‘વિરોધનો વિકાસ’ – હાસ્ય લેખ

ભોગીલાલ પોતાની ડ્યુટી ઉપર હતો. બસ ભરચક્ક હતી. એક જાડા બહેન બસમાં ચડ્યા અને ડાબી અને જમણી બંને દિશામાં ખાલી સીટ શોધવા માટે નજર દોડાવી, પરંતુ નિરાશા સાંપડી. આખી બસમાં એક પણ સીટ ખાલી નહોતી. એ બહેનની પાછળ એમનો પતિ ઊભો હતો, પરંતુ પત્ની અસામાન્ય જાડી અને પુુરુષ અસામાન્ય દૂબળો હતો. ટૂંકમાં કહેવું હોય તો કજોડું હતું. એકવાર એક જિજ્ઞાસુએ મને સવાલ કર્યો હતો કે કજોડું કોને કહેવાય? મેં રમૂજ ખાતર જવાબ આપ્યો કે જેને જોઈને જોડું મારવાનું મન થાય એને કજોડું કહેવાય.

ભોગીલાલ કંડક્ટર અને દલસુખ ડ્રાઈવરની દેખરેખ નીચે રવાના થયેલી બસ અસમથળ માર્ગ ઉપર દોડી રહી હતી. રસ્તા ઉપર એટલા ખાડાઓ હતા કે એમ કહેવું પડે કે રોડ ઉપર ખાડા નહોતા, પરંતુ ખાડા વચ્ચે ક્યાંક ક્યાંક રોડ પણ હતો. માર્ગ ખાડાગ્રસ્ત હોવાથી વજનદાર પત્ની ઢોળાઈ જાય અને ઈજાગ્રસ્ત થઈ જાય એ બીકે પાતળિયા પતિએ પોતાની પત્નીને કંડક્ટરની સીટ ઉપર બેસી જવા વિનંતી કરી. પેલી સ્ત્રી બેઠી, પરંતુ સંપૂર્ણ બેઠી નહોતી કારણ કંડક્ટરની સીટ સિંગલ હોય છે. તેમાં તે સંપૂર્ણ બેસી શકે તેવી સ્થિતિમાં નહોતી.

બસમાં કોઈ દૂબળી વ્યક્તિ સળિયો પકડીને ઊભી હોય તો કોઈ ત્રણની સીટમાં થોડા સંકોચાઈને પણ ચોથા પેસેન્જર તરીકે પેલી પાતળી વ્યક્તિને આગ્રહ કરે એવું બની શકે, પરંતુ જ્યારે કોઈ ભારેથી અતિભારે શરીરના માલિક ઊભા હોય ત્યારે આ પ્રકારની ઉદારતા પ્રગટ થતી નથી. કારણ સીટના ખૂણે રહેલી થોડી જગ્યામાં એ લોકોનું સ્થાપન શક્ય હોતું નથી.

ભોગીલાલ પ્રથમથી પરમાર્થી છે. એ બધા પેસેન્જરની ટિકિટ કાપીને પરત આવ્યો ત્યારે મહાકાય મહિલાને પોતાની સીટ ઉપર મહાપરાણે ગોઠવાયેલી જોઈ. એણે બહેનને ક્યાં સુધી જવું છે એવું પૂછ્યું અને પોતે ઊભો રહ્યો. બે સ્ટેશન પછી બે વ્યક્તિ ઉતરવાની હતી એ કંડક્ટરને જાણ હતી. જો એક વ્યક્તિ ઊભી થાય તો સદરહુ મહિલાનો સમાવેશ શક્ય નહોતો, પરંતુ બે મુસાફરની જગ્યાએ તેઓ સરળતાથી બેસી શકે તેમ હોવાથી બે સ્ટેશન સુધી ઊભા રહેવાનો સ્વૈચ્છિક નિર્ણય કરીને ભોગીલાલ પાતળિયા પતિ સાથે વાતે વળગ્યો.

‘આપણાં વડાપ્રધાન ‘વિકાસ’ શબ્દ ઉપર ખૂબ જ ભાર મૂકે છે. તો વિકાસ બાબતે આપનું શું માનવું છે?’ ભોગીલાલે પૂછ્યું.

