દિલ્હીની હોટલમાં ભીષણ આગથી 17નાં મોત: જીવ બચાવવા ત્રણ લોકો ચોથા માળેથી કૂદી ગયા

(બ્યૂરો) નવી દિલ્હી: રાજધાની દિલ્હીના કરોલબાગ સ્થિત હોટલ અર્પિત પેલેસમાં આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી, જેમાં સાત પુરુષ, મહિલાઓ અને એક બાળક સહિત કુલ ૧૭ લોકોનાં મોત થયાં છે. હોટલમાં આગ લાગ્યા બાદ જીવ બચાવવા માટે ત્રણ લોકો ચોથા માળેથી કૂદી ગયા હતા, જેમાંથી એકનું મોત થયું છે અને બાકીના બેની હાલત ખૂબ ગંભીર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટાભાગના લોકોનાં મોત ધુમાડામાં ગૂંગળાઈ જવાના કારણે થયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ૩૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી જોકે આગ લાગવાના ચોક્કસ કારણોની જાણ થઈ શકી નથી. ફાયરબ્રિગેડના ડેપ્યુટી ચીફ સુનીલ ચૌધરીના જણાવ્યા અનુસાર, હોટલ અર્પિત પેલેસમાંથી નવ લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને બચાવ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.

નવી દિલ્હીના પોશ એરિયા કરોલબાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસ ખૂબ જાણીતી છે. વહેલી સવારે આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ૩૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતું.

ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હોટલમાં લાગેલી આગ ખૂબ ભયંકર હતી. આગ લાગી તે સમયે હોટલમાં મોટાભાગના લોકો ગાઢ નિદ્રા માણી રહ્યા હતા અને શ્વાસ ગૂંગળાઈ જવાથી તેમનું ઊંઘમાં જ મોત થયું હતું. હોટલમાં ૪૦ રૂમ છે અને આગ જોતજોતામાં સમગ્ર હોટલમાં પ્રસરી ગઈ હતી. કેરળથી ફરવા આવેલા એક જ પરિવારના સાત સભ્યોને ફાયરબ્રિગેડે બચાવી લીધા છે, પરંતુ હજુ બાકીના ત્રણ સભ્ય હોટલમાં જ ફસાયા હોવાની જાણ થઈ છે.

હોટલના સ્ટાફના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે. આગના કારણે ધુમાડો આખી હોટલમાં ફેલાઈ ગયો હતો. સખત ઠંડી હોવાથી મોટાભાગના લોકોએ રૂમની તમામ બારીઓ અને વેન્ટિલેશન બંધ રાખ્યાં હોવાથી ધુમાડો બહાર જઈ શક્યો ન હતો અને લોકો ગૂંગળાઈ ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. હોટલમાં આગ લાગવાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકોએ જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી કૂદી જવાનું પસંદ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નોઈડાના સેક્ટર-૧૨ સ્થિત મેટ્રો હાર્ટ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. એ આગમાં જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાં ફસાયેલા કેટલાંક દર્દીઓ અને તેમના સગાંઓને બિલ્ડિંગના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડે સતત બે કલાક સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દિલ્હીની આગની આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દિલ્હી અગ્નિકાંડના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી. ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

You might also like