પ્રેમ વિશે ભગતસિંહ શું વિચારતા હતા?

મને બટુકેશ્વર દત્તનું સ્મરણ થઈ આવે છે. પાર્લામેન્ટ એસેમ્બલી પર બોમ્બ ફેંકવા બદલ ભગતસિંહના સાથીદારને જનમટીપ મળી હતી. તે યાતના પછી પણ જીવતા રહ્યા અને સ્વતંત્ર ભારતમાં કૅન્સરના રોગમાં, દિલ્હીની હૉસ્પિટલમાં આંખો મીંચી. હું તેમને ૧૯૬૭માં મળ્યો હતો. પથારીમાં દૂર્બળ કાય, તેજસ્વી આંખો. વૃદ્ધ શરીર પણ જિંદગીનો તણખો, કહેતા હતા ઃ ભારતીય ક્રાંતિકારોને કોઈ સમજી જ ન શક્યું. ન તેવી કોશિશ થઈ.

તેમની આ પીડામાં સચ્ચાઈનો રણકો હતો.

ક્રાંતિકારોને સમજવાને બદલે તેમને માટે ગેરસમજ જ પેદા થઈ.

‘તેઓ હિંસક હતા.’

‘તેઓ પથભ્રષ્ટ હતા.’

‘તેઓ પાગલ હતા, આવેશી હતા, તેમનો માર્ગ ખોટો હતો.’

ગદર ચળવળ, ઈન્ડિયા હાઉસની પ્રવૃત્તિ, આઝાદ હિન્દ ફોજ, ભગતસિંહ અને સાથીદારોનો જંગ, માસ્ટરદા સૂર્યસેનનો જ્વલંત અધ્યાય, આંદામાનના શહીદો… આ બધાનું ગલત અર્થઘટન થયું. લંડનમાં મદનલાલ ધીંગરાની સમર્પિત દેશભક્તિની પ્રતિક્રિયારૃપે ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું. ગાંધી-ઈરવિન કરારમાં ભગત-રાજગુરુ-સુખદેવને ફાંસીની સજામાં ફેરફાર કરવાનું શક્ય હતું તે ન થયું, સુભાષને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા, તેમની આઝાદ હિન્દ ફોજની સામે લડવા હું પહેલો હોઈશ એમ જવાહરલાલ બોલ્યા, આઝાદ ફોજના સૈનિકોને ભારતીય સૈન્યમાં સમાવવામાં ન આવ્યા, જલાવતન ક્રાંતિકારોને સદા-સર્વદા ઉપેક્ષિત રખાયા. શ્યામજી કૃષ્ણવર્મા જેવા, દુનિયામાં ભારતીય ક્રાંતિકોને પ્રેરિત કરનારા કચ્છી મહાપુરુષ અને તેના જિનિવા સ્થિત અસ્થિનું સ્મરણસરખું પાર્લામેન્ટમાં ન થયું. આવી અવહેલનાના રસ્તા પર શહીદોની ખાંભીઓ ક્યાં છે?

જવાબ જડતો નથી અને જે ફાંસી-આંદામાન-જેલ-ગોળી-તોપના ગોળે વીંધાયા તેમણે તો મનુષ્ય પ્રત્યેના અખૂટ પ્રેમનો જ પ્યાલો પીધો હતો એ કહાણી દરેકે જીવી બતાવી છે. તેમના વ્યક્તિજીવનમાં પ્રેમનું શું સ્થાન હતું તેનો સહજ પરિચય મેળવવા સરદાર ભગતસિંહે જેલમાંથી લખેલા બે પત્રો પૂરતા છે.

કેવી હતી તેની ખુશમિજાજી?

‘જિંદગી ખૂબસૂરત છે, પણ તેને અધિક ખૂબસૂરત બનાવવી જોઈએ.’ એ તેણે વારંવાર કહ્યું, સાથીઓને. દરેક નિર્ણાયક પળે. હોઠ પર કશુંક ગણગણતો રહે. તેનામાં એક કવિ, એક ગાયક અને સર્જક છૂપાયેલો પડ્યો હતો. ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. ભગતની વય માત્ર બાર વર્ષની! તેની એક બહેન હતી, અમરો. બેહદ સ્નેહ કરતો હતો આ ભાઈ. તેણે જ સ્મરણની કેડી પર ભગતની એક છબિ અંકિત કરી છે ઃ ‘તે દિવસે સવારે ‘વીરો’ (પંજાબનો સૌથી લાડકો શબ્દ ‘બીરા’) શાળાએ ગયો તે છેક રાતે પાછો ફર્યો. અમે બધાં ગભરાઈ ગયાં હતાંં. આવ્યો કે તુરત ફળ અને મીઠાઈ આપતાં મેં પૂછયું ઃ ‘ક્યાં હતો ભાઈ? તને ચારે તરફ શોધ્યો, શાળામાં તપાસ કરી. ત્યાં પણ નહોતો. લે, થોડાંક ફળ ખાઈ લે.’ આટલું સાંભળતાં જ તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. પોતાના ખમીસના ખિસ્સામાંથી એક શીશી- કાચની- કાઢી. તેમાં માટી હતી. તેણે કહ્યું ઃ ‘અમરો, આ માટી નથી, ધૂળ નથી. શહીદોનું લોહી છે!’ રોજેરોજ સવારે તે માટી માથે લગાવે. તિલક કરે પછી શાળાએ જતો.

