સત્તાની પ્યાસે એમને નિરંકુશ બનાવ્યા

એકકાળે ૫૬ની છાતી લઈને ફરતા ફાયરબ્રાન્ડ નેતા એકાએક પોતાને એન્કાઉન્ટરની બીક બતાવી રડી પડે છે. એક સમયે દેશના લઘુમતી સામે સભામાં ભારે કટુ વચનો ઉચ્ચારતા તેઓ એકાએક કેન્દ્રની ભાજપ સરકારને હિન્દુ વિરોધી ગણાવી દે છે. આ ડૉ. પ્રવીણ તોગડિયાને થયું છે શું? આવો સમજવાની કોશિશ કરીએ……

 

યે આંસુ નહીં અંગાર હૈ, હિન્દુ હૃદય કી પુકાર હૈ
મહારુદ્ર કા ઔંકાર હૈ, તંબૂ સે રામ ધનુ કી ટંકાર હૈ
આંખે ખોલ સિકંદર યહ યુદ્ધ કી હુંકાર હૈ.

આ શૌર્ય વચનો લખવામાં આવ્યાં છે પ્રવીણ તોગડિયાના ફેસબુક પ્રોફાઇલમાં.

એક સમયે મુસલમાનો સામે ઝેર ઓકતા તોગડિયા હવે દિશા બદલીને મોદી સામે આડકતરા કોરડા વીંઝી રહ્યા છે. તેમના ફેસબુક પેજમાં લખે છે કે, બધા પક્ષોમાંથી આયાતી ઉમેદવારો લઈને તમે ચૂંટણી લડી, શું એ સાત્ત્વિકતા હતી? મારે અને વીએચપી કાર્યકર્તાઓએ હિન્દુત્વનું સર્ટિફિકેટ તમારા જેવા પોકળ વાદા કરનારાઓ પાસેથી લેવાની જરૃર નથી. દમન તો તમે કરી રહ્યા છો, સાહેબ!

ઘણી અસ્પષ્ટતાઓ વચ્ચે એક વાત સ્પષ્ટ સમજાય છે તે એ કે, તોગડિયા મોદીની સફળતાથી બિલકુલ રાજી નથી. આક્રમક અને વિવાદિત ભાષણોથી જાણીતા તોગડિયા સાથે વર્ષો પહેલાં નરેન્દ્ર મોદીને સારા સંબંધો ભલે રહ્યા હતા, પરંતુ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછીથી બંને વચ્ચેના સંબંધો સતત કથળતા ગયા. ૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તો બંનેના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ. કેટલાક ભાજપના નેતાઓને એવું લાગે છે કે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તોગડિયા અને વીએચપી કાર્યકરોએ ભાજપના વિરોધમાં કામ કર્યું હતું. ભાજપના એક સિનિયર નેતા કહે છે, ‘તોગડિયાએ પાટીદાર આંદોલનને ઠારવાને બદલે ભડકાવવાનું કામ કર્યું હતું. અમે આ વખતે ૧૦૦ સીટોનો આંકડો પાર ન કરી શક્યા એમાં આ પણ એક મોટું કારણ હતું.’ એવું ચર્ચાય છે. તોગડિયાને આરએસએસ તરફથી સ્પષ્ટ નિર્દેશ આપી દેવાયો હતો કે તેમણે રાજનીતિક મુદ્દાઓમાં દખલ ન દેવી, તેમ છતાં ચૂંટણી પહેલાં તોગડિયાએ ખેડૂતો અને યુવા રેલીઓને સંબોધી અને સરકાર વિરોધી માહોલ બનાવવાની કોશિશ કરી. ગત ૨૯ ડિસેમ્બરે ભુવનેશ્વરમાં વીએચપીની કાર્યકારી બોર્ડની બેઠક મળી હતી. સંઘના કેટલાક નેતાઓએ કોશિશ કરી કે પ્રવીણ તોગડિયા ફરી કાર્યકારી અધ્યક્ષ ન બને, પરંતુ તેમનું ન ચાલ્યું.

