નેતાઓ માટે ગુજરાત બન્યું ટૂરિઝમ સ્પોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. ૯ ડિસમ્બરે તો પ્રથમ ચરણનું મતદાન હોઇ છેલ્લી ઘડીનાં પ્રચાર માટે નેતાઓનાં ધાડાં ગુજરાતમાં ઉતરી પડ્યા છે. ગુજરાતની ભૂગોળ કયારેય ના જોઈ હોય તેવા નેતાઓ ચૂંટણી ટાણે ચોપરમાં ઘૂમી રહ્યા છે ત્યારે એક તબક્કે તો એવું લાગે છે કે ગુજરાત નેતાઓ માટે ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે.

 

ગુજરાત વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણીનો માહોલ જ કંઈક અલગ છે. ગુજરાતની આ ચૂંટણી પર આખા દેશની નજર મંડાયેલી છે. આ ચૂંટણીનો જનાદેશ જે કંઈ હોય તેના રાષ્ટ્રીય રાજકારણમાં પડઘા પડવાના છે તે નક્કી છે. ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ‘અભિયાન’નો આ અંક જયારે વાચકોના હાથમાં આવશે ત્યારે કદાચ પ્રથમ તબક્કાની ૮૯ સીટના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હશે અને મતદાન માટેની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો હશે. છેલ્લી ઘડીના પ્રચાર માટે નેતાઓનાં ધાડાં ને ધાડાં ઉતરી પડ્યા છે. નાના ગામો અને શહેરોમાં હેલિકોપ્ટર લઈને નેતાઓ પહોંચી રહ્યા છે. અગાઉ ગુજરાતમાં ધારાસભા કે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે આટલી મોટી સંખ્યામાં નેતાઓ આવતા જોયા નથી.

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન એક દિવસમાં ચાર ચાર સભાઓ કરે છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ચાર – પાંચ સભાઓ કરી રહ્યા છે તો કૉંગ્રેસનાં સ્ટાર પ્રચારક સવારે હવાઈ જહાજમાં આવી સાંજે દિલ્હી પરત જતા રહેતા નથી, પણ બે – ત્રણ દિવસ સુધી રોકાઈને ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ વતી ચૂંટણી પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંભાળ્યુ છે તો કૉંગ્રેસમાંથી ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. બંને પક્ષોએ નેતાઓની ફોજ ગુજરાતનાં રણમેદાનમાં ઉતારી દીધી છે. ભાજપનાં અન્ય નેતાઓ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ઘૂમી રહ્યા છે તેમાં કેન્દ્રીય કેબિનેટમાં બીજા નંબરનું સ્થાન ધરાવનાર રાજનાથસિંઘ, અરૃણ જેટલી, નિર્મલા સિતારામન, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, હંસરાજ આહિર, પિયુષ ગોયલ ઉપરાંત ગુજરાતનાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો રૃપાલા, મનસુખ માંડવીયા અને હરીભાઈ ચૌધરી ગુજરાત – સૌરાષ્ટ્રનાં ગામડાઓ ખૂંદી રહ્યા છે. વાત હજુ આટલેથી અટકતી નથી. ભાજપ શાસિત રાજયોનાં મુખ્યપ્રધાનો યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.

વાત કરીએ કૉંગ્રેસની તો પક્ષના નવનિયુકત થઈ રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા એકાદ મહિનાથી સતત ગુજરાત આવી રહ્યા છે. આ ઉપરાંત કૉંગ્રેસનાં નેતાઓ ડૉ.મનમોહનસિંહ , પી. ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ, શિલા દીક્ષિત, જયોતિરાદિત્ય સીંધિયા, સચિન પાયલોટ, આનંદ શર્મા, રાજબબ્બર, અહેમદ પટેલ, સામ પિત્રોડા સહિતનાં નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ – કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતાઓ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ધામા નાખીને પડ્યા છે.

મુખ્ય પક્ષ ભાજપ – કૉંગ્રેસ જ નહીં પણ જે પક્ષનો રાજયમાં નોંધ લઈ શકાય તેવો જનાધાર નથી તેવા પક્ષના નેતાઓ પણ આ વખતની ગુજરાતની ચૂંટણીનાં પ્રચારમાં આવ્યા છે. સમાજવાદી પક્ષના નેતા અને યુપીનાં પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ, બીએસપીનાં સુપ્રીમો માયાવતી, જનતાદળ યુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સહિતનાં નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરના આ પ્રથમ હરોળનાં નેતાઓના નામ છે. આ સિવાય સેકન્ડ હરોળનાં તો અનેક નેતાઓ અને દિલ્હીથી ટોચનાં પત્રકારો ગુજરાતનાં શહેરોમાં ઘૂમી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને  સુરત જેવા મુખ્ય શહેરોની હોટેલો ફૂલ થઈ ગઈ છે. ગુજરાતની આ ચૂંટણીએ નેતાઓને એવું ઘેલુ કર્યુ છે કે દિલ્હી છોડીને ગુજરાતમાં ધામા નાખ્યા છે. ગુજરાતમાં નેતાઓ સ્પેશિયલ ચોપર લઈને ઘૂમી રહ્યા છે. કયારેય ગયા ન હોય તેવા નાના તાલુકા મથકોમાં સભાઓ કરી રહ્યા છે. ગુજરાતની જનતા પણ આ તમાશો જોઈ રહી છે, નેતાઓનાં ભાષણો સાંભળી રહી છે. જે નેતાઓ આવે તેને હાથ હલાવીને પ્રતિસાદ આપી રહી છે. પ્રજાએ પોતાને શું કરવું તે નક્કી કરી લીધુ છે અને જનતાનો આ ફેંસલો શું છે તે જાણવા માટે ૧૮ ડિસેમ્બરે પરિણામ આવે તેની રાહ જોવી પડશે..!

You might also like