કંડક્ટરનો સવાલ સાંભળીને પેલો દૂબળો પતિ પોતાની પત્ની સામે જોવા લાગ્યો. એ દેશના વિકાસ વિશે જ્ઞાન ધરાવતો નહોતો, પરંતુ પોતાના જ ઘરમાં વિકાસનું મૂર્તિમંત ઉદાહરણ હતું તે જાણતો હતો.

‘વિકાસ ખૂબ થયો છે.’ પાતળિયો પતિ બોલ્યો.

કોનો? ભોગીલાલે સૂચક સવાલ કર્યો.

‘દેશનો… બીજા કોની વાત હોય?’ દૂબળાએ કહ્યું.

ભોગીલાલે પેલાની પત્ની સામે જોઈને કહ્યું – ચારે દિશામાં વિકાસ થયો છે.

‘વિરોધનો વિકાસ થયો છે.’

અચાનક આ પ્રકારનું જલદ નિવેદન સાંભળીને ભોગીલાલ અને દૂબળો પતિ બંને ચોંકી ગયા. એમણે અવાજની દિશામાં દૃષ્ટિ કરી તો એક પેસેન્જર આ બંનેની વાત સાંભળતો હતો એ આમંત્રણ વગર જ કૂદી પડ્યો હતો.

શું કહ્યું સાહેબ? ભોગીલાલે વનસ્મોર કર્યું.

‘વિરોધનો વિકાસ થયો છે.’ પેલા મુસાફરે કંડક્ટરની આજ્ઞા પાળી.

‘તમે શા પરથી કહો છો?’ દૂબળાએ પૂછ્યું.

‘જુઓ ભાઈ… અત્યારે દરેક ક્ષેત્રમાં વિરોધ જોવા મળે છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજાનો વિરોધ કરતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. હવે તો પક્ષના ધારાસભ્યો મુખ્યમંત્રીનો વિરોધ કરે છે.’ મુસાફર ઉવાચ.

‘થોડા દિવસો પહેલાં એક રાજ્યના મુખ્યમંત્રીને કોઈકે સમાચાર આપ્યા કે એક ખૂંખાર કેદી જેલમાંથી છટકી ગયો છે. આ સાંભળીને મુખ્યમંત્રીએ કહ્યું કે, કેદી ભલે છટકી જાય, પરંતુ એક પણ ધારાસભ્ય છટકે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો.’ ભોગીલાલે ચર્ચામાં મીઠું-મરચું ભભરાવ્યાં.

હવે તો ચર્ચા રસિક બની ગઈ હતી એટલે બીજા બે-ત્રણ મુસાફરે પણ શ્રોતાનો સ્વાંગ રચ્યો. દૂબળા પતિની સાથે તેની વજનદાર પત્ની પણ શ્રોતામંડળમાં ભળી. એક બહેરા પેસેન્જરે પણ કાનમાં ભરાયેલા મશીનને થોડું એડજસ્ટ કરી ચર્ચામાં જોડાવાની ચેષ્ટા કરી.

‘બીજે ક્યાં વિરોધ જોવા મળે છે?’ દૂબળાએ વળી પૂછ્યું.

‘થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રમાં એક યુવાનની હિંસા થઈ એમાં તો અરાજકતા ફેલાઈ ગઈ.’

‘હિંસા થાય એ તો બહુ જ ખરાબ કહેવાય…’ ભોગીલાલે કહ્યું.

‘હું એમ કહેતો નથી કે યુવાનની હિંસા થઈ તે સારું થયું છે, પરંતુ હિંસા બાદ બે કોમનાં લોકો વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળે અને પરિણામે આખા મહારાષ્ટ્રમાં ખોફ ફેલાય તે વાજબી નથી.’ મુસાફરે કહ્યું.

‘અમારી ૧૬૦ એસ.ટી. બસમાં તોડફોડ થઈ. પરિણામે લાખો રૃપિયાનું નુકસાન થયું.’ ભોગીલાલે કહ્યું.

‘અરે મહારાષ્ટ્રની વાત છોડો, પૂણેથી ત્રીસ કિ.મી. બનેલી ઘટનાના પડઘા છેક ગુજરાતમાં પડ્યા. ધોરાજીમાં પણ તોફાન થયાં અને સુરેન્દ્રનગરમાં એસ.ટી. બસ ઉપર પથ્થરમારો થયો. હું બહુ સમજી વિચારીને બોલ્યો છું કે વિરોધનો વિકાસ થયો છે.’

