રાજ્ય સરકાર દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧ થી ૮ ના વિષયોમાં ફેરફાર થશે

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષથી જીસીઇઆરટી (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ)ના બદલે એનસીઇઆરટી (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ) બેઈઝ અભ્યાસક્રમ ધો.૧ થી ૮માં લાગુ થઇ રહ્યો છે. ધો.૧ર સાયન્સના અભ્યાસક્રમ બાદ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે સીબીએસઇ બેઇઝ અભ્યાસક્રમમાંથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. તેના કારણે રાજ્ય સરકાર પણ હવે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરી રહી છે.

એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ ધો.૧માં ગણિત અને પર્યાવરણના વિષયમાં અને ધો.૬ થી ૮માં ગણિત અને વિજ્ઞાનમાં નવો અભ્યાસક્રમ લાગુ થશે. જ્યારે માધ્યમિકમાં ધો.૯ અને ઉચ્ચતર માધ્યમિકમાં ધો.૧૧ના વિષયમાં ફેરફાર થશે.

આગામી શૈક્ષણિક વર્ષથી માધ્યમિકમાં ધો.૯માં ગણિત અને વિજ્ઞાનના વિષય બદલાશે અને તેવી જ રીતે ધો.૧૧માં ગણિત અને વિજ્ઞાનના વિષય પણ બદલાશે. આ અંગે પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન નીતિનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે ધો.૧ થી ૮નો નવો અભ્યાસક્રમ તૈયાર થઇ ગયો છે, તેમાં કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તેમાં સુધારા કરવા માટે ગણિત-વિજ્ઞાનના તજજ્ઞ અને ઉચ્ચ અધિકારીઓને સમીક્ષા અર્થે બોલાવાયા હતા.

ધો.૧માં ગણિત અને પર્યાવરણ માટે કોમન પુસ્તક હતું, તેમાંથી ગણિતનો વિષય અલગ કરાશે. ધો.રમાં ગણિત અને પર્યાવરણના વિષયમાં એક પુસ્તક હતું તેના બદલે બંને વિષય અલગ કરાયા છે. ધો.૩માં ગણિત, પર્યાવરણ અને ભાષાના વિષય બદલાશે. ધો.૪માં ગણિત અને પર્યાવરણના વિષય બદલાશે.

ધો.પમાં ગણિત અને પર્યાવરણના વિષય બદલાવા ઉપરાંત સામાજિક વિજ્ઞાનનાં ચેપ્ટર બદલાશે. ધો.૬, ૭ અને ૮માં ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસક્રમ બદલાશે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં નવાં પુસ્તક સાથેનો અભ્યાસક્રમ શાળાઓમાં મોકલવાની શરૂઆત કરી દેવાશે.

You might also like