બૉલ્ડનેસ બોલે તો… સેનેટરી પેડની ચર્ચા

૨૧મી સદીમાં આજે પણ ભારતીય સમાજ મહિલાઓના માસિકધર્મને લઈને એટલો જ રૃઢિચુસ્ત છે. આ વિષય એવો છે કે તે વિશે ચર્ચા કરવામાં ખુદ મહિલાઓ પણ ક્ષોભ અનુભવતી હોય છે. આમાં તેમનો દોષ પણ નથી. કેમ કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓમાં માસિકધર્મ જેવી પ્રકૃતિગત શારીરિક પ્રક્રિયાને ધર્મ સાથે જોડી દઈ તેના વિશે અનેક ગેરમાન્યતાઓનાં બીજ બાળપણથી જ રોપી દેવામાં આવતાં હોય છે. જોકે, હવે સમય પ્રમાણે ધીમે-ધીમે સમાજમાં હકારાત્મક બદલાવ આવી રહ્યો છે. માસિકધર્મ અને સેનેટરી પેડ કે નેપ્કિન વિશે ચર્ચા કરવા યુવતીઓ-મહિલાઓ ખૂલીને આગળ આવી રહી છે. કેમ કે, તેમને પણ સમજાયું છે કે આ વિષય તેમના આરોગ્ય સાથે જોડાયેલો છે માટે તે વિશે વાત કરવામાં કોઈ છોછ રાખવાની જરૃર નથી. અક્ષયકુમાર સ્ટારર ‘પેડમેન’ જેવી ફિલ્મોએ પણ મહિલાઓનો આ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો છે, બીજી તરફ ગુજરાતમાં પ્રથમવાર ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ બનવાના શરૃ થયાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સેનેટરી પેડ વિશે જાણકારી મેળવીએ………..

 

સ્વાતિના નામની બૂમ મારતી સીધી જ તેના ઘરમાં પ્રવેશી. ત્યારે આન્ટી બોલ્યાં, ‘ધીરે, તે બાજુના રૃમના ખૂણામાં બેઠી છે. મેં કહ્યું, કેમ તેના રૃમમાં નથી…? આન્ટી ધીમેથી પ્રત્યુત્તર વાળે છેે, તે પિરિયડમાં છે માટે.’ સ્વાતિ બાળપણની મિત્ર, પણ આજ સુધી આવી સ્થિતિમાં ક્યારેય મળવાનું થયું નહોતંુ. મને પણ થયું કે આવા સમય દરમિયાન હું અહીં ન આવી હોત તો સારું થાત. સ્વાતિ રૃમના ખૂણામાં કંતાન પાથરી સૂતી હતી. તે થોડી બીમાર હોય તેવું પણ લાગી રહ્યું હતું. મેં પાસે જઈને પૂછ્યું કે, ‘અરે સ્વાતિ આ શું?’ તે કહે, ‘બા છે ને માનતાં જ નથી. જો ને, જમીન પર પાથરવા પણ કંતાનની ગોદડી આપી છે. એટલો બધો રક્તસ્ત્રાવ થાય છે છતાં નેપ્કિન લાવવાનો ખોટો ખર્ચ નહીં કરવાનો તેવું સ્પષ્ટ કહી દીધું છે, ભલે થોડી-થોડી વારે બાથરૃમની મુલાકાત લેવી પડે. એમાં ને એમાં બીમાર થઈ ગઈ છું. પપ્પા અને ભાઈને તો આવી વાતની ખબર પણ ન હોય. આ વાતનો ફાયદો ઉઠાવી મને અને મમ્મીને બા કાયમ હેરાન કરે છે.’ તેની આ વાત સાંભળીને મેં ઊંડો નિસાસો નાખ્યો. આજના જમાનામાં આવું તે કંઈ હોય..? પણ હોય છે. આવંુ જ હોય છે.

