ગૃહિણીઓના મનમાં શું ચાલી રહ્યું છે?

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સામાન્ય રીતે ઘરમાં જ રહેતી ગૃહિણીઓને ચૂંટણી અંગે કશી લેવાદેવા હોતી નથી તેવી આમ ધારણા હોય છે પણ એવું નથી. આજની ગૃહિણી પણ ચૂંટણી અને સરકારો વિશે પોતાના વિચારોને મુક્તમને રજૂ કરે છે. શું કહેવું છે ગૃહિણીઓનું તે જાણીએ……

 

મીસ વર્લ્ડ ૨૦૧૭ની પ્રતિયોગિતા જીતનાર માનુષી છિલ્લરને પૂછવામાં આવ્યુ કે, તમારી દૃષ્ટિએ સૌથી વધુ પગાર કોને મળવો જોઇએ..? ત્યારે તેણે જવાબ આપ્યો કે સૌથી વધુ પગારની હકદાર માતા છે. કારણ કે તે જે કામ કરે છે તે મસમોટો પગાર ચૂકવાય તો પણ બધા માટે કરવુ મુશ્કેલ હોય છે. માનુષીના આ જવાબે તેને મીસ વર્લ્ડનો તાજ અપાવી દીધો. સાથે જ બધાને વિચારતા પણ કરી દિધા કે સૌથી વધુ પગાર માટે હકદાર ગૃહિણી વિશે આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા..? અરે, પગાર તો દૂર આપણે તેને યોગ્ય માન, સન્માન પણ આપી નથી શકતા. કારણ કે માતા તરીકે ફરજ નિભાવતી ગૃહિણીને કશી જ ખબર નથી પડતી તેવી આપણી ધારણા હોય છે. પરંતુ જો ખરેખર વિચારીએ તો ખબર પડે કે જેને આપણે સામાન્ય ગૃહિણી ગણીને નજરઅંદાજ કરીએ છીએ તેનાથી જ ઘર અને સમાજનું અસ્તિત્વ છે. આ વાતનો અહીં એટલે ઉલ્લેખ કરવો પડ્યો કેમ કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગૃહિણી ક્યાં છે તેવો પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. ચૂંટણીને લઇને ગૃહિણી શું વિચારે છે, તેની કેવી સમસ્યાઓનું નિરાકરણ, સમાધાન ઇચ્છે છે, સરકાર પાસેથી તેની શું અપેક્ષાઓ છે, આજના માહોલને લઇને ભવિષ્યમાં કેવી સરકાર રચાય અને કેવાં પગલાં ભરાય તેવી તેની ઇચ્છા છે વગેરે પણ મહત્વ ધરાવે છે. આવા સવાલોના જવાબ મેળવવા ‘અભિયાને’ એવી મહિલાઓ સાથે વાત કરી જે ગૃહિણીની ફરજ નિભાવી રહી છે. સાથે જ મતદાનને લઇને પણ ઉત્સુક છે અને સરકાર પાસે પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઇચ્છે છે. સામાન્ય રીતે ઘર સંભાળવાવાળી મહિલાઓ ચૂંટણીમાં પણ પોતાની અલગ ભૂમિકા અદા કરે છે. ટિકિટ ફાળવવામાં ભલે રાજકીય પક્ષો મહિલાઓ સાથે અન્યાય કરે પરંતુ એટલુ તો તેઓ પણ માને છે કે પ્રતિનિધિઓને ચૂંટવામાં મહિલાઓનું બહુ મહત્વનું યોગદાન રહેલું છે. મહિલાઓનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ દેશની દશા અને દિશા બદલવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે તે આપણે બધાએ માનવું પડશે.