એંસીના દાયકામાં સંઘમાં તોગડિયા અને મોદી બંને એટલા પ્રભાવી હતા કે ૧૯૮૩માં તોગડિયાને વીએચપીમાં સમાવાયા અને મોદીને ૧૯૮૪માં ફૂલ ટાઇમ પ્રચારક બનાવાયા. ૧૯૯૫માં ભાજપ ગુજરાતમાં સત્તામાં આવ્યો ત્યા સુધી બંને એકબીજાને મદદ કરતા રહ્યા. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તોગડિયા કોર કમિટીમાં હતા. તેઓ ભારોભાર સત્તા ભોગવતા હતા. શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને કેશુભાઈને ઊથલાવ્યા અને તોગડિયાને જેલમાં ધકેલ્યા. કેશુભાઈ મુખ્યમંત્રી હતા, પરંતુ તોગડિયાના અમદાવાદમાં સોલા સ્થિત લાલ બંગલાની બહાર લાલબત્તીવાળી કારોની કતાર લાગેલી રહેતી. તોગડિયા સરકારનો હિસ્સો નહોતા છતાં સત્તાના સૂત્ર એમની પાસે હતા. એ વાત ગુજરાતના અધિકારીઓ જાણતા હતા. તોગડિયા પાસે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાફલા જેવો જ પોલીસની ચાર-પાંચ ગાડીઓ, એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો રહેતો હતો. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ તેમના પુસ્તક ‘૨૦૧૪ઃ ઇલેક્શન ડેટ ચેન્જ્ડ ઈન્ડિયા’માં લખે છે કે, ‘સંભવત્ જે વાત સાચી છે તે એ છે કે ફેબ્રુઆરી ૨૦૦૨ની તારીખ સુધી ગુજરાતના અસલી બૉસ નરેન્દ્ર મોદી નહીં, પણ વીએચપી નેતા પ્રવીણ તોગડિયા હતા.’

૧૯૯૫થી ૨૦૦૧ સુધી મોદી ગુજરાતમાંથી ગેરહાજર રહ્યા. કહેવાય છે કે ઑક્ટોબર ૨૦૦૧માં મોદીને મુખ્યમંત્રીનો તાજ પહેરાવતી વખતે અડવાણીએ તોગડિયાનો મત લીધો હતો. મોદી મંત્રીમંડળમાં તોગડિયાએ તેમના ખાસ ગોરધન ઝડફિયાને ગૃહમંત્રી બનાવ્યા. ગોધરાકાંડ પછી ભાજપના સપોર્ટમાં તોગડિયાએ સતત બે અઠવાડિયાં સુધી હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરીને ૧૦૦ જેટલી રેલીઓ અને સભાઓ ગજવી. મોદી ફરી મુખ્યમંત્રી બન્યા એ સાથે જ સ્થિતિ બદલાઈ ગઈ. મોદીએ તત્કાલ ઝડફિયાને મંત્રીમંડળમાંથી પડતા મુકીને તોગડિયાને સિગ્નલ આપી દીધંુ કે હવે સરકારમાં તમારી દખલગીરીની જરૃર નથી. તોગડિયા સાથેના વિચારવિમર્શની પ્રક્રિયા અટકાવી દેવાઈ. તોગડિયા સહાયક અશ્વિન પટેલ સામે મોદીના હિન્દુત્વને પડકારતા એસએમએસ મોકલવા બદલ ફરિયાદ થઈ. ખેડૂતોનું આંદોલન શરૃ કરવા બદલ ભારતીય કિસાન સંઘની તેમના સરકારી ક્વાર્ટરમાંથી હકાલપટ્ટી થઈ. સુપ્રીમ કોર્ટના દબાણના પગલે ગોધરાકાંડના કેસો ફરી ખૂલ્યા અને ટોળાંની આગેવાની લીધી હતી તેવા વિહિપ અને બજરંગદળના કાર્યકર્તાઓની ધરપકડ થઈ ત્યારે મોદી-તોગડિયા વચ્ચેના સંબંધો વધુ તંગ બન્યા. સરકારે ગાંધીનગરમાં રોડ વચ્ચે આવતાં ૨૦૦ જેટલાં મંદિરો તોડી પાડ્યાં ત્યારે વિહિપ વડા અશોક સિંઘલે તો મોદીની ગઝની સાથે સરખામણી કરી દીધી. ૨૦૧૧માં મોદીના સદ્દભાવના ઉપવાસની ટીકા કરતાં તોગડિયાએ તેને નાટકરૃપ ગણાવ્યા.