નેશનલ કૉલેજમાં તે ભણતો ત્યારે એક સુંદર કન્યા તેના પર મુગ્ધ થઈ ગઈ. ભગતસિંહ કૉલેજના વર્ગમાં આવે અને જાય ત્યારે મીઠડું સ્મિત આપતી. ભગતસિંહને મળી શકાય એવા હેતુથી ક્રાંતિકારી મંડળીમાં પણ જોડાઈ ગઈ. પછી નક્કી થયું કે દિલ્હી એસેમ્બલી પર બોમ્બ ફેંકવો. કોને આ કામ સોંપવું જોઈએ તેની ચર્ચા થઈ. ભગતસિંહે તૈયારી બતાવી. ચન્દ્રશેખર આઝાદે કહ્યું કે, હજુ તેની ક્રાંતિદળને વધુ જરૃરત છે. તો બીજું કોણ? તૈયાર તો બધા જ હતા. ભગતસિંહનો સા-વ નજીકનો મિત્ર હતો સુખદેવ. તેણે મજાક કરી કે પેલી સુંદર છોકરીના કારણે તું બોમ્બ ફેંકવા જવાની ના પાડે છે, ખરું ને? તું મરતા ડરે છે. મોતથી ભાગે છે. સાચો ક્રાંતિકારી નથી!

સુખદેવનાં આ વિધાનોથી બધા સ્તબ્ધ થઈ ગયા. બંને વચ્ચે વારંવાર દલીલો થતી. પ્રેમ, સુંદરતાના વિષયો પણ ચર્ચાતા. ફિલસૂફી વિશે કલાકો સુધી વાતો થતી. દેશ-વિદેશની ક્રાંતિના અભ્યાસી હતા ભગવતીચરણ. વડનગરના નાગર બ્રાહ્મણ. દુર્ગાભાભી સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પ્રખર અભ્યાસી. ક્રાંતિવીરોને માટે તે ‘થિન્ક ટેન્ક’ હતા. પ્યારથી સહુ તેમને ‘બાબુભાઈ’ કહેતા!

ભગતસિંહ સુખદેવના આરોપથી હચમચી ગયા. એક રાતે તેણે સુખદેવને પત્ર લખ્યો. પ્રેમ, સ્ત્રી, સંવેદનાના જગતને આ નવયુવાને હૃદયસ્થાને કેવું સિંચિત કર્યું હતું તેનો સંકેત તે પત્રમાં મળે છે. સુખદેવે તેને ઉશ્કેર્યો ન હોત તો ભગતની આ સ્નેહસિક્ત છબિની દુનિયાને ખબર જ ન પડી હોત!

શું લખ્યું હતું આ પત્રમાં?

૧૮ એપ્રિલ, ૧૯ર૯
પ્રિય ભાઈ,

જ્યારે આ પત્ર તને મળશે, હું તો એક દૂ…રની મંજિલ તરફ નીકળી પડ્યો હોઈશ. મારા પર ભરોસો રાખજે કે આજે હું ખુશ છું, ખૂબ જ ખુશ છું. મારી (અંતિમ) સફર માટે તૈયાર છું. અનેક મધુર સંસ્મરણો અને જિંદગીના તમામ આનંદના હોવા છતાં એક વાત મને ખટકતી રહી. ભાઈ, તે તારા આ બાંધવને ગલત સમજ્યો. મારા પર કમજોરીનો ગંભીર આરોપ પણ મૂક્યો!

આજે હું અનુભવું છું કે એ તારી ગેરસમજ હતી. ગલત અંદાજ હતો. મારા ખુલ્લા વ્યવહારને તે વાણીવિહાર માની લીધો. મારી આત્મ સ્વીકૃતિને નબળાઈ ગણી. આજે મહેસૂસ કરું છું કે, કોઈ ગેરસમજ જ નહોતી. હું નિર્બળ નથી ભાઈ, કોઈ રીતે નિર્બળ નહોતો. હું એકદમ સાફ હૃદયથી વિદાય લઈ રહ્યો છું. તું પણ એટલો જ સાફ રહીશ ને? એમ કરીશ તો મોટી કૃપા સમજીશ, પણ ભાઈ, ખ્યાલ રાખજે કે ઉતાવળિયો સ્વભાવ ન રાખવો. એવા ઉતાવળાપણાથી કોઈ પગલું ભરવું નહીં. ગંભીરતાથી વિચારવું, શાંત થઈને ચિંતન કરવું, આપણે કામને આગે ધપાવવું છે… સાવધાનીપૂર્વક.

