Categories: Entertainment

કચ્છિયતની ખુશ્બૂ કચ્છની પીડા રજૂ કરતી ફિલ્મ ‘ધાડ’

કચ્છના મેઘાણી ગણાતા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. જયંત ખત્રીની વાર્તા ‘ધાડ’ પરથી બનેલી ફિલ્મ કચ્છી પરિવેશ, કચ્છની પીડા, કચ્છના વિષમ હવામાનનો પરિચય કરાવે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નથી. તેમાંથી કચ્છ પ્રદેશ, કચ્છી માડું અને કચ્છિયતની ખુશ્બૂ ફેલાય છે. દરિયા કિનારે ઊગતી વનસ્પતિ ચેર-મેન્ગ્રુવ્ઝને કચ્છી માણસના સંઘર્ષના પ્રતીક તરીકે રજૂ કરાઈ છે. લોકસહકારથી બનેલી આ ફિલ્મનો મુખ્ય પ્રાણ તેની વાર્તા હોવા ઉપરાંત તેના જોરદાર, ચોટદાર સંવાદો લેખકના મનની વાત સુપેરે રજૂ કરે છે…..

 

ખૂબ જ ઓછા બજેટમાં બનેલી ‘ધાડ’ ફિલ્મ બનાવવામાં ભૂકંપ તો નડ્યો જ ઉપરાંત આર્થિક સંકટે પણ તેને થિયેટરમાં આવતાં રોકી હતી. લોકસહકારથી એક અલગ જ પ્રકારની આ ફિલ્મ મોટા પડદા સુધી પહોંચી શકી. વધુ નાણાંની આશા રાખ્યા વગર ટોકન ચાર્જ લઈને નંદિતા દાસ, કે.કે. મેનન, સુજાતા મહેતા, રઘુવીર યાદવ જેવા ધુરંધર કલાકારોની સાથે સ્થાનિક કલાકારોએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાડ’ કચ્છના સમર્થ સર્જક ડો. જયંત ખત્રીની તે જ નામની વાર્તા પરથી બનેલી ફિલ્મ છે. વર્ષ ૨૦૦૦માં ભૂકંપ પહેલાં જેનું શૂટિંગ થયું હતું તે ફિલ્મના રીલ ડબ્બામાં પુરાઈ ગયા હતા. નિર્માતા-દિગ્દર્શકની ભારે જહેમત બાદ ૧૭ વર્ષ પછી આખરે આ ફિલ્મ થિયેટર સુધી પહોંચી શકી છે. ૧૯૫૦-૫૫ના સમયની વાત રજૂ કરતી આ ફિલ્મનું નિર્માણ ૧૭ વર્ષ પહેલાંનું હોવા છતાં આજે પણ તે જરાય જૂની લાગતી નથી.

ફિલ્મના નિર્માતા અને લેખકના પુત્ર કીર્તિ ખત્રીના જણાવ્યા મુજબ, ‘જયંત ખત્રી એક મૂર્ધન્ય સાહિત્યકાર તો હતા જ પરંતુ તેઓ એક સફળ તબીબ અને એક સારા ચિત્રકાર પણ હતા. તેમણે ગુજરાતી વાર્તાને આધુનિક ઓપ આપ્યો હતો.’

ડો. જયંત ખત્રી ફિલ્મ ફાઉન્ડેશનની રચના કરાઈ અને દિગ્દર્શક પરેશ નાયક માટે આ ફિલ્મ એક ‘ડ્રિમ પ્રોજેક્ટ’ બની ગઈ. વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરાયું અને પટકથા લખવાનું બીડું કચ્છના લેખક વિનેશ અંતાણીએ ઝડપ્યું. તેમણે પટકથા ઉપરાંત આ વાર્તા પરથી એક નવલકથા પણ લખી છે. ફિલ્મ બની તે પહેલાં ‘ધાડ’નું નાટ્યાવતરણ પણ થયું હતું. ફિલ્મની પટકથાની જરૃરત મુજબ તેમાં ‘ધાડ’ ઉપરાંત સ્વ. ખત્રીની અન્ય વાર્તાઓ ‘ખરા બપોરે’ અને ‘લોહીનું ટીપંુ’નાં પણ અમુક દૃશ્યો વણી લેવાયાં છે.

ફિલ્મના મુખ્ય પાત્ર ઘેલા માટે નાના પાટેકર અને મિલિંદ ગુણાજી સાથે વાત કરાઈ હતી, પરંતુ આખરે કે.કે.મેનન સાથે વાત નક્કી થઈ હતી. ઘેલાની પત્નીનાં પાત્ર માટે નંદિતા દાસ, સુજાતા મહેતા અને તેના મિત્રના પાત્ર માટે સંદિપ કુલકર્ણી જેવા મોટા ગજાના કલાકારોની વરણી થઈ. તેઓએ માત્ર ટોકનરૃપ વળતર સાથે કામ કરવાની તૈયારી બતાવી.