ગૃહિણીનો મત બદલાવ લાવી શકે છે

નડિયાદનાં ગૃહિણી સોનલ પટેલ કહે છે કે, “જેમ પીએમ માટે દેશ અને સીએમ માટે રાજ્ય પોતાનું ઘર હોય છે. તેવી જ રીતે ગૃહિણી માટે ઘર જ તેનો દેશ, રાજ્ય અને સંપૂર્ણ દુનિયા હોય છે. જો કે, દેશ અને રાજ્યના મૅનેજમેન્ટ માટે હજારોના પગાર ચૂકવાતા હોય છે છતાં ત્યાં હંમેશા તુ..તુ..મે..મે ચાલતી હોય છે. જ્યારે ગૃહિણી આ બધુ  વગર પગારે અને હસતા મોઢે મૅનેજ કરતી હોય છે, છતાં તેની કદર હોતી નથી. ખરા અર્થમાં તો દેશ કેવી રીતે ચલાવવો તેની સારી અને સાચી સમજ એક ગૃહિણીથી વધારે કોઇને ના હોઇ શકે. વાત કરીએ સમસ્યાની તો આજે કીડીને કણ અને હાથીને મણ કહેવત દરેક ગૃહિણીના ઘર માટે લાગુ પડે છે. કારણ કે મોંઘવારી જે રીતે વધી છે તે જોતાં ઘરને મૅનેજ કરવામાં ગૃહિણીને આંખે પાણી આવી ગયા છે. ગૃહિણી એજ્યુકેટેડ હોય, અનએજ્યુકેટેડ હોય, ગરીબ હોય, મધ્યમવર્ગની હોય કે ઉચ્ચ મધ્યમવર્ગની હોય, ઘર મૅનેજ કરવામાં આર્થિક પાસા બધા માટે મહત્વના હોય છે. ખાસ કરીને જીવન જરૃરિયાતની વસ્તુઓના ભાવ જે રીતે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે તે નિયંત્રણમાં લાવવા ખૂબ જ જરૃરી છે. સોંઘવારી ભલે પાછી ના લાવી શકાય પરંતુ મોંઘવારી પર તો ચોક્કસથી નિયંત્રણ કરી શકાય છે. ગૃહિણીને સરકાર કોની છે તેનાથી કોઇ મતલબ નથી પરંતુ એટલુ જરૃર છે કે મતદાન કરવા જતા વિચારે છે કે સરકારે મહિલાઓ માટે કેવા પગલાં ભર્યા છે. મહિલાઓની સમસ્યાને સરકાર કેટલંુ મહત્વ આપે છેે. માટે હું તો મારા મતથી એવી જ સરકારની રચના કરવા માગીશ જે આજની ગૃહિણીઓના પ્રશ્નોને એટલી જ વાચા આપે જેટલી અન્ય સમસ્યાઓને આપે છે.”

મોંઘવારી ગૃહિણીની સૌથી મોટી સમસ્યા

એક સમય હતો કે ગૃહિણી મતદાન કરવા માટે ઘરના વડીલની સલાહ લેતી હતી પણ હવે એવું નથી એમ કહેતાં અંકલેશ્વરનાં દિપ્તી જોષી કહે છે કે, “આજની ગૃહિણી ઘરના કામ પરવારીને બપોરે સૂવા કરતા અખબારો વાંચવાનું અને દેશના હાલચાલ જાણવાનું વધુ પસંદ કરે છે. ટૂંકમાં આજની મહિલામાં વાતો કરતાં કંઇક કરી બતાવવાની ઝંખના વધુ છે. જેના કારણે ક્યા પક્ષને મત આપવો છે તે પોતે જ નક્કી કરે છે. સાથે જ મતદાનમાં પણ સૌથી મોખરે હોય છે. મોટાભાગની મહિલાઓની કોઇ સમસ્યા હોય તો તે મોંઘવારી છે. એક બાજુ  કુપોષણને નિવારવાની વાતો થાય છે. જ્યારે બીજી બાજુ ખાદ્યસામગ્રીના ભાવો આસમાને પહોંચ્યા છે. દૂધ જ પચાસ રૃપિયે લીટર છે. બાળકને દૂધ પીવડાવતા પણ વિચાર કરવો પડે. તેમાંય જેને બે કે ત્રણ બાળક હોય તે ગૃહિણીની તો મુશ્કેલી જ વધી જાય. કોને શું પીવડાવવું અને શું ખવડાવવું તેનો વિચાર કરવો પડે. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. હું સરકારને નિવેદન કરૃં છું કે આ મોંઘવારીને નાથવા નક્કર પ્રયત્ન કરો. જીવન જરૃરિયાતની વસ્તુના ભાવો અંકુશમાં લાવો. એવી  સરકારની આશા છે જે ગૃહિણીઓની તકલીફો દૂર કરે.”