પૈસાના ખોટા દુર્વ્યયના બહાને આજે પણ મહિલાઓને સેનેટરી નેપ્કિનની જગ્યાએ માસિકધર્મના દિવસોમાં જૂના ચણિયા કે પછી ફાટી ગયેલા ગાઉનનાં કપડાંનો ઉપયોગ કરવો પડે છે. બીજી બાજુ ધર્મના નામે ઘરની વહુ, દીકરીઓે માટે આ દિવસોમાં ચુસ્ત આચારસંહિતા લાગુ પાડવામાં આવે છે. ઘરના પુરુષનો ચહેરો પણ નહીં દેખવાનો, ઘરમાં કોઈ જ વસ્તુને અડવાનું નહીં, ખાવાના વાસણ અલગ રાખવાના, પીવાના પાણીનો ગ્લાસ જુદો રાખવાનો, સૂવા માટે કંતાનની ગોદડીનો જ ઉપયોગ કરવાનો, કોઈનો સ્પર્શ નહીં કરવાનો કેમ કે રજસ્વલા મહિલાનો સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય છે, તેમનો પડછાયો પડે તો સાપ આંધળો થઈ જાય, પાપડ કાળા પડી જાય, અથાણા બગડી જાય, જળાશયને અડકતાં તેમાં જીવજંતુ પડે અને આ સમય દરમિયાન મહિલાના શરીરમાંથી ઝેર નીકળે છે, વગેરે વગેરે. આવી વાતો નાનપણથી જ ધાર્મિક રીતે સમજાવવામાં આવી જેથી મહિલાઓ, યુવતીઓ, દીકરીઓ માટે આવા અનેક નિયમો બની ગયા. આજે ભારતની દીકરીઓ અંતરિક્ષ સુધી પહોંચી છે. આજે એવી કોઈ જગ્યા નહીં હોય જ્યાં મહિલા કામ ન કરતી હોય. છતાં આજે પણ દેશની અડધાથી પણ વધુ વસ્તી આવી ખોટી ધાર્મિક માન્યતાઓમાં જીવી રહી છે તે એક કડવી વાસ્તવિક્તા છે. મહિલાઓએ શરૃ કરેલી ખોટી પરંપરાઓનો ભોગ ખુદ મહિલાએ જ બનવું પડે છે. આવનારી પેઢીઓ પણ આ ખોટી માન્યતાઓમાં જકડાઈ રહી છે.

હજુ થોડા સમય પહેલાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પિરિયડ્સને લઈને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. બાદમાં એક પછી એક અભિનેત્રીઓએ તેની આ વાતને સમર્થન આપતાં પોતાના વિચારો રજૂ કર્યા ત્યારે તેમની ઘણી ટીકા થઈ હતી. લોકોએ એવું કહ્યુંુ કે, આ તો કોઈ વિષય છે વાત કરવાનો.

બીજી તરફ અક્ષયકુમાર તો આ વિષય અંગે પેડમેન નામની આખેઆખી ફિલ્મ લઈને આવી રહ્યો છે. કહેવાય છે કે, આ ફિલ્મ સત્ય વાત પર આધારિત છે. એક રીતે જોવા જઈએ તો આ વિષય પર ચર્ચા નહીં કરવાની તેવી વાત કરવી જ ખોટી છે. આમ તો આપણે દીકરીઓને બોલવું જોઈએ, દરેક સમસ્યાનો જાતે હલ શોધવો જોઈએ જેવી અનેક વાતો શીખવીએ છીએ. જ્યારે ખરેખર તે બોલતાં શીખે ત્યારે આપણે જ સમાજ અને રીતિ-રિવાજની ખોટી વાતો કરીને તેમને ચૂપ કરાવી દઈએ છીએ.

એક અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરતી હોય તેવી મહિલાઓની સંખ્યા માંડ ૨૫થી ૩૦ ટકા છે. તેમાં પણ શહેરની મહિલાઓ અને કૉલેજિયન યુવતીઓની સંખ્યા વધુ છે. આજે પણ ૭૦ ટકા જેટલી મહિલાઓની માન્યતા એવી જ છે કે, પેડનો ઉપયોગ એટલે ખોટો ખર્ચ છે. આવી માન્યતાને દૂર કરવા માટે અનેક સામાજિક સંસ્થાઓ હવે આગળ આવી રહી છે.

ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ અને યુવતીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પહેલીવાર ઇકો ફ્રેન્ડલી (પર્યાવરણને અનુકૂળ) સેનેટરી પેડ તૈયાર થવા જઈ રહ્યા છે. અમદાવાદની એક એનજીઓ દ્વારા આ પ્રકારના નેપ્કિન બનાવવાનું યુનિટ ઊભું કરવામાં આવ્યું છે. આ એનજીઓના કહેવા પ્રમાણે આ પેડ બનાવવા માટે કેળાનાં પત્તાં અને લાકડાંના રેસાનો ઉપયોગ કરવામાં આવશે. જેની કિંમત અઢી રૃપિયા જેટલી રાખવામાં આવશે. આ સંસ્થા એટલે શુભ્રા પ્રિયંવદા ફાઉન્ડેશન. આ એનજીઓ ગુજરાત જ નહીં, દેશભરમાં કાર્યરત છે. આનો પ્રયોગ દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. હવે ગુજરાતની મહિલાઓ પણ આ નેપ્કિનનો લાભ લઈ શકશે. આ વિશે વાત કરતાં સંસ્થાનાં મેન્ટર સ્મિતા મુર્મુ કહે છે, ‘હું દિલ્હીમાં રહું છું. મારા ઘરે આવતાં કામવાળા બહેન મોટા ભાગે કપડાંનો જ ઉપયોગ કરે છે. એકવાર તેની સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે પિરિયડમાં છું અને આવી તકલીફ છે. ત્યારે મેં તેને પેડનો ઉપયોગ કરવાનું કહ્યું. ત્યારે તે બોલી કે, મેડમ અમને તે ન પોસાય. અમારા માટે તો કાપડ જ યોગ્ય કહેવાય, જેને ધોઈને વારંવાર ઉપયોગ કરી શકાય. બીજી બાજુ આવી મહિલાઓને વ્હાઇટ ડિસ્ચાર્જ (સફેદ પાણી જવું), રેસીસ જેવી અનેક બીમારીઓથી પીડાતાં પણ જોતી. ત્યારે લાગ્યું કે આ મહિલાઓ માટે ખરેખર કંઈક કરવું જોઈએ. ત્યારે અમારો ઇકો ફ્રેન્ડલી પેડનો વિચાર અમલી બન્યો.

આ જ વિચારને અમે અમદાવાદ જેવા શહેરમાં લઈને આવ્યા. તે માટે પહેલાં સર્વે જરૃરી હતો. માટે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં બહેનોનો સર્વે કરાવ્યો તો વાત નવાઈ પમાડે તેવી હતી. શહેર હોવા છતાં માંડ ૩૦ ટકા જેટલી મહિલાઓ જ પેડનો ઉપયોગ કરતી હતી. તેમાં પણ વધુ કૉલેજ ગર્લ હોવાનું જાણ્યું. બસ, પછી તો આ બહેનો માટે અને ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, ગોધરાના અંતરિયાળ ગામડાંઓ કે જ્યાં આ વિશે માહિતી નથી, જાગૃતિ નથી ત્યાં આ પેડ પહોંચાડવાનો નિર્ણય કર્યો. અમારા આ કાર્યમાં એક કંપની પણ અમને મદદ કરી રહી છે. હવે અમારો ધ્યેય ત્યાં પહોંચવાનો છે જ્યાં ખરેખર આવા પેડની જરૃરિયાત છે. મહિલાઓ હજુ પણ કપડાંથી થતાં નુકસાનથી અજાણ છે. ત્યાં જઈને મહિલાઓ, યુવતીઓને આ વિશે માહિતગાર કરવા છે. તેમને પોસાય તેવા પેડ તેમને આપવા છે.’ તેમણે ઉમેર્યું કે, ‘આ પેડને ડિસ્પોઝ કરવા પણ સહેલા રહેશે. તેનો ઉપયોગ કર્યા પછી પણ પર્યાવરણને તેનાથી કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આનાથી સ્વચ્છતા અભિયાનમાં પણ મદદ મળશે. મહિલાઓ આગળ આવે અને અમને સહયોગ કરે. એવી દીકરીઓ કે જેમને હજુ પેડ વિશે કોઈ માહિતી નથી તેમને માહિતી પુરી પાડે, પેડ પુરા પાડે અને કપડાં તથા પેડ વચ્ચેનો ભેદ સમજાવે.’

અમદાવાદની શ્રેય હૉસ્પિટલનાં સ્ત્રીરોગ નિષ્ણાત કલ્પનાબહેન સાંગવાન કહે છે,  ‘શહેરની મહિલાઓ, યુવતીઓ પેડનો યુઝ કરતી થઈ છે, પરંતુ ગામડાંમાં હજુ પણ

આ વાતને શરમ માનવામાં આવે છે. ખરેખર તો સ્વચ્છતાની નજરે, સ્વાસ્થ્યની રીતે પણ કાપડ કરતાં પેડનો ઉપયોગ સેફ અને સારો છે.

