મીરાબહેનઃ થોડી ભૂલો, મહાન સમર્પણ, અચલ નિષ્ઠા

મહાત્મા ગાંધીના સહસાધકોની વાત નીકળે ત્યારે તેમના બ્રિટિશ અનુયાયી મિસ મેડેલિન સ્લેડ ઉર્ફ મીરાબહેન અન્યોથી જુદા તરી આવે છે. બ્રિટિશ નૌકાદળના એડમિરલના પુત્રી હોવા છતાં બાપુના સત્ય-અહિંસાના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ગાંધીજી સાથે તેઓ બે દાયકા જેટલો સમય રહ્યાં. હાલમાં જ તેમની સવાસોમી જન્મજયંતિ ગઈ છે ત્યારે પ્રસ્તુત છે તેમના જીવન વિશેની કેટલીક જાણી-અજાણી રસપ્રદ વાતો……

 

નવેમ્બર ૭, ૧૯૨૫નો દિવસ. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને હજુ થોડી વાર પહેલાં જ મુંબઈથી ટ્રેન આવીને ઉભી રહી છે. ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે ત્રણ જણાં એક પછી એક ડબ્બામાં ફરી રહ્યાં છે. જે રીતે તેઓ દરેક સીટ પર નજર નાખતા હતા તેનાથી ખ્યાલ આવતો હતો કે તેઓ કોઈ વ્યક્તિને શોધી રહ્યાં હતા. ત્રણેક ડબ્બાં ફર્યા બાદ તેમાંના એકની નજર એક વિદેશી યુવતી પર સ્થિર થઈ. તરત તેણે સાથીદારોને બૂમ મારી. બંને આવ્યા એટલે તે ફરી બારીમાંથી ડોકાયો અને પેલી વિદેશી યુવતી સામે જોઈને સાદ પાડ્યો. ‘મીસ સ્લેડ ?’ તેણીએ હકારમાં ડોક હલાવી કે તરત સામે જવાબ મળ્યો. ‘આઈ એમ મહાદેવ દેસાઈ ફ્રોમ સાબરમતી આશ્રમ’. એટલું કહેતાંની સાથે જ તેઓ નજીક પહોંચી જઈને તેનો સામાન બહાર કાઢવા માંડ્યાં. એટલી વારમાં તેમના બે સાથીદારો પણ અંદર આવી પહોંચ્યાં. પહેલા જ વાર્તાલાપમાં મહાદેવ દેસાઇની અંગ્રેજી સામે યુવતીએ ગુજરાતીમાં જવાબ વાળતા તેમણે તેમના સાથીદારોની ઓળખાણ ગુજરાતીમાં આપી, કહ્યુંઃ ‘આ સ્વામી આનંદ છે. અમારા સાપ્તાહિક યંગ ઈન્ડિયાના તેઓ વ્યવસ્થાપક છે.’ મીસ સ્લેડે તેમને નમસ્તે કહ્યું એટલે તેમણે બીજા જરા સત્તાવાહી છતાં વિનોદી અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા પુરૃષ તરફ હાથ લાંબો કરીને કહ્યું, ‘આ વલ્લભભાઈ પટેલ.’ તેણીએ તેમને પણ નમસ્તે કર્યું. ઔપચારિક વાતચીત બાદ તરત તેનો સામાન મોટરમાં ગોઠવાઈ ગયો. સરદારે ગાડી સ્ટાર્ટ કરી અને થોડી જ મિનિટોમાં મોટર શહેરથી બહાર નીકળી ગઈ. પૂલ વટાવતી થોડી વારમાં તે ઝાડપાનથી ઘેરાયેલા થોડા મકાનો પાસેના એક આંબલીના ઝાડ નીચે આવીને ઉભી રહી. વલ્લભભાઈએ કહ્યું, ‘મીસ સ્લેડ, આ જ આશ્રમ !’

પછીનું વર્ણન ભારે રસપ્રદ છે અને મીસ સ્લેડના જ શબ્દોમાં આ પ્રમાણે છેઃ ‘નાનું ફાટક ખોલી, આંગણું વટાવી ત્રણચાર પગથિયા ચડી હું ઓસરીમાં આવી. મારા હાથમાં નાનકડી પેટી હતી તે જાણે મને આડી આવતી હતી. એટલે મેં જલદી જલદી તે મારા સાથી વલ્લભભાઈના હાથમાં સોંપી દીધી. તેમણે તે લઈ લીધી અને એકબાજુ ખસી ગયા અને મને અંદર ઓરડીમાં દાખલ કરી. હું દાખલ થઈ કે તરત જ જરા ઘઉંવર્ણા રંગની પાતળી દુબળી આકૃતિ ઉઠીને મારી સામે આવી. મને એક પ્રકાશ સિવાય બીજા કશાનું ભાન નહોતું. હું ઘૂંટણિયે પડી. બે હાથોએ મને પ્રેમથી પકડીને ઊભી કરી. અવાજ સંભળાયોઃ “તું મારી દીકરી થઈને રહીશ”. આજુબાજુની દુનિયાનું ભાન હવે મને આવવા માંડ્યું. માયાળુ વિનોદથી ચમકતો, પ્રેમભરી આંખોવાળો એક હસતો ચહેરો મેં જોયો. હા, આ જ મહાત્મા ગાંધી હતા અને હું એમની પાસે આવી પહોંચી હતી !’