મોંઘુ શિક્ષણ જટિલ સમસ્યા

શિક્ષણ બધાને મળી શકે તેવું હોવું જોઇએ તેમ કહેતાં અમદાવાદનાં નીતિ અગ્રવાલ કહે છે કે, “ગૃહિણી માટે બજેટમાં ચાલવું ખૂબ જ જરૃરી હોય છે. આવા સમયે જો કોઇ સમસ્યા હોય તો તે છે વારંવાર વધતી શાળા ફી. બાળકોને સારૃં શિક્ષણ આપવા માટે દરેક ગૃહિણીએ વિચારવુ પડે છે. સરકાર સારા નિર્ણયો જરૃર કરે છે. પરંતુ સાથે જ જે છટકબારી આપે છે તે યોગ્ય નથી. દેશના વિકાસમાં સૌથી મોટો ફાળો શિક્ષણનો છે. દેશ શિક્ષિત હશે તો દરેક પ્રશ્નનું નિરાકરણ આવશે. ગૃહિણીને અનેક મુશ્કેલીઓ સામે લડવુ પડે છે. મહિલાઓ માટે માત્ર વાતો કરવાથી કોઇ જ ફરક પડતો નથી. સરકારે એવા પગલાં લેવા જોઇએ જેનાથી ખરેખર મહિલાઓ પોતાના ઘરનું બજેટ સંભાળી શકે. બાકી તો ગૃહિણી સવાલોમાં ઘેરાયેલી જ રહેશે. દરેક રાજકીય પક્ષો સભાઓ ભરે છે. અમે આમ કરીશું તેમ કરીશુંના બણગા ફૂંકે છે પરંતુ જ્યારે ખરેખર કરવાનું આવે છે ત્યારે કોઇ કરતુ નથી. પક્ષ કોઇ પણ હોય પ્રથમ ગૃહિણીને મળી તેમની ખરેખર સમસ્યા શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. મારો મત મારી મરજીથી આપવા માટે હું સ્વતંત્ર છું. ઘરમાંથી કોઇ મને ક્યારેય કહેતું નથી કે અમે કહીએ તેને જ મત આપ. આ વખતે પણ હું મારી ઇચ્છા પ્રમાણે મત આપીશ. પરંતુ મત આપતા પહેલાં મારા સવાલોના જવાબ મળે તેવી આશા જરૃર રાખીશ.”

ગૃહિણીના ચાલીસ ટકા મતથી જીત મળે છે

સરકાર ગમે તે આવે પરંતુ અમારી મુશ્કેલીઓ ક્યારેય દૂર થઇ નથી તેમ કહેતા સુરતનાં પ્રિયા વ્યાસ કહે છે કે, “નોટબંધીનો નિર્ણય મારી નજરે ખોટો નિર્ણય હતો. તેનાથી દેશને કેટલો ફાયદો થયો તેની મને ખબર નથી. પરંતુ મારા જેવી દરેક ગૃહિણીને ચોક્કસથી નુકસાન થયુ છે. એવું કહેવાય છે કે બે રૃપિયામાંથી એક રૃપિયો ખર્ચ કરે અને એક રૃપિયો બચાવે તે જ સાચી ગૃહિણી. દરેક ગૃહિણી આ રીતની બચત તો કરતી જ હોય છે. ત્યારે અચાનક આવેલા નોટબંધીના નિર્ણયથી ગૃહિણીની બચત રફેદફે થઇ ગઇ. એટલું જ નહિ, અનેક ઘરમાં તો રીતસરના ઝઘડા પણ થયા. બધાથી છુપાવીને બચત કરેલા રૃપિયા બહાર આવી ગયા. ગૃહિણીઓ સાથે આ સૌથી મોટો અન્યાય છે. સરકાર કોઇ પણ આવે પરંતુ ગૃહિણીઓ માટે વિચારવાની ફરજ  પણ તેમની જ છે. આજના સમયમાં બચત કરેલા રૃપિયા એમ જ વપરાઇ જાય અને નુકસાનની ભરપાઇ ક્યારેય ના થઇ શકે. હું મત આપવા માટે જાગૃત છું. ભલે અમારી ગૃહિણીના મતની કદર કોઇને ના હોય પરંતુ જે પણ પક્ષો જીતે છે. એમની જીતમાં લગભગ ચાલીસ ટકા મત ગૃહિણીઓના જ હોય છે.”

