કચ્છના ખેડૂતોને અમેરિકન કેસર તારી શકે?

કચ્છનો ખેડૂત પ્રયોગશીલ છે. પાણીની છત ન હોવા છતાં નવા-નવા પાક લેવાના અખતરા કરે છે. ક્યારેક સફળ થાય છે તો ક્યારેક નિષ્ફળ. અત્યારે એક ખેડૂતે કાશ્મીરી કેસર વાવવાનો પ્રયત્ન કર્યો છે અને બે ખેડૂતોએ અમેરિકન કેસરનો પ્રયોગ કર્યો છે. અમુક વખતે પાક સફળ થાય, ઉત્પાદન મળે, પરંતુ તેનું વેચાણ ન થઈ શકે તેવી પણ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે ખેડૂતને મજબૂરીથી નવો પાક ઉગાડવાનો પ્રયત્ન છોડી દેવો પડે છે. અમેરિકન કેસર અને કાશ્મીરી કેસરનો પ્રયોગ કેટલો સફળ થશે તે તો આવનારો સમય જ કહી શકશે…..

 

કચ્છમાં વરસાદનું પ્રમાણ હંમેશાં અનિયમિત રહ્યું છે. વરસાદ આવે ત્યારે પ્રમાણમાં સારો પડે, નહીં તો દુષ્કાળનાં દ્વાર ખટખટાવે. આવી સ્થિતિમાં પણ કચ્છનો ખેડૂત નવા પાક ઉગાવવાના પ્રયત્ન કરવાનું ચૂકતો નથી. પહેલા કચ્છમાં ખારેક છૂટીછવાઈ ઊગતી હતી. ખેડૂતોએ ઇરાકની બારહી ખારેક પકવવી શરૃ કરી ને તેનો સ્વાદ વિદેશીઓને પણ લાગ્યો, તેની મોટા પાયે નિકાસ થવા લાગી. તેવી જ રીતે કચ્છી દાડમ, કચ્છની કેસર કેરીની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઈ. અહીંના ખેડૂતો ડ્રેગન ફ્રૂટ જેવાં વિદેશી ફળોની યશસ્વી ખેતી કરે છે. ગોવાની પથરાળ જમીન, ખૂબ વરસાદ અને ખૂબ ગરમી હોય તેવા પ્રદેશમાં થતાં કાજુનો પાક લેવાનો પ્રયત્ન પણ થયો છે. હવે કચ્છના ખેડૂતો અમેરિકન કેસર અને કાશ્મીરી કેસરના પાકના પ્રયોગો કરી રહ્યા છે.

કેસર સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતો પાક છે. અમેરિકન કેસરને પણ ઠંડું વાતાવરણ જોઈએ છે. કચ્છમાં શિયાળા દરમિયાન તાપમાન ખૂબ ઓછું થઈ જાય છે. છ મહિનાની અંદર જ કેસરનો પાક તૈયાર થઈ જાય છે. આથી શિયાળામાં તેનું ઉત્પાદન મળી શકે તેવી ધારણાના આધારે માંડવી તાલુકાના વેકરા ગામના ખેડૂતોએ અમેરિકન કેસરનું વાવેતર કર્યું છે. જોકે ગત વર્ષે રાપર તાલુકાના સઈ ગામના એક ખેડૂતે પણ અમેરિકન કેસર વાવી ઉત્પાદન મેળવ્યું હતું, પરંતુ તે વેચાયું ન હતું. તેના કારણે આ વર્ષે તેમણે નવા પ્રયોગ તરીકે કાશ્મીરી કેસર વાવવાનો અખતરો કર્યો છે. આ બંને પ્રયોગો કેટલા યશસ્વી થાય તે તો પાક આવ્યે અને વેચાયા પછી જ ખબર પડે.