‘આપની વાત સાવ કાઢી નાખ્યા જેવી નથી.’ દૂબળો બોલ્યો.

‘આ પદ્માવતીનો વિરોધ પણ ક્યાં બંધ થાય છે?’ વધુ એક પેસેન્જરે ડબકું મૂક્યું.

‘હા… પદ્માવતીમાંથી પદ્માવત કર્યું છતાં વિરોધ તો ચાલુ જ છે. રાજસ્થાનની સરકારે એ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂક્યોે તો ગુજરાતમાં પણ પ્રદર્શિત ન કરવા માટે ઘણાં સંગઠનોએ આવેદનપત્રો આપ્યા છે.’ ભોગીલાલે આજના અખબારની તાજા ખબર રજૂ કરી.

‘એ ફિલ્મના વિરોધમાં પણ ખૂબ તોફાનો થયાં અને સિનેમાઘર તથા બીજી સંપત્તિઓને નુકસાન થયું છે.’ પેલા મૂળ મુસાફરે પોતાના વાક્યને સાચું સાબિત કરવા વધુ દલીલ કરી.

‘ઊભા રહો… ઊભા રહો… હું તમને એક વાત કરું.’ અત્યાર સુધી માત્ર શ્રોતા હતા એવા મગનલાલ માસ્તર હવે કૂદી પડ્યા.

બોલો… સાહેબ. બોલો.’ ભોગીલાલ માસ્તરને ઓળખતો હતો એટલે આગ્રહ કર્યો.

મગન માસ્તર નિવૃત્ત હતા. કુશળ વક્તા હતા. દૃષ્ટાંત, દાખલા અને દલીલો સાથે પોતાની વાત મૂકવામાં નિષ્ણાત હતા. માસ્તરને નોકરી કરતા ત્યાં સુધી વિદ્યાર્થીઓ સ્વરૃપે ઓડિયન્સ દરરોજ હાથવગુ રહેતું, પરંતુ નિવૃત્ત થયા પછી કોની સામે બોલવું એ સળગતો પ્રશ્ન હતો. માસ્તરને ઘરમાં કોઈ સાંભળતું નથી, પરંતુ ક્યારેક ઈશ્વરકૃપાથી આવો કોઈ અવસર મળી જાય તો ઝડપી લે છે. માસ્તરે હરખાઈને ઠાવકા થઈને વાત માંડી.

એક ગુરુને બે ચેલા હતા. ગુરુ જેટલા જ્ઞાની એટલા જ ચેલા અજ્ઞાની હતા. ચેલાનાં શરીર તંદુરસ્ત પણ મગજ બહુ નબળાં હતાં. જે લોકોનાં શરીર લોંઠકા હોય એમાં બહુ બુદ્ધિ ન હોય.’ પાતળિયા પતિથી ઉત્સાહમાં આવીને સૂત્રપાત થઈ ગયો. બાજુમાં બેઠેલી મહાકાય પત્નીએ કરડાકીભરી નજર નાખી. બંનેની ચાર આંખો એક થઈ અને દૂબળો પતિ પોતાનો કાન પકડીને નીચું જોઈ ગયો.

માસ્તરનું ચેલાપુરાણ આગળ ચાલ્યું.

‘એ બંને ચેલા એવા અક્કલમઠા હતા કે ગુરુના પગ દાબવા માટે ઝઘડતા રહેતા. એ ચેલા ગુરુના પગ દાબીને જતા રહે પછી એનો થાક ગુરુને કલાક પછી ઊતરતો. ચેલા ગુરુની સેવા કરતા નહોતા, પણ જાણે કે ગુરુને સજા કરતા હતા.’

‘કળિયુગના ચેલા હતા એમ કહો ને…’ ભોગીલાલે ટપકું મૂક્યું.

‘એક દિવસ કંટાળીને ગુરુજીએ ચેલાઓને બંને પગ વહેંચી દીધા. એકને પોતાનો જમણો પગ આપ્યો અને બીજાને ડાબો પગ આપ્યો. એક દિવસ ગુરુજી પગ ઉપર પગ ચડાવીને સૂતા હતા અને એક ચેલો ચાકરી કરવા આવ્યો. એેણે જોયું તો પોતાના ભાગના પગ ઉપર બીજા ચેલાના ભાગનો પગ પડ્યો હતો. ચેલાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એને થયું કે મારા પગ ઉપર પેલાનો પગ? મૂરખને હથિયાર તરત મળી રહે. એણે લાકડી ઉપાડીને પેલાના ભાગના પગ ઉપર ફટકારી અને પગ ભાંગી નાખ્યો.’