ગૃહિણી માટે વિચારવાની સરકારની ફરજ છે

“રાંધણગેસની સગડી તો ઘરે-ઘરે આવી ગઇ પરંતુ રાંધણગેસના ભાવમાં જે ભડાકા થયા છે તેના કારણે ગેસની સગડી હોવા છતાં પણ ગૃહિણીઓ ચૂલા પર અને સ્ટવ પર રસોઇ બનાવવા મજબૂર બની છે” તેમ કહેતાં અમદાવાદનાં પાયલ શાહ કહે છે કે, “ગૃહિણીઓના સારા માટે સરકારે જે નિર્ણય લીધા તે બરોબર છે પરંતુ રાંધણગેસના સિલિન્ડરના ભાવ જે પ્રમાણે વધ્યા છે તે જોતા લાગે છે કે શું ખરેખર સરકાર મહિલાઓના હિતમાં નિર્ણય લઇ રહી છે. ૪૫૦ રૃપિયે મળતો ગેસનો બાટલો આજે ૮૦૦ રૃપિયાની પાર થઇ ગયો છે. સામાન્ય પરિસ્થિતિમાં રહેતી મહિલાઓ અને તેમાં પણ ગામડાની મહિલાઓને સીમિત બજેટમાં આ ગેસનો સિલિન્ડર કેવી રીતે પોસાય. ફ્રૂટ હોય કે શાકભાજી, દૂધ હોય કે કઠોળ, દરેકના ભાવ વધતા જ જાય છે. ગૃહિણી કરે તો પણ શંુ કરે? માંડ માંડ બજેટ સેટ કરે ત્યાં તો ફરી ભાવવધારાનો મારો આવી જ જાય. આવા સમયે ગૃહિણી માટે બજેટ સાચવવું મુશ્કેલ બની જાય છે. પોતાની મહત્વની જરૃરિયાતો પર કાપ મૂકી ગૃહિણી ઘરની જરૃરિયાતો પૂર્ણ કરે છે. સાચુ કહું તો ઘણી વાર મત આપવાનું પણ મન નથી થતું. પછી એવી આશા બંધાય છે કે હવે તો અમારી સમસ્યા દૂર થશે જ. અમે ગૃહિણીઓ મત આપીને અમારી ફરજ નિભાવીએ છીએ. તો સત્તા પર આવતી સરકારે પણ ગૃહિણીઓ માટે વિચારવાની ફરજ બની જાય છે.”

હવે એ સમય ગયો જ્યારે મહિલાઓની સમસ્યાઓને અવગણવામાં આવતી. ચૂંટણીમાં ઉભા રહેતા દરેક રાજકીય પક્ષને પણ ખબર છે કે ગૃહિણી પોતાના મતથી સરકાર બદલવાની તાકાત ધરાવે છે. એ અલગ વાત છે કે આજે પણ ટિકિટ ફાળવવાની વાત હોય કે તેની સમસ્યાની બાબત હોય, મહિલા હંમેશા બીજા ક્રમે જ આવે છે. આવા સમયે ખરેખર તેમની મુશ્કેલી દૂર કરી શકે તેવી સરકાર ગૃહિણીઓ ઇચ્છી રહી છે અને આ વખતની ચૂંટણીમાં મહિલાઓનો મત નિર્ણાયક બનવાનો છે તેમાં કોઇ બેમત નથી.

You might also like