૭ નવેમ્બર ૧૯૨૫ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવનારી એ બત્રીસ વર્ષની બ્રિટિશ યુવતી મેડેલિન સ્લેડ એ જ, જેમને બાપુએ પછીથી મીરાબહેન નામ આપ્યું હતું! પછી તો તેમણે મેડેલિન સ્લેડ નામની પોતાની બ્રિટિશ ઓળખ કાયમ માટે ફગાવી દઈને બાપુએ આપેલું નામ કાયમ રાખ્યું ! આ ૨૨ નવેમ્બરના રોજ તેમની ૧૨૫મી જન્મજયંતિ ગઈ છે. ત્યારે એ બહાને તેમના અંતર્મુખી વ્યક્તિત્વમાં ડોકિયું કરવાની ચૂકવા જેવી નથી.

મીરા પહેલાનાં મેડેલિન

૨૨ નવેમ્બર, ૧૮૯૨ના બ્રિટનના એક અમીર પરિવારમાં મેડેલિનનો જન્મ થયો હતો. તેમને એક બહેન હતી જેનું નામ હતું રહોના. મેડેલિન ઉંમરમાં તેનાથી નાની છતાં બાળસહજ ચંચળતા તેનામાં ઘણી ઓછી. નાનકડી મેડેલિનને ઢીંગલી, રમકડાં, મિત્રો સાથે તોફાન મસ્તી કરવાને બદલે એકાંત વધારે માફક આવતું. પિતા સર એડમન્ડ સ્લેડ મોટાભાગે પ્રવાસમાં રહેતા હોવાથી બંનેનું બાળપણ ઈંગ્લેન્ડના મિલ્ટન હીથ નામક ગામમાં તેમના નાના સાથે વીત્યું હતું. વીસ એકરના એ વિશાળ મકાનમાં બાગ-બગીચા, તબેલાં, ગમાણ, પાળેલા પશુઓ એમ જાતભાતની જણસ હતી. એ બધાંની સાથેના સહવાસને કારણે બાળપણથી જ મેડેલિન પ્રકૃતિપ્રેમી બન્યાં. ઘોડા અને કૂતરાં પાળતા તેમના મિત્રોના કારણે તેમનો પ્રાણીપ્રેમ વધુ ગાઢ બન્યો. શાંત અને અંતર્મુખી મેડેલિનને જો કે સૌથી વધુ મજા સંગીતમાં આવતી. મહાન સંગીતકાર બિથોવાનના તેઓ જબરા ફેન હતા. સંગીત શીખવા માટે તેમણે જીદ કરીને પિતાજી પાસે પિયાનો મંગાવેલો અને વગાડતા પણ શીખેલા. બહુ બધાં લોકો ભેગા થાય તેવી જગ્યાએ મેડેલિન અકળાઈ જતી. એટલે જ ઉશ્કેરાટને કારણે માંદી પડી જવાના બે બનાવો બાદ પરિવાર તેને એકલી મૂકતો નહીં.

મેડેલિન ૧૫ વર્ષના હતા ત્યારે પહેલીવાર ઈસ્ટ ઈન્ડિયન સ્ટેટ્સના વડા સેનાપતિ નિમાયેલા તેમના પિતા સાથે ભારત આવ્યા હતા. કિશોરાવસ્થામાં પ્રવેશેલી મેડલિન ખૂબ સુંદર દેખાતી. છતાં તેના ચહેરા પર એક રહસ્યમય ગંભીરતાની આભા કાયમ રહેતી. યુવાનો તેની સાથે મિત્રતા બાંધવા આતુર રહેતા પણ મેડેલિન તેમની સાથે વિવેકથી વર્તતી. મુંબઈમાં પરિવાર સાથે મેડેલિનનો મોટાભાગનો સમય ઘોડેસવારી, શિકાર અને પાર્ટીઓમાં વીતતો. પિતાની બદલી થતાં તેઓ ઈંગ્લેન્ડ પાછા ફર્યા અને ફરી બિથોવાનના સંગીતમાં પરોવાઈ ગયા. પોતાની આત્મકથામાં મીરાબહેન લખે છે, ‘અસલી હિંદુસ્તાન, જે મને પછી પોતાના તરફ ખેંચવાનું હતું તે આ બે વર્ષ દરમિયાન જોવા મળ્યું નહીં. ઈંગ્લેન્ડ આવીને ફરી હું વાચન, સંગીત અને ઘોડેસવારીમાં મશગૂલ થઈ ગઈ’