મોદીએ બજરંગ દળ અને વિહિપની તાકાત ઘટાડી દીધી. એ જરૃરી પણ હતું. મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરો પ્રજાને સંખ્યાબળને કારણે હેરાન કરતા હતા. ગુજરાતમાં પણ હિન્દુત્વના નામે આવો ‘ધંધો’ શરૃ થયો હતો. દુકાન ખોલી કેટલાક ગુંડાઓએ પોતાનો ધંધો શરૃ કર્યો હતો. એક સમયે ડૉ. તોગડિયાની સભામાં ૨૫-૩૦ હજાર માણસો આવતા. તે ઘટીને ૨૦૦-૩૦૦ થયા. કદાચ તોગડિયાના જાહેર જીવનનો આ અંત હતો, પરંતુ રાજકીય મંચના જૂના ખેલાડી છદ્મરૃપે ફરી એકવાર ગર્જ્યા. સૂત્રોના કહેવા પ્રમાણે, આ દૃષ્ટિકોણથી સમજીએ તો પાટીદાર આંદોલન આટલું વિશાળ કેમ બની ગયું અને આ આંદોલન પાછળ કોનો મજબૂત હાથ હતો તેની કડી મળે છે.

મોદીને હટાવવા કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર ‘માનવતાવાદી’ કોંગ્રેસ તોગડિયાને મળી. અર્જુન મોઢવાડિયા સહિતના ઘણા કોંગ્રેસી નેતાઓ તોગડિયાને સાંત્વના આપી આવ્યા. હું તોગડિયાની મુલાકાતે પાલડી સ્થિત વિહિપ કાર્યાલયે ગયો ત્યારે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસના ધીરુ ગજેરા અને રખિયાલના કનુભાઈ પટેલ તોગડિયાને મળનારાઓની કતારમાં રાહ જોતા બેઠા હતા. તોગડિયા અને તેમની આસપાસ મેળાવડો જમાવતા નેતાઓનું વિશ્લેષણ કરતાં એવો ક્યાસ નીકળે છે કે આ સત્તાવાંછુ અસંતુષ્ટોનો જમાવડો છે. સામસામા છેડાના માણસોને એકબીજાને આશ્વાસન આપતાં જોતાં બીજું શું અનુમાન થઈ શકે?

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી મળતાં વાતચીતની શરૃઆતમાં જ તોગડિયાએ મુલાકાત આપવાનો ઇનકાર કરી દીધો અને કહી દીધું કે, ‘મારી પ્રેસ કોન્ફરન્સના આધારે તમારે જે લખવું હોય તે લખો.’ ‘અભિયાન’એ સવાલ કર્યો કે દેશ આખો, ખાસ કરીને દેશનો હિન્દુ સમાજ અસમંજસમાં છે, અદ્ધરશ્વાસે છે, તમારે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ત્યારે ડૉ. તોગડિયાએ ‘અભિયાન’ને કહ્યું કે,  ‘આ આખી ઘટનાના મૂળમાં રહેલી વાત એ છે કે સત્તામાં બેઠેલા કેટલાક લોકો એમણે અને અમે આપેલાં હિન્દુત્વનાં, રામમંદિરનાં, ગૌરક્ષાનાં, કોમન સિવિલ કોડનાં વચનો પુરાં કરતાં નથી, કરવા માગતાં નથી. વચન આપ્યા પછી ખેડૂતોને દોઢ ગણા ટેકાના ભાવ આપવામાં પણ એમને તકલીફ પડે છે. બધી જ બાબતોમાં યુ-ટર્ન. આની સામે હિન્દુસ્તાનમાં અવાજ ઉઠાવનારનો અવાજ દબાવી દેવામાં આવે છે કે તેને પદભ્રષ્ટ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મારું મોઢું દબાવવાનો પ્રયાસ થતો હતો. મેં હિન્દુત્વની કોઈ પણ વાત છોડવાની ના પાડી. ઉદાહરણ તરીકે, ગૌરક્ષક ગુંડા છે એવું કહેવામાં આવ્યંુ ત્યારે મેં કહ્યું કે, આ વિધાન પાછું ખેંચો. દરેક ડીએસપી, કલેક્ટરને ગૌરક્ષકો સામે પગલાં લેવાના આદેશ આપ્યા, ત્યારે મેં કહ્યંુ કે, એ આદેશો પાછા ખેંચો.

