મ્યુ.કચેરીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ

728_90

અમદાવાદ : શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશનની મુખ્ય કચેરીમાં આજે સાંજે એકાએક વીજપુરવઠો ગુલ થઈ જતા કચેરીની લિફટો બંધ થઈ જતા તેમાં એક સિનિયર સિટીજન ફસાઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે થોડા સમય બાદ વીજપુરવઠો પૂર્વવત થતા લોકોએ રાહત અનુભવી હતી. મ્યુનિસિપલ કોર્પારેશનની કચેરીએ આજે સાંજે ૪-૩૦ કલાકે એકાએક વીજ પુરવઠો ખોરવાઈ જતા કચેરીની વિવિધ લિફટો બંધ થઈ ગઈ હતી. તેમજ વિવિધ ચેમ્બરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેના કારણે અનેક લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.

એકાએક વીજળી ગુલ થઈ જતા કચેરીની લિફટો બંધ થઈ જતા તેમાં રહેલા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે આ દરમિયાન મોટાભાગના લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ એક ૭૦ વર્ષના વયોવૃદ્ધ લીફટમાં રહી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે બાદમાં તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.એએમસી કચેરીમાં એકાએક વીજ પુરવઠો ઠપ થઈ જતા કચેરીની વિવિધ ચેમ્બરોમાં ચાલતા કમ્પ્યૂટર તેમજ સર્વર બંધ થઈ જતા કામગીરી ઠપ થઈ જતા કર્મચારીઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા.

તેમજ જન્મ-મરણના સર્ટિફિકેટ માટે લાઈનમાં રહેલા લોકો અને અન્ય દસ્તાવેજો માટેના કામે આવેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમાં અગત્યના કામ માટે આવેલા કેટલાંક લોકોને પરત ફરવુ પડ્યુ હતું. વીજ પુરવઠો ચાલુ થતા લોકોએ રાહત અનુભવી હતી. દરમિયાન આજ સમયે શહેરના અન્ય વિસ્તારમાં પણ વીજ પુરવઠો ગુલ થતા કેટલીક બહુમાળી બિલ્ડિંગો અને કોમ્પલેક્ષની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને અન્ય લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. લિફટ બંધ થઈ જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ વીજ પુરવઠો પૂર્વવત થઈ જતા પરિસ્થિતિ થાળે પડી હતી.

You might also like
728_90