દરમિયાન તેમને જાણવા મળ્યું કે બિથોવાનના જીવન પર ફ્રાંસના જાણીતા લેખક રોમાં રોલાંએ એક પુસ્તક લખ્યું છે. તેમણે તે પુસ્તક ખરીદ્યું, વાંચ્યું અને રોમાં રોલાંને મળવા તત્પર બન્યાં. રોમાં રોલાં અંગ્રેજી જાણતા ન હોવાથી તેમને ફ્રેંચ શીખવાની ફરજ પડી. બંને વચ્ચે પત્રવ્યવહાર થયો અને પછી ત્રણ ચાર વખત મળવાનું થયું. એમાંની એક મુલાકાત દરમિયાન રોમાં રોલાંએ તેમણે નવા જ લખેલા પુસ્તક ‘મહાત્મા ગાંધી’નો ઉલ્લેખ કર્યો. મીરાબહેનની આત્મકથામાં ‘ધી સ્પિરિટ પિલગ્રીમેઝ’ કે જેનો ગુજરાતીમાં ‘એક સાધિકાની જીવનયાત્રા’ નામથી વનમાળા દેસાઈએ ભાવાનુવાદ કર્યો છે તેમાં આ ઘટનાને તેમણે કંઈક આ રીતે વર્ણવી છેઃ ‘તેમણે હિંદુસ્તાનનો ઉલ્લેખ કર્યો. હું ફરતી ફરતી ત્યાં પહોંચી જાઉં એવું સૂચન કરવા માટે નહીં, પરંતુ તેમણે હમણાં જ ‘મહાત્મા ગાંધી’ નામની એક પુસ્તિકા લખી હતી – એ હજુ છપાતી હતી- તેના અનુસંધાનમાં. હું બાઘાની જેમ જોઈ રહી. એમણે પૂછ્યુંઃ તેં એમને વિશે કાંઈ સાંભળ્યું નથી ? મેં ના કહ્યું. તેમણે મને એમના વિશે વાત કરી અને બોલ્યાંઃ “તેઓ બીજા ઈશુ ખ્રિસ્ત છે. ” આ શબ્દો મારા અંતરમાં ઊંડા ઉતરી ગયા. ખાસ કાંઈ વિચાર કર્યા વગર મેં તેને મનમાં સંઘરી તો રાખ્યાં પણ તે વખતે મને ખ્યાલ નહોતો કે મારે પોતાને માટે તે ખાસ અર્થસૂચક હતા.’

મેડેલિનથી મીરા તરફ..

રોમાં રોલાંના ગાંંધીજી પરના પુસ્તકે મેડેલિનના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું. આ એ પડાવ હતો જ્યારે મેડેલિનથી મીરા બનવા તરફ તેમના પગ ઉપડવા શરૃ થયા. એ અગાઉ તેમણે ગાંધીજીનું નામ સુદ્ધાં સાંભળ્યું નહોતું. રોમાં રોલાંનું ગાંધીજી પરનું પુસ્તક એક જ દિવસમાં પૂરું કર્યા બાદ તેમને સમજાઈ ગયું કે જિંદગીમાં તેમને જેની તલાશ હતી તે ધ્યેય તેમને મળી ગયું છે. અત્યાચાર, અન્યાય, અસત્ય સામે સત્ય અને અહિંસાના શસ્ત્રથી લડનાર એ મહાપુરુષના સિદ્ધાંતોને અનુસરવા, સાથ આપવા ભારત જવાનું તેમણે નક્કી કર્યું. અહીં મહત્વની વાત એ કે, તેમની ઈચ્છા, પ્રેરણા એટલા પ્રબળ હતા કે પરિવારે તેમના નિર્ણયનો જરા પણ વિરોધ ન કર્યો. બાકી, બ્રિટિશ રાજના અનેક ઉચ્ચ અધિકારીઓ, અફસરો તેમના પિતાના સંપર્કમાં હતા. તેઓ ધારત તો બ્રિટિશ હકૂમતના કટ્ટર વિરોધીને સહકાર આપવા બદલ તેમને રોકી શકત.