કાશ્મીરી કેસર એટલે મીઠાઈ કે આઇસક્રીમમાં વપરાતું કેસર અને અમેરિકન કેસર એ એક પ્રકારનો તેલીબિયાંનો પાક છે. જોકે આ અમેરિકન કેસરના ફૂલના તાંતણા (પુંકેસર) કાશ્મીરી કેસરની અવેજીમાં વપરાય છે. આ તાંતણા કેસરી રંગ તો આપે છે, પરંતુ તેના જેવા ગુણધર્મ કે સોડમ ધરાવતાં હોતાં નથી. બંનેે પાક તદ્દન અલગ છે. કાશ્મીરી કેસરના પાકને ખૂબ ઠંડું વાતાવરણ જોઈએ. લગભગ ૨૦ ઇંચથી વધુ વરસાદ જોઈએ. જુલાઈ-ઑગસ્ટમાં આ પાકની રોપણી થાય છે અને ઑક્ટોબર-નવેમ્બરમાં તેના પર ફૂલ લાગે છે. જ્યારે અમેરિકન કેસર એક પ્રકારના તેલીબિયાંનો પાક છે. કસુંબી તરીકે ઓળખાતાં આ પાકના ફૂલના પુંકેસરનો ઉપયોગ કેસર તરીકે થાય છે અને તેનાં બીજ ફરી વખત પાક લેવા માટે વાવવા માટે ઉપયોગી થાય છે. આ પાક ઑક્ટોબર-નવેમ્બરમાં વાવવામાં આવે છે અને તેનાં ફૂલ ફેબ્રુઆરી-માર્ચમાં આવે છે.

વેકરા ગામમાં અમેરિકન કેસરનું વાવેતર કરનારા અરવિંદભાઈ પિંડોરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઠંડા પ્રદેશનો આ પાક હોવા છતાં કચ્છની ઠંડી તેને માફક આવે છે. ૩૦ ડિગ્રી સુધીના તાપમાનનો તેને વાંધો આવતો નથી. મેં અને મારા મિત્ર વેલજીભાઈ વરસાણીએ એક-એક એકરમાં અમેરિકન કેસર વાવ્યું છે. અત્યારે છોડવા સરસ ઊગી ગયા છે. આગામી માસમાં તેના પર ફૂલ લાગશે. એક એકરમાં ૧૭ કિલો ઉત્પાદન મળવાનું અનુમાન છે. જોકે આ પાકના માર્કેટિંગ માટે પ્રયત્ન હજુ કર્યા નથી. એક એકરમાં વાવેતર કરવા માટે ૪૦૦ ગ્રામ બિયારણ લાગ્યું હતું. આ બિયારણનો ભાવ કિલોના રૃ. એક લાખની આસપાસનો હોય છે. જો ઉત્પાદનને સારું બજાર મળે તો એક કિલોના ૬૦-૭૦ હજારનો ભાવ મળી શકે, આમ ૧૭ કિલોના ૧૦ લાખ આસપાસ ભાવ મળી શકે. અમે આ પાક તદ્દન ઓર્ગેનિક પદ્ધતિથી લઈએ છીએ. ગોબર, ગૌમૂત્રનો જ તેમાં પ્રયોગ કર્યો છે.’

ગત વર્ષે અમેરિકન કેસર વાવનારા સઇ ગામના જશુભા સોઢા કહે છે, ‘ગાંધીનગર આસપાસ કોઈક જગ્યાએ અમેરિકન ખેતરની ખેતી અંગેનો લેખ મેં વાંચ્યો હતો. તેના આધારે હું ત્યાં ગયો હતો અને તેમની પાસેથી બિયારણ અને માર્ગદર્શન મેળવ્યાં હતાં. છાણિયું ખાતર વાપરીને ૫થી ૬ કિલો ઉત્પાદન મેળવ્યું હતું. જોકે હું દલાલોના ભરોસે રહ્યો અને આ નવા પ્રયોગ થકી મેળવેલું ઉત્પાદન વેચાયા વગરનું પડ્યું રહ્યું. તેથી આ વરસે કાશ્મીરી કેસરના વાવેતરનો પ્રયોગ કર્યો છે. મેં ૧૪૫ જેટલા છોડ વાવીને ખૂબ નાના પાયે આ પ્રયોગ કર્યો છે. તેનું બિયારણ કાશ્મીરથી મગાવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી માર્ગદર્શન મેળવવા મેં પ્રયત્નો કર્યા હતા. જોકે મને પ્રોત્સાહન મળ્યું ન હતું. આ વરસે કાશ્મીરી કેસરના છોડ તો ઊગી ગયા છે, પરંતુ હજુ ફૂલ બેઠા નથી. હું પરિણામની રાહમાં છું.’

