તામિલનાડુ સહિત ચાર રાજ્યની પાંચ સીટની પેટા ચૂંટણી માટે આજે મતદાન

નવી દિલ્હી: તામિલનાડુની અતિ મહત્વપૂર્ણ એવી આર કે નગર વિધાનસભાની બેઠક સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આર કે નગરની સીટ તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની સીટ હતી. તેથી આ સીટ પર વિજય મેળવવા અનેક પ્રકારના દાવપેચ ચાલી રહ્યા છે. આ બેઠકની મત ગણતરી ૨૪ ડિસેમ્બરે થશે.

આ બેઠક માટે કુલ ૫૯ ઉમેદવાર મેદાનમાં છે.અને આ બેઠક માટે ૨.૦૬ લાખ મતદાર ૨૦૦થી વધુ મતદાન મથક પર તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. આમ તો આ બેઠક માટે ગત એપ્રિલમાં જ ચૂંટણી થવાની હતી પણ એક ઉમેદવાર દ્વારા મતદારોને લાંચની રકમ આપવાની વાત બહાર આવતાં ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. આ ચૂંટણી સત્તારૂઢ પાર્ટી એઆઈએડીએમકે માટે અગ્નિ પરિક્ષા સમાન સાબિત થશે.

આ સીટની પેટા ચૂંટણી પહેલાં અનેક પ્રકારની ઊથલપાથલ મચી ગઈ હતી. જેમાં અભિનેતા વિશાલ કૃષ્ણનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું હતું ત્યારે વિવાદાસ્પદ ચૂંટણી અધિકારી કે વેલુસ્વામીની બદલી કરી દેવામાં આવી હતી. તેમજ ચૂંટણી પહેલાં અનેક પાર્ટીઓ પર મતદારોને લાંચ આપવાના આક્ષેપ થયા હતા. અને આ દરમિયાન કેટલાક લોકો પાસેથી ૩૦ લાખ રૂપિયા જપ્ત પણ થયા હતા.

તમિલનાડુ ઉપરાંત કુલ પાંચ સીટ પર પેટા ચૂંટણી અંતર્ગ મતદાન થઈ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની કાનપુર દેહાતની સિકંદરા વિધાનસભા સીટ અને પશ્વિમ બંગાળમાં પણ સબાંગ વિધાનસભાની સીટ માટે પેટા ચૂંટણી છે.અરુણાચલની બે સીટ પર પણ મતદાન ચાલી રહ્યું છે જેમાં આ વખતે પહેલીવાર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. અરુણાચલમાં કેસાંગમાં ૧૫૦ કર્મચારીઓ તેમજ લીકાબાલીમાં ૨૨૦ કર્મચારીને મતદાનની કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. તેમજ મતદાન કેન્દ્ર પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

You might also like