દરમિયાન પહેલાં તેઓ તત્કાળ ભારત આવવા તૈયાર થઈ ગયા હતા. પણ બાદમાં તેમને સમજાયું કે આશ્રમનું વાતાવરણ, રહેણીકરણી, નિયમો, સંસ્કૃતિ વગેરે સાથે તૈયારી વિના જોડાઈ શકાય તેમ નથી. આથી તેમણે વહાણની ટિકિટ એક વર્ષ પાછી ઠેલી અને આશ્રમ નિવાસ માટે પોતાની જાતને તૈયાર કરવી શરૃ કરી. પલાંઠી વાળીને બેસવું, રૃ કાંતવું, પીંજવું, વણાટકામ વગેરે શીખવા માંડ્યું. પ્રેક્ટિસ ખાતર જમીન પર સૂવાનું શરૃ કર્યું, મોંઘા કપડાને બદલે ખાદી પહેરવા માંડી. દારૃ-માંસાહારનો ત્યાગ કર્યો. ગાંધીજી અને ભારત વિશે મળ્યું તેટલું સાહિત્ય વાંચી કાઢ્યું. ‘યંગ ઈન્ડિયા’નું લવાજમ ભરીને તેની નકલ મંગાવવી શરુ કરી. વેદ અને ગીતાનું વાંચન ઉપરાંત શરીરને મજબૂત બનાવવા ભરઉનાળે સ્વિટ્ઝરલૅન્ડના ખેડૂતો સાથે મજૂરી કરવા માંડી. છએક મહિના તાલીમ લીધા બાદ તેમણે ગાંધીજીને પત્ર લખી પોતાની આશ્રમમાં આવવાની ઈચ્છા જણાવી. જવાબમાં ગાંધીજીએ તેમની તાલિમની પ્રશંસા કરી. સાથે જ લખ્યું કે, ‘એક વરસની કસોટી પછી પણ તમારો આત્મા અહીં આવવા માટે દબાણ કરે તો તમે ભારત આવો એ ઠીક થશે.’ (એક સાધિકાની જીવનયાત્રા, પ્રકરણ-૧૬, પાનું ૫૪).

આથી મેડેલિને પોતાની તાલિમ વધુ છ મહિના લંબાવી. એ મુદ્દત પૂર્ણ થતા ફરી ગાંધીજીની રજા માંગી. અંતે જુલાઈ ૨૪, ૧૯૨૫ના રોજ લખેલો ગાંધીજીનો પત્ર આવ્યો. જેમાં તેમણે લખ્યું ઃ ‘અહીં આવવાની ઈચ્છા થાય ત્યારે તમે ખુશીથી આવી શકો છો. એટલું જરુર ધ્યાનમાં રાખજો કે આશ્રમનું જીવન બહુ સહેલું નથી. દરેક આશ્રમવાસીને શારીરિક શ્રમ કરવાનો હોય છે. આ દેશની આબોહવા વિશે પણ જરા વિચાર કરવા જેવું છે. આ બધું તમને ડરાવવા માટે નહીં પણ ચેતવવા માટે લખું છું.’ (એક સાધિકાની જીવનયાત્રા, પ્રકરણ-૧૬, પાનું ૫૫). અંતે ઑક્ટોબર ૨૫, ૧૯૨૫ના રોજ મેડેલિન પીએન્ડઓ કંપનીની સ્ટીમરમાં મુંબઈ આવવા રવાના થયા અને નવેમ્બર ૭ના રોજ અમદાવાદ આવી પહોંચ્યાં. લેખની શરુઆતમાં વર્ણવેલો મહાદેવભાઈ દેસાઈ, સરદાર અને સ્વામી આનંદ સાથેનો પ્રસંગ તેઓ સાબરમતી સ્ટેશને ઉતર્યા ત્યારે બનેલો.

આશ્રમ જીવનના અનુભવો

તમને જાણીને આઘાત લાગશે કે, જાહોજલાલીમાં ઉછરેલા મેડેલિનને આશ્રમમાં પહેલા જ દિવસે પાયખાનાની સફાઈનું કામ સોંપાયું હતું. પણ બાપુ પ્રત્યેની તેમની આસ્થાના કારણે તેઓ આ કામ પણ હોંશે હોંશે કરી શક્યા. આપણને સવાલ થાય કે, એ ક્યું તત્વ હતું જે આ બ્રિટિશ કન્યાને બધી સુખ સાહ્યબી છોડીને આશ્રમ જીવન જીવવા ખેંચી લાવ્યું હતું ? તેમણે ગાંધીજીમાં એવું તે શું જોયું કે ભવ્ય જાહોજલાલીનો ત્યાગ કરીને ભારત જેવા પછાત દેશના એ પોતડીધારી ફકીરને સાથ આપવા આવી પહોંચ્યાં ? આવા અનેક સવાલોનો એકમાત્ર જવાબ છે, ગાંધીજી પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા.