‘થોડીવાર પછી બીજો ચેલો બહારથી આવ્યો. એને સમાચાર મળ્યા કે પેલાએ મારા ભાગનો પગ ભાંગી નાખ્યો એટલે એણે બદલો લેવા માટે પેલાના ભાગનો પગ ભાંગી નાખ્યો. ગુરુજીના બંને પગ ભાંગી જવાથી તે પોક મૂકીને રડવા લાગ્યા.’ માસ્તરે વાત પૂરી કરી. બધાં ખડખડાટ હસ્યા.

વિરોધની વાત કરતા મુસાફરને માસ્તરની દખલગીરી ન ગમી એટલે એ એક ન હસ્યા. એમણે મોઢું બગાડીને કહ્યું કે, ‘અમે દેશની સમસ્યાની વાત કરતા હતા અને તમે વચ્ચે કૂદી પડ્યા. આ જોક શાહબુદ્દીન રાઠોડની છે. જે તમે અમારી ચર્ચામાં અકારણ લઈ આવ્યા.’

‘તમારી સમજવામાં ભૂલ થાય છે. હું તમારી ચર્ચામાં બહુ સમજી વિચારીને આ રમૂજ લઈ આવ્યો છું.’ માસ્તરે કહ્યું.

‘એ કેવી રીતે?’ દૂબળો બોલ્યો.

‘પેલા બંને મૂરખ શિષ્યોએ એકબીજાના વિરોધમાં એકબીજાના હિસ્સામાં આવેલ પગ ભાંગી નાખ્યા, પરંતુ પગ તો ગુરુજીના હતા. એ રીતે દલિત-મરાઠા વચ્ચે ઘર્ષણ થાય કે પદ્માવતીનો વિરોધ થાય, અનામતની માગણી થાય કે બીજો કોઈ વિરોધ હોય… લોકો બસ સળગાવે, દુકાનો સળગાવે, રસ્તા ઉપર ચક્કાજામ કરે કે બંધનું એલાન કરે… સરવાળે નુકસાન તો માદરેવતનને થાય છે, આપણા રાષ્ટ્રને થાય છે.’ માસ્તરે વાત પૂરી કરી.

‘વાહ સાહેબ વાહ… આપે લાખ રૃપિયાની વાત કરી.’ ભોગીલાલ બોલ્યો.

‘હું કાયમ લાખ રૃપિયાની જ વાત કરું છું, પરંતુ કોઈ સાંભળતું નથી.’

‘એનું નામ જ કળિયુગ… અત્યારે લોકો પાસે નિરર્થક વાતો સાંભળવાનો સમય છે, પરંતુ તમે કહી એવી માર્મિક વાતો કોઈ સાંભળતું નથી.’ પેલા પેસેન્જરે પણ માસ્તરને માન આપ્યું. ઉત્યાં અચાનક ભોગીલાલની બસ ઉપર પથ્થરમારો શરૃ થયો. બે-ત્રણ કાચ ફૂટી ગયા. કોઈ પેસેન્જરને વાગ્યું નહીં તેટલું સારું હતું. ભોગીલાલે દલસુખ ડ્રાઈવરને બૂમ પાડી કે બસને સીધી નજીકના પોલીસ સ્ટેશને લઈ લો. ડ્રાઈવરે એસ.ટી. ડેપો તરફ જતી બસને પોલીસ સ્ટેશન તરફ મારી મુકી. બધાં પેસેન્જરના જીવ પડીકે બંધાઈ ગયા.

‘કોણે પથ્થરમારો કર્યો હશે?’ ભોગીલાલ બોલ્યો.

‘એ તો પોલીસ સ્ટેશન ગયા પછી તપાસ કરીશું કે આ નવો વિરોધ શાનો છે? એટલે તો હું કહું છું કે વિરોધનો વિકાસ થયો છે.’ પેલા પેસેન્જરને પોતાના વિધાનની સાબિતી માટે કશું જ બોલવું ન પડ્યું.

———————.

You might also like