રાજસ્થાન માર્ગ અકસ્માત ૧૮નાં મોત

જયપુર : રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધોલાપાની વિસ્તારમાં ગઈ મોડી રાત્રે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ૧૮ લોકોનાં મોત થયા હતા, તેમજ ૨૫ જેટલા ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધારે છે. પીડિતો ધાલાપાની ગામડામાંથી મજૂરી કામ કરવા આવતા હતા અને શનિવારે રાત્રે પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી જીપ ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.

અથડામણ એટલી ભયાનક હતી કે જીપ ટ્રકની નીચે જતી રહી હતી. અધિકારીઓએ અર્થ મૂવિંગ મશીન દ્વારા જીપને બહાર કાઢી હતી. મૃતદેહોને છોટી સાદરી ગામની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જયારે ઈજાગ્રસ્તોને ઉદેયપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બે રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ટ્રકમા કોઈ ખામી થઈ હતી અને તેને રસ્તા પર પાર્ક કર્યો હતો.

પિક-અપ જીપની સ્પીડ ખૂબ હતી. અંધારાને કારણે તેને પાર્ક થયેલો ટ્રક દેખાયો નહિ હોય અને અકસ્માત થયો હોય તેમ બની શકે. ટ્રકની ખામી ઠીક કરવા માટે ડ્રાઈવર અને કિલનર ટ્રકની નીચે હતા. અકસ્માતમાં તે બંનેનું મોત થયું છે. અધિકારીના કહ્યા મુજબ પિક-અપ જીપમાં વધારે માણસો હતા. જીપમાં ૧૨થી ૧૪ માણસોનો સમાવેશ કરી શકાય જયારે આ જીપમાં ઓછામાં ઓછા ૩૫ લોકો હતા. ટ્રક ડ્રાઈવરે હેડલાઈટ ચાલુ રાખી હતી તેમજ પથ્થરોથી ટ્રકની આજુબાજુ બાઉન્ડ્રી પણ બનાવી હતી.

You might also like