આશ્રમમાં તેમનો નિત્યક્રમ સવારે ચાર વાગ્યે પ્રાર્થનાથી શરુ થતો. ત્યારબાદ કાંતણ, સફાઈ, રસોઈ, વાંચન એમ અનેક પ્રવૃત્તિમાં તેઓ વ્યસ્ત રહેતા. શરુઆતમાં તેમને કાંતતા શીખવવાનું કામ ગાંધીજીએ નેપાળના આશ્રમવાસી તુલસી મહેરજીને સોંપેલું. તો હિન્દી ગોરખપુરના શિક્ષક સુરેન્દ્રજી શીખવતા. ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ શુદ્ધ હિન્દી નહીં શીખે ત્યાં સુધી તેઓ તેમને પોતાની સાથે પ્રવાસમાં નહીં લઈ જાય. આથી સારી રીતે હિંદી શીખી શકાય તે માટે તેઓ વર્ધા અને રાજસ્થાન ગયા. ધીરેધીરે તેઓ હિંદી શીખતા ગયા. તેમણે પોતાની આત્મકથામાં બહુ નિખાલસતાથી સ્વીકાર્યું છે કે, એક વર્ષ સુધી પોતાની જાતને તૈયાર કરી હોવા છતાં આશ્રમજીવન સાથે મેળ બેસાડવામાં તેમને ખાસ્સી વાર લાગી હતી. ખાસ તો ગરમી તેમને પરેશાન કરી મૂકતી.

શરૃઆતમાં ખોરાક પણ માફક ન આવતો. તબિયત લથડી જતી. મલેરિયા તો અવારનવાર થઈ જતો. છતાં મન મક્કમ કરીને તેઓ મચી પડ્યાં હતાં. હિંદી શીખીને તેમણે બાપુના રચનાત્મક કાર્યોમાં સાથ આપવા માંડ્યો. તેમના કપડાં, આહાર, આરામ, દવા એમ નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખતા. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું મહાદેવભાઈ દેસાઈ અંગ્રેજીમાં ભાષાંતર કરી રહ્યાં હતા ત્યારે તેના પ્રૂફરીડિંગનું કામ પણ તેમણે કરેલું. બ્રિટિશ શાસન સામેના ગાંધીજીના અસહકાર, સત્યાગ્રહ, વિદેશી ચીજોનો બહિષ્કાર જેવાં કાર્યોમાં પણ તેમણે સહમતિ દર્શાવી. તો ૧૯૩૧માં લંડનમાં યોજાયેલી ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે ખાદીમાં ફરતી આ અંગ્રેજ મહિલાએ વિશ્વભરના માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૪૨ની ‘હિંદ છોડો ચળવળ’ દરમિયાન પૂનાના આગાખાન પૅલેસમાં ગાંધીજી, કસ્તૂરબા, સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સાથે તેમને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. ચાર વર્ષ જેટલો સમય તેઓ નજરકેદ રહ્યાં ત્યાં સુધીમાં મહાદેવભાઈ દેસાઈ અને કસ્તૂરબાનું પૅલેસમાં જ મૃત્યુ થયું.

કસ્તૂરબાના અવસાનનું મીરાબહેને પોતાની આત્મકથામાં ભાવવહી નિરુપણ કરતાં લખ્યું છેઃ ‘બાની તબિયત દિવસે દિવસે લથડતી જતી હતી. કહેવા લાગ્યા કે “નક્કી હું મહાદેવ પાછળ જવાની છું. ” ૨૨મી તારીખે છેલ્લો હુમલો આવ્યો. બાપુએ તેમને હાથમાં લીધા હતા. તેમના શ્વાસોચ્છવાસ બદલાવા માંડ્યા એટલે બાપુએ ધીરેથી પૂછ્યું, “શું થાય છે ?” સાફ મીઠા અવાજમાં કંઈક નવીન અને અદ્ભુત ચીજનો અનુભવ કરતા હોય તેવી રીતે બાએ જવાબ આપ્યોઃ “ખબર નથી પડતી, શું થાય છે.” કાંઈ ડર નહોતો, કંઈ ફિકર નહોતી, થોડા બીજા શ્વાસ લીધા અને બાએ દેહ છોડ્યો. આજુબાજુ વીંટળાઈને ઉભેલા અમે સૌએ રામધૂન શરૃ કરી. બાપુ મૌન રહ્યા અને બાના શરીરને સીધું કરવા ફક્ત ઈશારો કર્યો. મહાદેવનો અગ્નિસંસ્કાર થયો હતો તે જ જગ્યાએ બાનો પણ અગ્નિસંસ્કાર થયો. રામધૂન અને ધૂપની વચ્ચે આખી રાત બધાં શબ પાસે બેસી રહ્યાં. સાઠ વર્ષના પોતાના વફાદાર અને નીડર સાથીના મૃતદેહ તરફ કલાકો સુધી તાકતા બાપુ બેસી રહ્યાં. જાણે તેમની સાથે મૌન વાર્તાલાપ કરી રહ્યા હોય. સવારમાં અગ્નિસંસ્કારની જગ્યાએ પહોંચ્યા ત્યાં સુધીમાં બાપુુ પૂરા થાકી ગયા હતા. પણ પોતાને ટકાવી રાખીને ચિતા બળીને રાખ થઈ ત્યાં સુધી ત્યાં જ બેઠા. અસ્થિ એકઠા કરવાને દિવસે રાખમાંથી બાની બંગડીઓ અખંડ મળી આવી. બધાંના હૈયામાં હર્ષનો એક રોમાંચ પસાર થયો તે હજી મને યાદ છે. ત્યાં ચોકીએ ઉભેલા જમાદારે શ્રદ્ધાપૂર્વક કહ્યું કેઃ “બા તો સીધાં સ્વર્ગમાં જ સિધાવ્યાં છે.” ‘