રામમંદિરનો કાયદો બનાવવાની વાતમાં પણ આનાકાની. હિન્દુત્વના કામની માગણી મેં સતત ચાલુ રાખી. એ અવાજને દબાવવાના સત્તામાં બેઠેલાના પ્રયાસ. એવો એક પ્રયાસ આંતરિક વિશ્વ હિન્દુ પરિષદમાં થયો. એ જ પ્રકરણ સાથે અમદાવાદનો પાંચ જાન્યુઆરીનો કેસ અને રાજસ્થાનનો કેસ જોડાયેલો હતો. રાજસ્થાનનો કેસ તો પાછો ખેંચાઈ ગયો હતો. પાછા ખેંચાયેલા કેસ પર વૉરન્ટ કેવી રીતે નીકળે? એનો અર્થ એ કે સત્તામાં બેઠેલાને હિન્દુત્વનું કામ નથી કરવું અને જે હિન્દુત્વનું કામ કરવા માગે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવો છે. જનતાની તાકાતથી પ્રવીણ તોગડિયાનો અવાજ કોઈ દબાવી નહીં શકે.’ તોગડિયાએ સરકાર સામે એન્કાઉન્ટરના આક્ષેપ કર્યા છે અને કહે છે કે, અનુકૂળ સમય આવ્યે તેઓ તેના પુરાવા આપશે.

સૂત્રો પ્રમાણે, વાત અહીં સુધી પહોંચી તેના મૂળમાં ગત નવેમ્બરમાં કર્ણાટકના ઉડુપીમાં મળેલી વિહિપની ધર્મસંસદ જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ એ ધર્મસંસદમાં રામમંદિર નિર્માણ મામલે આરએસએસ વડા મોહન ભાગવત અને ડૉ. તોગડિયા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તોગડિયાનો આગ્રહ હતો કે કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર હોવાથી ધર્મ સંસદમાં સરકાર રામમંદિરનું નિર્માણ કરે એવો પ્રસ્તાવ લાવવામાં આવે. તો બીજી તરફ, ભાગવતે આ પ્રસ્તાવમાં સરકારને વચ્ચે ન લાવવા કહ્યંુ હતું. આમ પહેલેથી મોદી સામે પડેલા તોગડિયા હવે ભાગવતની પણ સામે પડ્યા છે.

ઉત્તરાયણના બીજા દિવસે જે બન્યું તે ડૉ. તોગડિયા માટે શરમજનક છે. ડૉ. તોગડિયા ઉપર રાજસ્થાનમાં જાહેરનામાના ભંગનો સામાન્ય ગુનો નોંધાયેલો છે. રાજસ્થાન પોલીસ આવી અને તોગડિયાના ઘેરથી પાછી ફરી હતી. રાજસ્થાન પોલીસ ધારેત તો તેમને પકડી શકી હોત, પરંતુ તે ઔપચારિકતાના ભાગરૃપે સોલા પોલીસમાં નોંધ કરી પરત જતી રહી, પરંતુ ડૉ. તોગડિયાથી આ સહન ન થયું અને તેમણે નબળી સ્ક્રિપ્ટ રચી અને એન્કાઉન્ટરનો પ્રલાપ આલાપ્યો. તેઓ રસ્તા ઉપર બેભાન મળી આવ્યા અને તેમને અમદાવાદની ચંદ્રમણિ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વાસ્તવમાં આ હૉસ્પિટલના ડૉક્ટર તેમના મિત્ર છે. બીજા રાજ્યની પોલીસ મારું એન્કાઉન્ટર કરી નાખશે, મને હેરાન કરાય છે… આ શબ્દો કહેતા કહેતા આગ ઝરતી વાણીવાળા આ નેતાની આંખમાંથી ટપક-ટપક આંસુ નીકળી આવે છે. એ સાથે જ એક વીડિયો વાઇરલ થાય છે. જેમાં પ્રવીણ તોગડિયા ઘરેથી નીકળીને જેમને ઘરે રોકાયા હતા એ વિહિપના કાર્યકર્તા ઘનશ્યામભાઈ એવું કહેતા સંભળાય છે કે, ‘સરકાર સામે વાતાવરણ બનાવવાનો આ માંડ મોકો મળ્યો હતો.’

