વાજપેયીનું વન ટેકસ, વન નેશનનું ૧૭ વર્ષ જૂનું સ્વપ્ન મોદીએ પૂર્ણ કર્યું

ગત પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો છે ત્યારે ધીમેધીમે વિવિધ વેપાર અને ઉદ્યોગ તેમજ અન્ય એકમો પર તેની અસર પડી રહી છે અને હજુ પણ વધુ અસર જોવા મળશે. ત્યારે વર્તમાન કેન્દ્ર સરકારે આ નવો કાયદો અમલી કેમ બનાવ્યો? તે અંગે ઘણા ઓછા લોકો જાણતા હશે કે વન નેશન, વન ટેક્સનો વિચાર પ્રથમવાર ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન બહાર આવ્યો હતો. જીએસટીનો આરંભ વાજપેયીના શાસનકાળમાં થયો હતો. તેમણે તેમના આર્થિક સલાહકારો સાથેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી, પરંતુ બાદમાં તે અંગે કોઈ અસરકારક કામગીરી થઈ શકી નહોતી, પરંતુ ૧૭ વર્ષ બાદ મોદી સરકારે વાજપેયીના આ સ્વપ્નને પૂર્ણ કરી જીએસટીનો અમલ શરૂ કરાવી દીધો છે.

ર૦૧૪માં મોદી સત્તામાં આવતાં જીએસટીના અમલ અંગે સક્રીય પ્રયાસો થયા હતા. બાદમાં જીએસટીને સ્ટેન્ડિંગ કમિટી તરફથી મંજૂરી મળી ગઈ. સરકાર રચાયાના સાત મહિના બાદ જ અરુણ જેટલીએ સંસદમાં જીએસટી બિલ રજૂ કર્યું અને ૧ એપ્રિલ ર૦૧૬થી લાગુ કરવાની ડેડલાઈન જણાવી. પરંતુ કોંગ્રેસે તેનો વારંવાર વિરોધ કર્યો. તેમ છતાંય મે ર૦૧પમાં લોકસભામાં સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું. ત્યારબાદ કોંગ્રેસના વિરોધ પર જીએસટી બિલને રાજ્યસભાની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી દેવામાં આવ્યું.એક વર્ષમાં વારંવાર તેની પર સત્તા અને વિપક્ષમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારબાદ ઓગસ્ટ ર૦૧૬માં બંને પક્ષોની સહમતિથી સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું. બિલ પાસ થવાના ૧પથી ર૦ દિવસમાં જ ૧૮ રાજ્યોમાં જીએસટી બિલ પાસ થયું અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઇ. સપ્ટેમ્બર ર૦૧૬માં રાષ્ટ્રપતિએ જીએસટી કાઉન્સિલની રચના કરી, જેણે જીએસટીના પાંચ સહયોગી બિલોને બનાવ્યાં હતાં.

આ અગાઉ વાજપેયી જ્યારે પહેલીવાર જીએસટીનો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા. બાદમાં કોંગ્રેસે તેને બીબામાં ઢાળ્યું અને અંતે ભાજપની મોદી સરકારે તેને દેશભરમાં લાગુ કરી દીધું. મોદીએ મધરાતે જીએસટી લોન્ચ કરી પોતાના ગુરુ સમાન વાજપેયીનું ૧૭ વર્ષ જૂનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. આ કાયદાને અમલમાં લાવવા માટે જે મહાનુભાવોએ સલાહકાર તરીકે કામગીરી કરી હતી તેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર આઈજી પટેલ, બિમલ જાલાન અને રંગરાજન પણ સામેલ હતા. વાજપેયી સાથે બેઠક બાદ જીએસટીને લઈને એક કમિટીની રચના કરાઈ હતી. આ કમિટી આઈજી પટેલ, બિમલ જાલાન અને સી રંગરાજને બનાવી હતી. તેની જવાબદારી પશ્ચિમ બંગાળના તત્કાલીન નાણા પ્રધાન અને સીપીઆઈ-એમના નેતા અસીમ દાસગુપ્તાને આપવામાં આવી હતી. આ કમિટીની જવાબદારી જીએસટીને લઈને એક મોડલ તૈયાર કરવાની હતી. તેમને તેનો સમગ્ર મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ વાજપેયી સરકારે ર૦૦૩માં વિજય કેલકરના નેતૃત્વમાં ટેક્સ રિફોર્મ માટે ટાસ્ક ફોર્સ બનાવી હતી.

જીએસટી સંશોધન બિલ સંસદમાં રજૂ કરવા પર ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે તેનો વિરોધ કરી જણાવ્યું હતુંં કે જીએસટીના કારણે તેમને દર વર્ષે રૂ.૧૪,૦૦૦ કરોડનું નુકસાન થશે. ત્યારે જીએસટીને પસાર કરાવવામાં સફળ રહેલા ભાજપે તેમાં અડચણ ઊભી કરવા પણ પ્રયાસ કર્યો હતો. ભાજપે વારંવાર જીએસટીનો વિરોધ કર્યો હતો.
ભાજપે પ્રણવ મુખરજી દ્વારા રજૂ કરાયેલા જીએસટીના મૂળભૂત માળખાનો પણ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્ય સરકારોએ તેનો વિરોધ કરતા ફેબ્રઆરી ર૦૧૦માં નાણા મંત્રાલયે તેને મિશન મોડમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રાજ્ય સરકારોના વિરોધના કારણે જીએસટી પોતાની ડેડલાઈન ૧ એપ્રિલ પર લાગુ ન થઈ શક્યો.

You might also like