આઝાદી પછીનું મીરાબહેનનું જીવન

આઝાદી બાદનું મીરાબહેનનું જીવન મોટાભાગે દુઃખમાં વીત્યું હતું. વર્ષ ૧૯૪૭માં દેશને આઝાદી મળ્યા પછી મીરાબહેને બાપુની પરવાનગી લઈને હરિદ્વાર અને રૃડકીની વચ્ચે મૂલદાસપુર ગામ પાસે ‘કિશાન આશ્રમ’ શરૃ કર્યો હતો. જ્યાં ખેતી, પશુપાલન, કાંતણ, વણાટનું કામ થતું. ગામ લોકો માટે એક દવાખાનું પણ અહીં શરૃ કરાયેલું. બાદમાં યુપી સરકારની પશુકલ્યાણ અંગેની યોજના હેઠળ બીમાર પશુઓ માટે ઋષિકેશ પાસે ‘પશુલોક આશ્રમ’ પણ સ્થાપ્યો. તેમને એવી આશા હતી કે ગાંધીજી તેમનો આશ્રમ જોવા ક્યારેક તો જરૃર આવશે. પણ આઝાદ ભારતના ભાગલાં અને દુર્દશાથી વ્યથિત મહાત્મા ક્યારેય ત્યાં આવ્યા નહીં. એ દરમિયાન મીરાબહેને દેશના નેતાઓના બદલાયેલા સ્વરૃપ વિશે જે વર્ણન કર્યું છે તે આજે પણ એટલું જ આબેહૂબ લાગુ પડે છે. મીરાબહેન લખે છે, ‘સરકારી તંત્ર કેમ ચાલે છે તેનો પરિચય કરવા માટે હું કૃષિમંત્રી પાસે લખનઉ ગઈ. અહીં વળી એક નવી જ દુનિયા હતી. અત્યાર સુધી તો હું હિંદના જ હિંદુસ્તાનીઓ સાથે રહી હતી. પણ હવે હિંદીઓએ અંગ્રેજોના અનુકરણમાં અપનાવેલી અમલદારશાહી જોવા મળી. દરેક અધિકારી તેમજ કારકુનો પૂરા નહીં તો અરધા અંગ્રેજી પોશાકમાં સજ્જ રહેતા હતા અને એકબીજાને મિસ્ટર કહેતા હતા. બાપુએ તો એક એવા ભારતની કલ્પના કરી હતી જે સાત્વિક, સ્વસ્થ અને સુખી હોય. પરંતુ હવે જે ભારત દેખાઈ રહ્યું હતું તેમાં બાપુને જીવતા રહેવાની ઈચ્છા નહોતી રહી. તેમના માટે આઝાદી એક ભ્રમનિરસન સાબિત થઈ હતી.’

આઝાદી બાદના મીરાબહેન સાથેના પત્રવ્યવહારમાં બાપુ ઘણીવાર મૃત્યુનો ઉલ્લેખ કરતા હતા. એ ગણતરી સાચી પડતી હોય તેમ જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ના રોજ નાથુરામ ગોડસેએ તેમની ત્રણ ગોળી મારીને હત્યા કરી. મીરાબહેન એ વખતે પશુલોક આશ્રમમાં હતા. ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને તેઓ બેભાન થઈ ગયા. પણ પછી તેમને ગાંધીજીનો ઉપદેશ યાદ આવ્યો. ગાંધીજી તેમને કહેતા કે, એ આત્મા જેના માટે તને પ્રેમ છે તે હંમેશા તારી સાથે જ રહેશે એટલે મારા મૃત્યુ બાદ તું જ્યાં હો ત્યાં જ રહી કામ આગળ ધપાવજે. મૃતદેહના અંતિમ દર્શન કરવાનો કોઈ અર્થ નથી. એટલે જ લોકોની અનેક સમજાવટ છતાં તેઓ ગાંધીજીના અંતિમ દર્શન કરવા માટે દિલ્હી નહોતા ગયા.