અને…

સિયાસત વો તવાયફ હૈ જિસે કુર્સી દિખા દો તો
યે અપનો કી હી લાશો પર સિયાસત કરને લગતી હૈ…

આવું જ થયંુ ડૉ. તોગડિયા સાથે. હવે તો લોકો એવી મજાક કરે છે કે એક અરેસ્ટ વૉરન્ટ નીકળ્યું ત્યાં તો રોવા-ધોવાનું, શાલ ઓઢીને ભાગવાનું, બેહોશ થઈ જવાનું અને બીપી વધી જવાનું… એટલું બધું થઈ ગયું આ હિન્દુ શેરને. અને હવે છેલ્લે તોગડિયાને લઈને વિહિપમાં તિરાડ પડી રહી છે. નિર્ણય લેતી વિહિપની સૌથી શક્તિશાળી બૉડી માર્ગદર્શક મંડળના એક મહત્ત્વના સભ્ય સ્વામી ચિન્મયાનંદે કહ્યું છે કે, ‘તોગડિયાએ અનુશાસનનો ભંગ કર્યો છે, તેમને જલ્દી તેમના પદેથી હટાવવામાં આવશે. વિહિપમાં તોગડિયા પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે. માર્ગદર્શક મંડળનો સામાન્ય મત પણ આ જ છે.’ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરીના અંત સુધીમાં વીએચપીની કાર્યકારી બેઠક મળશે અને તેમાં તોગડિયા અને તેમના સમર્થકોને પાણીચું પકડાવવામાં આવશે.

—————-.

…તો તોગડિયાવાળો ડ્રામા ન ભજવાત

કોર્ટ સુધી એક પત્ર પહોંચી જાત તો કદાચ તોગડિયાવાળો ડ્રામા ન ભજવાત. આ વિવાદ એક મરેલા કેસમાંથી જન્મ્યો છે. રાજસ્થાન પોલીસ ટૅક્નિકલ રીતે એક મરેલા કેસમાં ડૉ. તોગડિયાની ધરકપડ કરવા અમદાવાદ આવી હતી. રાજસ્થાન સરકારે ૩ વર્ષ પહેલાં ભાજપ સત્તામાં આવી તે સાથે જ તોગડિયા વિરુદ્ધના આ કેસને પાછો ખેંચી લીધો હતો અને આ મામલે જિલ્લા પ્રશાસનને પત્ર પણ લખ્યો હતો. આ કેસ સવાઈ માધોપુર પોલીસ સ્ટેશનમાં તોગડિયા સહિત ૧૬ લોકો સામે ૨૦૦૨માં નોંધાયો હતો અને એ મામલો ગંગાપુર શહેર વિસ્તારમાં કલમ ૧૪૪ના ઉલ્લંઘનનો હતો. જોકે પ્રશાસનિક ભૂલના કારણે એ પત્ર કોર્ટ સુધી ન પહોંચ્યો. પરિણામે કોર્ટમાં મામલાની સુનાવણી ચાલતી રહી અને સમન્સ બજવાતા રહ્યા. હવે તો પ્રશાસને પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને હવે કોર્ટને સૂચના આપવાની વાત કહેવામાં આવી રહી છે. તોગડિયાના આરોપ બાદ રાજસ્થાનના અધિકારીઓએ આ મામલાની તપાસ કરી તો સામે આવ્યું કે પોલીસ મરેલા કેસની પાછળ પડી છે.

—————-.

You might also like