ડો. પ્રવીણ તોગડિયાના પ્રકરણે અનેક સવાલો સર્જયા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા કલાકો સુધી ગુમ થયા અને રાત્રે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા તે ઘટનાક્રમ ચોંકાવનારો હતો. રહસ્યના તાણાવાણા સર્જતી આ ઘટના અને ત્યાર બાદ ડૉ. તોગડિયાએ હૉસ્પિટલમાંથી આપેલાં બયાને અનેક સવાલો સર્જયા છે…….

 

લોકો વાસી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બપોર બાદ એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે વીએચપીના નેતા ડૉ.પ્રવીણ તોગડિયા ગુમ થયા છે. જેમને સરકારી સુરક્ષા આપવામાં આવી છે તેવા એક નેતા આ રીતે ગુમ થઈ જાય તે વાત ઝડપથી કોઈને ગળે ઊતરતી ન હતી. અફવાઓ અને અનેક તર્ક વચ્ચે મોડી રાત્રે તોગડિયા અર્ધબેભાન હાલતમાં મળી આવતા વીએચપીના કાર્યકરોનો ઉશ્કેરાટ હળવો થયો અને સુરક્ષા એજન્સીઓએ પણ રાહત અનુભવી હતી. લગભગ ૧૧ કલાક સુધી વીએચપીના નેતા જે રીતે ગુમ થયા અને એકલા રિક્ષામાં ફર્યા અને રાત્રે બેભાન હાલતમાં હૉસ્પિટલે પહોંચ્યા. ત્યાર બાદ બીજા દિવસે મંગળવારે સવારે પ્રેસ બોલાવીને જે બયાન આપ્યંુ તે આખા ઘટનાક્રમે અનેક સવાલો સર્જયા છે. આ સવાલો અને રહસ્ય પરથી તો ખુદ ડૉ. તોગડિયા અને સરકાર જ પરદો ઊંચકી શકે તેમ છે.

વિશ્વ હિન્દુ પરિષદના એક સમયે ફાયરબ્રાન્ડ નેતા તરીકે જાણીતા ડૉ. પ્રવીણ તોગડિયા છેલ્લા કેટલાક સમયથી ભાજપ સરકાર સામે પણ સવાલો કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ટૂંકમાં ભાજપ નેતાગીરી અને સરકાર સામે તેઓ નારાજગીભર્યા નિવેદનો આપે તેનાથી કોઈને આશ્ચર્ય થાય તેમ ન હતું, પણ જેમને સરકારે સુરક્ષા આપી છે તે તોગડિયા કલાકો સુધી લાપતા રહે, પરિવાર અને સરકારને તેમની શોધખોળ કરવી પડે તે ઘટનાક્રમ એ ચોંકાવનારો અને ચિંતાનો વિષય હતો. રવિવારે મોડી રાતે તેઓ મુંબઈના એક કાર્યક્રમમાં હાજરી આપીને અમદાવાદ આવ્યા હતા. સવાલો એ ઊભા થયા છે કે એવું તે શું હતું કે ડૉ. પ્રવીણ તોગડિયાએ તેમના સુરક્ષા જવાનોને છોડી એકલા બહાર જવાનું પસંદ કર્યું? કોની સાથે તેઓ બહાર ગયા હતા? કોતરપુરવાળી જગ્યાએ તેઓ બેભાન હાલતમાં કેવી રીતે પહોંચ્યા? તેઓ બેભાન હતા તો ૧૦૮માં કોણે ફોન કર્યો હતો? સિવિલમાં જવાને બદલે એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે જવાનું કેમ પસંદ કર્યું? તેમને કોનો ભય સતાવતો હતો? જયપુર કોર્ટમાં હાજર થવા એકલા જ કેમ ઍરપોર્ટ જવા નીકળ્યા હતા? પરિષદ કે પરિવારને કેમ આ અંગે જાણ ન કરી? આવા અનેક સવાલો આ ઘટનાએ ખડા કર્યા છે.

અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા બાદ સવારે ૧૧ વાગ્યે તેમણે તાબડતોબ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમણે ભાવુક બનીને એવું બયાન આપ્યું હતું કે મારા એન્કાઉન્ટરનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મારા અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ હું હિન્દુ એકતા, ગૌ હત્યા અને રામ મંદિરના મુદ્દે છેવટ સુધી લડતો રહીશ. ડૉ. તોગડિયાએ સેન્ટ્રલ આઈબી પર નિશાન તાકી એવું કહ્યું હતું કે અનેક જૂના કેસો ફરી ખોલવામાં આવી રહ્યા છે જેની મને જાણ પણ નથી.

પ્રવીણ તોગડિયાના આ પ્રકરણના ઘેરા પડઘા રાજકારણમાં પડ્યા છે. લોકો દ્વારા તરેહ તરેહની ચર્ચા અને સવાલો આ ઘટનાને લઈને કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સરકારે આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. એ પહેલાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે આ ઘટનાને ગંભીર ગણાવી તપાસ માગી હતી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તો હૉસ્પિટલ પર તોગડિયાની ખબરઅંતર પૂછવા માટે દોડી ગયા હતા. હાર્દિક પટેલ પણ હૉસ્પિટલ પર પહોંચી ગયો હતો. ટૂંકમાં આ મુદ્દે હવે રાજકારણ પણ શરૃ થયું છે.

————–.

You might also like