ગાંધીજીના મૃત્યુ બાદ મીરાબહેન ૧૧ વર્ષ ભારતમાં રહ્યાં. પણ તેમના રચનાત્મક કાર્યોમાં નેતાઓ, અમલદારોની દખલગીરી વધી જતા અંતે તેમણે ભારત છોડવાનો નિર્ણય કર્યો. ૧૯૫૯માં તેઓ કાયમ માટે ભારત છોડીને ઓસ્ટ્રિયા જતા રહ્યાં. જ્યાં બિથોવાનના શહેર વિયેના નજીકના એક ગામમાં જઈને વસ્યાં. ૨૩ વર્ષ તેઓ ત્યાં રહ્યાં. જુલાઈ ૨૦, ૧૯૮૨ના રોજ ૮૯ વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું. સરકારી તંત્રની ઘોર બેદરકારી જૂઓ, છેક તેમના મૃત્યુના ચાર મહિના અગાઉ તેમને પદ્મવિભૂષણ એનાયત કરાયો. તેમનું જીવનચક્ર બિથોવાનથી શરુ થઈ, રોમાં રોલાં, ગાંધીજી અને છેલ્લે ફરી પાછું બિથોવાન તરફ ગતિ કરી ગયું.

મીરાબહેનનો પ્રેમઃ એક ચર્ચિત પાસુ

જાહેર જીવનની વ્યક્તિની આત્મકથા જ્યારે પણ લખાય ત્યારે તેમાં કેટલીક મર્યાદાઓ તો હોવાની જ. મીરાબહેનની આત્મકથા પણ તેમાંથી બાકાત નથી. એ મર્યાદા એટલે આશ્રમવાસી પૃથ્વીસિંહ સાથેના તેમના એકતરફી પ્રેમની. જેના વિશે તેમણે ખુલીને વાત નથી કરી. ગાંધી આશ્રમના પૂર્વ ડિરેક્ટર ત્રિદીપ સુહૃદ અને ઓસ્ટ્રિયાની લા ટ્રોબ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર થોમસ વેબર સંપાદિત અંગ્રેજી પુસ્તક ‘બિલવેડ બાપુઃ ધ ગાંધી-મીરાબહેન કોરસપોન્ડન્સ’માં આ બાબતે વધુ વિગતો જાણવા મળે છે. જે અંતર્ગત, પૃથ્વીસિંહ ઉર્ફે ક્રાંતિકારી બાબા પૃથ્વીસિંહ આઝાદ લાહોર કાવતરામાં અંગ્રેજોના હાથે પકડાઈ જતા તેમને ફાંસીની સજા ફરમાવાઈ હતી. જે પછીથી જનમટીપમાં ફેરવી દઈને તેમને આંદામાન મોકલી દેવાયા હતા. ત્યાંથી ફરી ભારતમાં લવાયા બાદ ૧૯૨૨માં તેઓ જેલમાંથી ભાગી ગયા હતા. ૧૬ વર્ષ જેટલો સમય ભૂગર્ભમાં રહ્યાં બાદ તેઓ અહિંસાના માર્ગે વળીને ૧૯૩૮માં ગાંધીજી પાસે આશ્રમમાં આવ્યા હતા.

પૃથ્વીસિંહ પાંચ ફૂટ ઉંચા પ્રભાવશાળી પુરુષ હતા. બિહારથી વર્ધા આવેલા મીરાબહેન અને તેમની વચ્ચેની પ્રથમ મુલાકાત ઔપચારિક રહી. પણ અણધાર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે સપ્ટેમ્બર ૧૯૩૯માં મીરાબહેનને પૃથ્વીસિંહની આત્મકથાનું અંગ્રેજી સુધારણાનું કામ સોંપાયું. જેમાં તેમને પૃથ્વીસિંહની બહાદુરી, સરળતા, નિખાલસ સ્વભાવને નજીકથી જાણવાનો મોકો મળ્યો. કહેવાય છે કે, આ સમયે ગાંધીજી મીરાબહેનથી એક અંતર જાળવતા હતા. તેમની સેવાનું કામ પણ સુશીલાબહેન સહિતની અન્ય મહિલાઓએ સંભાળી લીધું હતું. આશ્રમ ટ્રસ્ટ તરફથી પણ સતત તેમની અવગણના થતી હતી. આ બધાં કારણોને લીધે તેમનું હૃદય સતત એકલતા અનુભવી રહ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે પૃથ્વીસિંહનું આશ્રમમાં આગમન થયું અને એ પડછંદ પંજાબી પુરુષ તેમના દિલોદિમાગ પર કામણ કરવા લાગ્યાં. ક્યાંય વહી ન શકેલો તેમનો પ્રેમ પૃથ્વીસિંહ તરફ બેકાબૂ થઈને વહી નીકળ્યો હતો.