‘નાની દીકરીઓ જે પહેલી વખત પિરિયડ્સમાં આવતી હોય છે તેમને તો કાપડનો ઉપયોગ કેમ કરવો તેની ખબર પણ નથી હોતી. શાળાએ જતાં પણ લીક થવાનો ડર તેને રહે છે. તો બીજી બાજુ કાપડને ધોઈને વારંવાર વાપરવાથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધુ રહે છે. પિરિયડ દરમિયાન પેટમાં, પેઢુમાં દુઃખાવો રહે છે. તે સમયે કાપડ બદલવું, ધોવું આ બધંુ મુશ્કેલી ભરેલંુ હોય છે. તેવા સમયે યોગ્ય રીતે નેપ્કિનનો ઉપયોગ કરવામાં આવે તો દરેક મહિલા, યુવતીઓ અને કિશોરી માટે સારું રહે છે.

એક ડૉક્ટર હોવાના નાતે હું દરેક મહિલાને પેડ વાપરવાની સલાહ આપંુ છું.’ પેડના વપરાશ માટે અભિયાન ચલાવતાં સમાજસેવિકા આનંદીબહેન ગુપ્તા કહે છે, ‘હવે ધીમે-ધીમે બદલાવ આવી રહ્યો છે. પહેલાંના સમય કરતાં પેડનું વેચાણ વધી રહ્યંુ છે. મારે ગુજરાતનાં અનેક ગામમાં ફરવાનું થાય છે. ત્યારે મહિલાઓની સ્થિતિ જોઈને દયા આવી જાય છે. પિરિયડ્સ દરમિયાન પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારે વાત થાય ત્યારે હું પેડ વાપરવાની સલાહ આપું છું. ત્યારે મને ચોખ્ખું સંભળાવી દે છે કે એમ દર મહિને વળી પેડ થોડા પોસાય… આ જ વાત તેઓ પોતાની દીકરીઓને પણ શીખવે છે.’

પહેલાંના સમયમાં લગ્ન વહેલા થતાં. વળી, દીકરીઓ ભણવા પણ જતી નહીં. અન્ય પ્રસંગોમાં પણ મહિલાઓને ખાસ લઈ જવામાં આવતી નહીં. માટે ઘરમાં જ રહેતી મહિલાઓ, યુવતીઓ કાપડનો વપરાશ કરતી, પણ આજે ગામડાની દીકરીઓ પણ ભણવા માટે બાજુના ગામ કે શહેર સુધી જાય છે.  ઘણી જગ્યાએ તો ગામડાની યુવતી નોકરી પણ કરતી હોય છે, તે માટે અપડાઉન કરે છે. આવા સમયે તેમના માટે કપડાં કરતાં પેડ વધુ બેસ્ટ છે. હજુ પણ માસિકધર્મને લઈને દીકરીઓ અનેક માન્યતાઓમાં જકડાયેલી છે. ચાર દિવસ સુધી બહાર ન નીકળાય, કોઈ પણ વસ્તુને કે માણસને અડાય નહીં, ભૂલથી અડકી જવાય તો ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરવું પડે તેવી અનેક માન્યતાઓ આજે પણ ગામડાંઓમાં અકબંધ છે, જે દૂર થવી જરૃરી છે.

આ મામલે મહિલાઓ, યુવતીઓ, શાળામાં જતી દીકરીઓ સાથે વાત કર્યા પછી સાર એટલો જ નીકળે છે કે ભલે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી હોય, પરંતુ જ્યારે મહિલાની સ્વતંત્રતાની વાત આવે છે ત્યારે ખુદ એક મહિલા જ તેની સ્વતંત્રતા પર તરાપ મારતી હોય છે. હવે સમય પાકી ગયો છે. મહિલાઓ આગળ આવે અને ખૂલીને વાત કરે. તેના પરિવારજનો પણ તેને સહકાર આપે.

ઘરના વડીલો પણ પોતાનો અભિગમ બદલે. આમ થશે તો જ જાગૃતિ લાવી શકાશે. ખૂબ જ સામાન્ય લાગતી આ બાબત વિશે હવે ખૂલીને ચર્ચા કરવાનો સમય પાકી ગયો છે.

—————.

મહિલાઓને પોસાય તેવા પેડ આપવા છે. આ પેડને ડિસ્પોઝ કરવા સહેલા હશે. ઉપયોગ કર્યા પછી પણ પર્યાવરણને તેનાથી કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે – સ્મિતા મુર્મુ, મેન્ટર, શુભ્રા પ્રિયંવદા ફાઉન્ડેશન

—————.

You might also like