હું તો ખુશ છું અને એવી પળમાં તને કહી શકું છું કે જે પ્રશ્ન પર આપણી વચ્ચે દલીલો થઈ. તેમાં મારા વિચારો કહ્યા વિના રહી શકતો નથી. પૂરા જોશથી કહું છું કે હું આશા અને આકાંક્ષાથી સભર છું. જીવનની આનંદમયી રંગરેખાથી ઓતપ્રોત છું અને જરૃરત પડે ત્યારે સઘળું કુરબાન કરી શકું છું અને તે જ સાચું બલિદાન છે.

આ લાગણીઓ મનુષ્યના રસ્તામાં અવરોધરૃપ ન બની શકે. નજીકના ભવિષ્યમાં જ તને તેનો અંદાજ આવશે. પ્રત્યક્ષ પ્રમાણ મળી રહેશે.

કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિશે વાત કરીએ ત્યારે એક વાત વિચારવી જોઈએ કે શું પ્રેમ માણસને માટે ક્યારેય સહાયક સાબિત થાય છે? આજે હું તેનો જવાબ આપું છું – હા! તેં મેઝિનીને તો વાંચ્યો હશે – તેની પ્રથમ વિદ્રોહની નિષ્ફળતા, મનને કચડી પરાજય, મોતને ભેટેલા પ્રિય સાથીદારોની સ્મૃતિ ઃ આ બધું સહન થઈ શકે એમ નહોતું. આ તો એવો આઘાત હતો કે તે પાગલ થઈ જાય અથવા આપઘાત કરી લે, પણ એવું ન થયું. તેની પ્રિયતમાના એક જ પત્રે, તેને વધુ શક્તિવાન બનાવી દીધો હતો.

પ્રેમના નૈતિક સ્તરનો સંબંધ છે. તે વિશે હું જરૃર કહીશ કે તેમાં આવેશ જરૃર છે, પણ તે કંઈ પશુવૃત્તિ નથી. એક અત્યંત મધુર, માનવસહજ સંવેદના છે. પ્યાર પોતાનામાં ક્યારેય પાશવિક હોઈ શકે નહીં. પ્યાર તો હંમેશાં મનુષ્ય-ચરિત્રને ઉપર ઉઠાવે છે, નીચે ધકેલતો નથી. શરત એટલી જ કે તે પ્રેમ જ હોય… હા, હું કહી શકું કે યુવક-યુવતી આપસી પ્રેમ કરે અને તેમાં પ્રેમની લાગણીના સહારે ઉપર ઊઠી શકે, પવિત્રતા જાળવી શકે છે. મેં એવું કહ્યું હતું કે, પ્રેમ એ મનુષ્યની કમજોરી છે તો એ સામાન્ય માણસ વિશે ઇંગિત હતો, પરંતુ એ એક અત્યંત આદર્શ સ્થિતિ છે જ્યાં મનુષ્ય પ્યાર, તિરસ્કાર વગેરે લાગણી પર કાબૂ મેળવે. પોતાનાં કાર્યનો આધાર નિજાત્માના નિર્દેશથી જ સર્જે. આધુનિક યુગમાં પ્રેમ કંઈ ખરાબ બાબત નથી, મનુષ્ય માટે સારી વાત છે. પ્યારની ઊંડી સંવેદના એવી હોય છે કે જે વ્યક્તિગત સીમિત રહેવાને બદલે વિશ્વમય બનાવે છે.

હું એક વાત કહેવા માંગું છું કે, ક્રાંતિવિચારના હોવાથી એવું ન કરીએ કે બડીબડી વાતો કરીને પોતાને જ છુપાવીએ. એવું કરવું છોડી દેવંુ જોઈએ. તારામાં આદર્શવાદનો અતિરેક છે તે થોડોક ઓછો કરજે. તારી નજરમાં સંપૂર્ણ ન હોય કોઈ એવું ન કરી શકે તેની આલોચના ન કરીશ. તેને નરી સહાનુભૂતિની અધિક જરૃર છે.

શું હું એવી આશા રાખી શકું કે કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના, તેના પ્રત્યે હમદર્દી રાખવાની શરૃઆત કરીશ, જેની તેને સખત જરૃરત છે! એમ ત્યારે જ કરી શકીશ જ્યારે તું તારામાં સ્પષ્ટ અતિરેકી નહીં રહે. આ બધું તને એટલા માટે લખું છું આજે, કે હું સ્પષ્ટ થવા ઇચ્છતો હતો. મેં તો મારું હૃદય ખોલી દીધું. તારી સફળતા અને પ્રસન્ન જીવનની મનોકામના સાથે

તારો ભાઈ,
ભગતસિંહ.

ભગતસિંહની જિંદગીનાં સ્મરણીય પાત્રોની વાત હવે પછી કરીશું.
(ક્રમશઃ)

————-.

You might also like