એકતરફી પ્રેમનો એ રેલો ત્યાં સુધી પહોંચી ગયો કે, મીરાબહેન તેમની સાથે લગ્ન કરી, બાળકની મા બનવા તલસવા માંડ્યા. પૃથ્વીસિંહને તેમણે ઉત્કટતાભર્યા પત્રો લખ્યા. બંને વચ્ચે જન્મોજનમનો સંબંધ છે તેવું તેઓ માનવા લાગ્યા હતા. તેમણે આ વાતની જાણ ગાંધીજીને કરી તેમના આશીર્વાદ માંગ્યા. બાપુ તો રાજી થયા, પણ પૃથ્વીસિંહ પ્રૌઢાવસ્થાએ પહોંચવા આવેલા મીરાબહેનને સ્વીકારશે કે કેમ એ બાબતે તેમને દ્વિધા હતી. આશ્રમના સાથીદારોને સાથે રાખીને તેમણે પૃથ્વીસિંહ સુધી આ વાત પહોંચાડી. પણ પરિણામ એ જ આવ્યું જેની ગાંધીજીને આશંકા હતી. પૃથ્વીસિંહે ના તો ન પાડી પણ બહાનુ કાઢ્યું કે, ‘આશ્રમની તમામ સ્ત્રીઓ મારે મન મા-બહેન છે. મીરાને પણ હું એ જ નજરે જોઉં છું.’ બાપુએ સ્પષ્ટતા કરી કે, ‘એ પરંપરા આશ્રમની વ્યવસ્થા અને શિસ્ત જાળવવા માટે છે તે ખરું. પણ તેનાથી તું અને મીરા ભાઈબહેન થઈ જતા નથી, માટે તું ઈચ્છે તો મીરાને પરણી શકે છે.’ પણ તેઓ માન્યા નહીં અને બર્મા ચાલ્યા ગયા. જ્યાં તેઓ અન્ય સ્ત્રી સાથે પરણી ગયા.

તેમના જવાથી મીરાબહેન મૌન એકાંતવાસમાં સરી પડ્યાં. નિરાશ થઈને તેમણે હિમાલય ચાલ્યા જઈ સ્વતંત્ર રીતે કામ કરવાની ગાંધીજી પાસે રજા માંગી. ગાંધીજીએ પહેલા હા પાડી પણ પછી પત્રમાં લખ્યું, ‘મારી અસંમતિ છતાં ચાલતી તારી પ્રવૃત્તિમાં હું સામેલ નથી.’ મીરાબહેને જવાબ વાળ્યો, ‘એક તરફ તમે મને મારા પૈસા આપીને સ્વતંત્ર કરો છો અને એ પૈસા હું વાપરું તો જાહેર અસહમતિ દર્શાવો છો કે પછી મને મારી રીતે કામ કરતી રોકો છો. આ શું ?’ આ સમયગાળામાં ગાંધીજીએ લખેલા પત્રોમાં ‘ચિ. મીરા’ ને બદલે ‘ડિયર મિસ સ્લેડ’ સંબોધન જોવા મળે છે. પણ પછી માફી પણ માંગે છે. ગાંધીજીના સ્ત્રી અનુયાયીઓની વાત નીકળે એટલે શંકાશીલો મોટાભાગે વાયેવાયે સાંભળેલી વાતોનો આધાર લઈને તેમની ટીકા કરવા માંડતા હોય છે. મીરાબહેન અને બાપુનો સંબંધ પણ પણ તેમાંથી બાકાત નથી. વાંકદેખાઓ હવામાં ગમે તેવા ગોળીબાર કરે પણ, હકીકત એ છે કે, મીરાબહેન ગાંધીજીના ઉત્તમ શિષ્યા હતા. ગાંધીજી સાથેના તેમના સાતસોથી વધુ પત્રોનો અભ્યાસ કહે છે કે, બાપુ સાથે તેમનો સંબંધ અન્યોની અદેખાઈ કરતી એક પ્રેમાળ દીકરી જેવો હતો. વાંકદેખાઓને આનાથી મોટાં પુરાવા બીજા ક્યા જોઈએ ?

——————–.

You might also like