તેઓ વધુમાં કહે છે, ‘ખેડૂતો પોતાના જોખમે અને પોતાની હિંમતથી નવા પ્રયોગો કરે, પરંતુ સરકારનો સહકાર મળતો નથી. નવા પાક અંગે પૂરતું માર્ગદર્શન કે તેના માર્કેટિંગ અંગે કોઈ પ્રયત્નો સરકાર તરફથી થતાં નથી. તેથી નાનાં ગામડાંનો પ્રયોગશીલ ખેડૂત લાચાર બની જાય છે.’

કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી યશોધર શિહોરાનો આ અંગે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો પ્રયોગ કરે છે તે સારી વાત છે, પરંતુ જ્યારે ઉત્પાદનને યોગ્ય માર્કેટ મળે અને ખેડૂતને નફો થાય તો જ પ્રયોગ સફળ થયો માની શકાય. કચ્છમાં ઉત્પાદિત થતાં અમેરિકન કેસરનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવું જોઈએ. તેનો સ્વાદ, સોડમ અને રંગ પણ કેવા હોય છે તે જોવું જોઈએ. ઉપરાંત આ વિશિષ્ટ પ્રકારની ખેતી માટે જાણકાર મજૂરો મળે તે પણ એટલું જ મહત્ત્વનું છે. જો બધા જ પાસા યોગ્ય રીતે પાર પડે અને ખેડૂતને નફો થાય તો આ પાકનું વ્યાપારી ધોરણે વાવેતર કરી શકાય. સરકાર અને ખેતીવાડી ખાતું માર્કેટિંગ માટે ખેડૂતોને સહયોગ આપી શકે.’

આણંદ કૃષિ યુનિવર્સિટીના બાયોટૅક્નોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. આર.એસ. ફોગટે આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમેરિકન કેસર એ કેસર નથી, પરંતુ તે તેલીબિયાંનો પાક છે. કસુંબી (સેફ્લાવર) તરીકે ઓળખાતાં આ બિયાંનું તેલ મગફળી કે સરસવના તેલ કરતાં વધુ સારી ગુણવત્તાવાળું હોય છે. તેમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટી એસિડ ઓછું હોય છે. તેથી તે પ્રમાણમાં મોંઘું હોય છે. તેના પાનને ઉકાળીને ગ્રીન ટીની જેમ પીવાય છે. તે આરોગ્યપ્રદ હોય છે, પરંતુ તેના તાંતણાને કેસર કહી ન શકાય. ખેડૂતોએ તેમના ઉત્પાદનનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવું જોઈએ. આ અમેરિકન કેસર માત્ર કેસર જેવો રંગ આપે છે તેથી તે ગુટકા કે અન્ય વસ્તુમાં ભેળસેળ કરવા માટે વપરાય છે. તેમ જ કચ્છનું વાતાવરણ કાશ્મીરી કેસર માટે યોગ્ય નથી. તેથી જો પહેલા વર્ષે કદાચ ફૂલ લાગે તો પણ બીજા વર્ષે ફૂલ લાગશે નહીં. કાશ્મીરી કેસર ગુજરાતમાં થઈ ન શકે.’

અમેરિકન કેસરના બિયાંના તેલનું માર્કેટ ઘણું મોટું છે. તે અંગે તથા તે ક્યાં વેચી શકાય તે અંગે જો સરકાર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળે તો આ ખેતી તેમના માટે લાભકારક સાબિત થઈ શકે.

—————————–.

You might also like