ઓહ! વિરાટ-અનુષ્કાના લગ્નની ભારતમાં કોઈને ખબર જ નથી, કરવા પડશે ફરીથી લગ્ન?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગત ૧૧ ડિસેમ્બરે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઇટાલીના ટસ્કની શહેરના રિસોર્ટમાં લગ્ન કર્યાં, પરંતુ રોમ ખાતેના ભારતીય દૂતાવાસને આ અંગેની કોઈ જાણકારી આપી નહોતી.

આ સ્થિતિમાં વિરાટનાં લગ્નની નોંધણીમાં ડખો ઊભો થશે એ નક્કી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વકીલ અને અંબાલા ખાતે રહેતા હેમંતકુમાર દ્વારા વિદેશ મંત્રાલયમાં ગત ૧૩ ડિસેમ્બરે કરવામાં આવેલી આરટીઆઇ અંતર્ગત રોમ સ્થિતિ ભારતીય દૂતાવાસે તા. ૪ જાન્યુઆરીને જવાબ આપ્યો, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

નિયમ અનુસાર કોઈ ભારતીય નાગરિક બીજા દેશમાં જઈને લગ્ન કરે તો તે વિદેશી લગ્ન અધિનિયમ-૧૯૬૯ અંતર્ગત રજિસ્ટર કરાય છે, પરંતુ વિરાટ-અનુષ્કાનાં લગ્ન નિયમ પ્રમાણે થયાં નથી. આ સ્થિતિમાં હવે દેશના જે રાજ્યમાં વિરાટ કોહલી-અનુષ્કા રહેશે, ત્યાં તેમણે એ રાજ્યના નિયમ અનુસાર લગ્ન રજિસ્ટર કરાવવા માટે ફરીથી લગ્ન કરવાં પડશે.

વકીલ હેમંતકુમારે ૧૩ ડિસેમ્બરે વિદેશ મંત્રાલયમાં આરટીઆઇ દાખલ કરીને પૂછ્યું હતું કે વિદેશી લગ્ન અધિનિયમ-૧૯૬૯ અનુસાર વિદેશમાં લગ્ન કરવા માટે ભારત તરફથી કયા લગ્ન અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા? બીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે કોહલી-અનુષ્કનાં લગ્ન વિદેશી લગ્ન અધિનિયમ-૧૯૬૯ અંતર્ગત થયા છે કે નહીં? મામલો ઇટાલી સાથે જોડાયેલો છે, તેથી વિદેશી મંત્રાલયે ૧૪ ડિસેમ્બરે આ આરટીઆઇ રોમ ખાતે આવેલા ભારતીય દૂતાવાસને મોકલી આપી હતી.

રોમ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી તા. ૪ જાન્યુઆરીએ આરટીઆઇનો જવાબ આપવામાં આવ્યો. આમાં પહેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવાયું કે રોમમાં ભારતીય વિદેશ મંત્રાલય તરફથી સુરુચિ શર્મા અને મિલાનમાં પ્રદીપ ગૌતમને લગ્ન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજા સવાલમાં જવાબમાં જણાવાયું કે વિરાટ-અનુષ્કાનાં લગ્ન અંગે રોમ સ્થિત ભારતીય દૂતાવાસમાં સત્તાવાર રીતે કોઈ જાણકારી નથી. વિરાટ-અનુષ્કાએ વિદેશી લગ્ન અધિનિયમ-૧૯૬૯ અંતર્ગત કોઈ ઔપચારિકતા પૂરી કરી નથી.

You might also like