં મેઘમહેર યથાવત્ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસાદ આવતા અનેક ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.. વરસાદ આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમની સપાટી 306.80 ફૂટ પર પહોંચીછે. મહત્વનુ છે કે, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

You might also like