કલાકારોની તારીખો મળતાં જ અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શૂટિંગ શરૃ થયું. નાની બેર, હીરાપર, ફકીરાણી જત લોકોના ગામ વાલેવારી વાંઢ ઉપરાંત માંડવીના દરિયાકિનારે પણ શૂટિંગ કરાયું હતું. ફિલ્મમાં કચ્છી માહોલ આબાદ ઝીલાય, પાત્રોના મનોભાવ પણ તે પ્રદર્શિત કરી શકે તે માટે ભારે જહેમત ઉઠાવાઈ. જત લોકોના ઘર ‘પખા’, કચ્છના મશહૂર ભૂંગા (ખાસ પ્રકારનાં ઝૂંપડાં) આબેહૂબ લાગે તે માટે પણ ખૂબ જહેમત ઉઠાવાઈ. સ્ત્રી પાત્રોના શરીર પરના કે ઊંટના શરીર પરનાં છૂંદણાં પણ ખૂબ અભ્યાસ પછી દોરાયા હતા. આ બધા માટે કાર્યવાહક નિર્માતા ઝવેરીલાલ સોનેજીએ ભારે મહેનત ઉઠાવી હતી. આ ફિલ્મમાં દુષ્કાળ, ગાંડો બાવળ, ચેરિયા, કૂવા, શાળા અને શિક્ષકોની વાત બખૂબી વણી લેવાઈ છે.

ફિલ્મનાં ગીત-સંગીતના પાસા પાછળ પણ ઘણી જ જહેમત ઉઠાવાઈ હતી. પરેશ નાયકે માત્ર કચ્છી લોકસંગીત જ ફિલ્મમાં ન મૂકતાં તેને વેસ્ટર્ન ક્લાસિકલનો પણ ટચ મળે તે માટે પ્રયત્ન કર્યા હતા. બંનેે પ્રકારના સંગીતને વાપરીને ભક્તકવિ રતનબાઈની રચનાઓ, મહેશ્વરી મેઘવાળ સમાજનું વિદાય ગીત, મહેશ સોલંકીની રચનાને કચ્છી ગાયકો ધનબાઈ ગઢવી, ઇસ્માઇલ પારા, ઇસ્માઇલ મીર અને અમીના મીરના કંઠે સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાએ ગવડાવ્યા હતા.

આમ ખૂબ ઉત્સાહથી અને થોડી નાણાં ખેંચ સાથે ફિલ્મનું શૂટિંગ શરૃ તો કરાયું, પણ પછી નાણાંની ભીડ ઓછી કરવા જયંત ખત્રીનું માંડવીનું ઘર વેચીને આવેલી રકમ પણ ઉમેરીને ડિસેમ્બર ૨૦૦૦માં શૂટિંગ પૂરું કર્યું. ત્યાર પછીનું – પોસ્ટ શૂટિંગનું કામ બાકી હતું અને કચ્છને ભૂકંપનો માર પડ્યો. હજારો વ્યક્તિઓના મોતની સાથે કરોડો, અબજોની ખાનાખરાબી થઈ હોય ત્યાં કોઈ ફિલ્મ નિર્માણને કેવી રીતે આગળ ધપાવી શકે? સાથે ફરી આવી આર્થિક તંગી. આમ બે-ત્રણ વર્ષ સુધી તો આખું કામ જ બંધ રહ્યું. ત્યાર પછી એડિટિંગનું કામ પૂરું થયું, ૧૬ એમ.એમ.ની ફિલ્મ પર શૂટિંગ પછી તેને ૩૫ એમ.એમ.માં બ્લોઅપ કરાયું. ત્યાર પછી મુખ્ય પ્રશ્ન આવ્યો ફિલ્મના વિતરણનો. ગુજરાતી ફિલ્મોનું વિતરણ ભારે મોંઘું હતું. ટી.વી. ચેનલો પર પ્રસારિત કરવામાં પણ કોઈ મેળ ન પડ્યો. તેથી રીલો સાચવવા માટે પણ મીટર ચડતું હતું. આખરે અનેક પડકારોને ઝીલીને જે રીલ ૩૫ એમ.એમ.માં બ્લોઅપ કરાયેલા હતા તેનું ડિજિટલાઈલેશન કરાયું. ફરી વિતરણનો પ્રશ્ન તો ઊભો જ રહ્યો. આખરે દિગ્દર્શક પરેશ નાયકે પોતે ફંડ ઊભું કરીને રાજ્યનાં ૪૦ થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરી હતી. પહેલા અઠવાડિયામાં તો પ્રેક્ષકોનો સારો રિસ્પોન્સ રહ્યો છે, પરંતુ સાહિત્યકૃતિઓ પરથી ફિલ્મ બનાવવાનું કામ ખૂબ અઘરું હોવાથી આ ફિલ્મ કેવો બિઝનેસ કરે છે તે જોયા પછી જ બીજી વાર્તાઓ પરથી ફિલ્મ બનાવવી કે કેમ એ નક્કી થઈ શકશે.

