ભારતીય મૂળનો ‘જેહાદી જોન’ સિદ્ધાર્થ ધાર વૈશ્વિક આતંકી જાહેર

વોશિંગ્ટન: અમેરિકાએ ભારતીય મૂળના ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બ્રિટિશ આતંકી સિદ્ધાર્થ ધાર અને બેલ્જિયમ મૂળના મોરોક્કોના નાગરિકને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

અમેરિકાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ ધાર બ્રિટનમાં રહેતો હિંદુ છે જે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની ગયો હતો. તેને પોતાનું નામ અબુ રુમૈસાહ રાખ્યું છે. ૨૦૧૪માં રુમૈસાહને યુકેમાંથી પોલીસ જામીન મળ્યા બાદ તે ફરાર થઈને પોતાની પત્ની અને બાળકો સાથે સિરિયા ચાલ્યો ગયો હતો.

આઈએસ દ્વારા સેક્સ સ્લેવ બનાવવામાં આવેલી એક યુવતી નિહાદ બરકાતે મે ૨૦૧૬માં જણાવ્યું હતું કે સિદ્ધાર્થ ધારે જ તેનું અપહરણ કર્યું હતું અને તેને આઈએસના ગઢ મોસૂલ લઈ ગયો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે સિદ્ધાર્થ ધારે ‘જેહાદી જોન’નું સ્થાન લીધું હતું અને તે આતંકી સંગઠન આઈએસનો સિનિયર કમાન્ડર બની ગયો હતો.

અમેરિકાના વિદેશ વિભાગે આઈએસના બે આતંકી સિદ્ધાર્થ ધાર અને અબ્દુલ લતીફ ગનીને વૈશ્વિક આતંકી જાહેર કર્યા છે. આ પ્રતિબંધ બાદ અમેરિકા સ્થિત સિદ્ધાર્થ ધાર અને ગનીની સંપત્તિ જપ્ત થઈ જશે અને અમેરિકાનો કોઈ પણ નાગરિક તેની સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર કરી શકશે નહીં.

You might also like