નાઈ‌જિરિયામાં ગેસ ડેપોમાં વિસ્ફોટ: ૧૮ લોકોનાં મોત, અનેક ગંભીર રીતે દાઝ્યા

અબુજા: પશ્ચિમ આફ્રિકા સ્થિત નાઈ‌જિરિયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં એક ગેસ ડેપોમાં થયેલા ભયંકર ગેસ વિસ્ફોટમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રચંડ વિસ્ફોટમાં ૪૦થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

જ્યારે કન્ટેનરમાંથી ગેસ અનલોડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. નાઈ‌જિરિયા પોલીસદળ અને રોડ સિક્યોરિટી કોર દ્વારા આ વિસ્ફોટની પુષ્ટિ કરવામાં આવી છે.

વિસ્ફોટ વખતે ગેસ ડેપોમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ થતાં અનેક લોકો આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુનો આંક હજુ વધે તેવી શક્યતા છે. ગંભીર રીતે દાઝેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું હતું. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

નાઈ‌જિરિયાના સેનેટ અધ્યક્ષ બુકોલા સરકીએ ‌િટ્વટર પર જણાવ્યું હતું કે આ વિસ્ફોટ ખૂબ ભયંકર હતો અને તેમાં ઘણા લોકોનાં મોત થયાં છે. તેમણે આ અકસ્માતમાં બચી ગયેલા લોકોની મુલાકાત પણ લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ મળી ન હતી. દાઝેલા લોકોને બાઈક ઉપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયાએ આ મુદ્દા પર તંત્રની આકરી ટીકા કરતાં આ અંગે તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે.

ટેક્સી ડ્રાઈવર યાકુબ ચાર્લ્સે વિસ્ફોટની સૌથી પહેલી જાણકારી પોલીસને આપી હતી. તેણે જણાવ્યું હતું કે ગેસ ડેપોમાં એક કન્ટેનરમાંથી ગેસ અનલોડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ ભયંકર વિસ્ફોટ થયો હતો.

જોતજોતામાં જ આખો ગેસ ડેપો આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનાં મકાનો પણ ધ્રુજી ઊઠ્યાં હતાં અને લોકો ધરતીકંપ આવ્યો છે તેવું માનીને ઘરની બહાર આવી ગયા હતા.

ગેસ ડેપોની આસપાસ પાર્ક કરેલાં અનેક વાહનોમાં પણ આગ લાગી હતી અને આસપાસના રહીશો પીડિતોને મદદ કરવા દોડી આવ્યા હતા, જોકે આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ આવે તેની રાહ જોવી પડી હતી.

નાઈ‌જિરિયાનાં ઘણાં શહેરોમાં ગેસ ડીલર મિની ડેપો ચલાવે છે. આ ગેસ ડેપોની ગતિવિધિ પર અંકુશ મૂકવા તંત્ર પાસે કોઈ સક્ષમ યોજના નથી અને અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહે છે. નાઈ‌જિરિયામાં કડક સુરક્ષા કાયદાનો અભાવ હોવાથી આવા ગેસ ડીલરો છટકી જતા હોય છે અને નિર્દોષનો ભોગ લેવાય છે.

You might also like