હવે ‘ધાડ’ મુંબઈમાં રિલીઝ કરવાની સાથે ટૂંક સમયમાં મદ્રાસ, બેંગ્લોર, કોલકાતા જેવા મહાનગરોમાં પણ રજૂ કરવા વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં અનુકૂળતા થયે તેને વિદેશમાં પણ લઈ જવાશે.

 

—————–.

‘ધાડ’માં શું છે?

ત્રણેક વર્ષથી દુષ્કાળથી પીડાતી કચ્છની ધરતી પર કોઈ એક નાનકડી વાંઢમાં ઘેલો રહેતો હોય છે. ત્રણ-ત્રણ પત્ની છતાં નિઃસંતાન એવા આ યુવાનને સંતાનની ઘેલછા હોય છે. ઊંટને ચરાવવા જતી વખતે પ્રાણજીવન નામની વ્યક્તિ તેનો મિત્ર થઈ જાય છે. પ્રાણજીવન બેકાર થયા પછી ઘેલાની વાંઢમાં આવે છે. એકદમ ગરીબ, દિવસે ભટક્યા કરતા અને રાત્રે ભૂખ્યા સૂતાં માનવી જેવો ઘેલો હોવાની તેની કલ્પના હતી, પરંતુ તેના ઝૂંપડાં જોયા પછી તેની કલ્પના ખોટી પડી. ચાર ઝૂંપડાં, પૂરતી જમીન, સુંદર પત્ની, પૂરતાં ખોરાકવાળો ઘેલો તેને સમૃદ્ધ લાગ્યો. તેની પત્ની મોંઘી તેને જ્યારે વાત કરે છે ત્યારે તેને કલ્પના આવે છે કે ઘેલો ધાડપાડુ છે. સતત દુષ્કાળના વરસોએ તેની સંપત્તિ ખલાસ કરી હતી. વ્યાજખોરોએ તેની જમીન પચાવી પાડી હતી. તેથી તે માથાભારે બની ગયો હતો અને તેમાંથી તે સમૃદ્ધિ મેળવી શક્યો હતો. સતત વરસાદ ઇચ્છતી મોંઘી જાણે વાંઝણી ધરતીનું પ્રતીક છે અને સૂકાભઠ આકાશનું પ્રતીક છે ઘેલો. સતત સંતાન માટે તરસતો હોવા છતાં સંતાન આપી શકતો નથી. તેનો ઠંડો ગુસ્સો તેની બીજી વારની પત્ની સાથેના તેના વ્યવહારમાં જણાય છે, ઉંદરને મારી નાખવામાં જણાય છે. વાર્તાના અંતે છેલ્લી ધાડ વખતે તે જે યુવતીના હાથનો ચૂડલો કાઢવા મથતો હોય છે તે ગર્ભવતી હોવાની તેને ખબર પડે છે ત્યારે તેને ખૂબ માનસિક આઘાત લાગે છે અને પક્ષઘાતનો હુમલો આવે છે. આવી જ અવસ્થામાં તે મૃત્યુ પામે છે. જોકે ફિલ્મમાં અંત થોડો બદલાયો છે. પોતાની શારીરિક પીડાથી કંટાળીને બંદૂકથી આપઘાત કરતો તેને બતાવાયો છે. વાર્તા અને ફિલ્મમાં ધરતી તથા વરસાદ-દુષ્કાળની અને ઘેલાની નિઃસંતાનપણાની વેદના સમાંતરે ચાલે છે. જાણે ધરતીના રૃપકથી મોંઘી પોતાની વાત કહે છે અને દુષ્કાળના માધ્યમથી ઘેલો પોતાની સંતાનની તરસની વાત કહે છે. વાર્તાના અંતે દુનિયા અને કુદરત કરતાં પણ પોતાને મોટો, જબરો સમજતા ઘેલા પર પક્ષઘાતનો હુમલો કરીને જાણે કુદરત જ તેને ત્યાં ધાડ પાડે છે.

————————–.

Maharshi Shukla

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago