કુંભની આભાથી 187 દેશોના મહેમાન અભિભૂત થયા

(એજન્સી)
પ્રયાગરાજ: દુનિયાના ૧૮૭ દેશના ૧૮૯ ડેલિગેટ ગઇ કાલે દિવ્ય અને ભવ્ય કુંભના સાક્ષી બન્યા. પાવન સંગમમાં પુણ્યની ડૂબકી લગાવીને જિલ્લા સ્થિત મૂળ અક્ષયવટનાં દર્શન કર્યાં. લગભગ છ કલાક સુધી ધર્મ અને અધ્યાત્મની નગરીમાં રહેલા આ વિદેશી મહેમાનો કુંભની આભાથી અભિભૂત થયા. વિદેશી ડેલિગેટ બે ગ્રૂપમાં ચાર્ટર પ્લેનથી પહોંચ્યા હતા.

પહેલું ગ્રૂપ સવારના સાડા નવ વાગ્યે બમરોલી એરપોર્ટ પર ઊતર્યું હતું, જેમાં ૭૦ મહેમાન હતા. બીજું ગ્રૂપ ૧૦ વાગ્યે એરપોર્ટ પહોંચ્યું, જેમાં ૧૧૯ મહેમાન હતા. વિદેશ રાજ્યપ્રધાન વી.કે. સિંહ આ મહેમાનોને લઇને પહોંચ્યા હતા. એરપોર્ટ પર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે સ્વાસ્થ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે ફૂલ મોકલીને તમામનું સ્વાગત કર્યું. કમિશનર આશિષ ગોયેલ પણ તેમાં સામેલ હતા.

અહીં પહોંચ્યા બાદ તમામ લોકોએ કલાગ્રામ અને સંસ્કૃતિગ્રામની મુલાકાત લીધી. ત્યાં ભારતની પ્રાચીનકળા, સંસ્કૃત અને સભ્યતાથી અવગત થયા. ત્યાર બાદ બે ક્રૂઝથી કિલ્લા, વીઆઇપી જેટી પહોંચ્યા અને કિલ્લા સ્થિત મૂળ અક્ષયવટનાં દર્શન કર્યાં.

અક્ષયવટ દર્શન કરીને વિદેશી મહેમાનો સંગમ નોઝ પહોંચ્યા. પવિત્ર ત્રિવેણીમાં ‘હર હર ગંગે’ના ઉદઘોષ સાથે પુણ્યની ડૂબકી લગાવી. ત્યાર બાદ તમામ ક્રૂઝથી પાછા રેલક્ષેત્ર પહોંચ્યા અને ત્રિવેણી સંકુલમાં લંચ કર્યું. સાંસ્કૃતિક કેન્દ્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થયા અને લગભગ સાડા ચાર વાગ્યે બમરોલી એરપોર્ટથી દિલ્હી રવાના થયા. વડા પ્રધાનના આમંત્રણ પર કુંભ નગરીમાં આવેલા વિદેશી મહેમાનો ખૂબ જ પ્રસન્ન દેખાતા હતા.

You might also like