ચૂંટણી સમરાંગણમાં રાજકીય  સમીકરણોએ ભલભલાને હંફાવી દીધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. બધી જ બેઠકો ઉપર ઉમેદવારોના નામો જાહેર થઈ ગયા છે અને ફોર્મ પરત ખેંચવાની મુદ્દત આડે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ચૂંટણી સમરાંગણમાં આખરી અને મુખ્ય સ્પર્ધકો કોણ છે તે ચિત્ર વધારે સ્પષ્ટ થયું છે. અલબત્ત ચૂંટણી મેદાનમાંથી ખસી જનારાઓનો પ્રવાહ છેક મતદાનની તારીખ સુધી પણ જોવા મળી શકે, આમ છતાં બે મુખ્ય રાજકીય પક્ષો એવા ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતની ગાદી ઉપર કબજો જમાવવા માટે બંને વચ્ચે ‘કિસમેં કિતના હૈ દમ’ નો તીવ્ર રસાકસીભર્યો જંગ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂક્યો છે.

ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર થવા સુધીના રાજકીય ચિત્ર પર એક નજર નાંખીએ તો પ્રથમ દૃષ્ટિએ એટલું ચોક્કસ કહી શકાય કે પસંદગીના ધોરણો, પેચીદા રાજકીય સમીકરણો અને જૂથવાદની પરાકાષ્ઠા વચ્ચે બંને પક્ષોના હાઈકમાન્ડને ઉમેદવારોની પસંદગીમાં નાકે દમ આવી ગયો છે. ઉમેદવારોની આખરી જાહેરાત કરતા પહેલાં સમૂળગા વળાંકો આવી ગયા, ધારેલું ન થઈ શક્યું, શીર્ષાસન  કરવાની નોબત આવી, કાર્યકર્તાઓ – નેતાઓને નારાજ કરવા પડ્યા, મને-કમને આખરી નિર્ણયો કરવા પડ્યા અને આમછતાં બંને પક્ષે જનતાજનાર્દન સામે અનેકવાર અનિચ્છનિય રીતે ખુલ્લા પણ પડવાનો યોગ અને અફસોસ પણ નસીબમાં રહ્યો જ ! જનવિકલ્પ, આમ આદમી પાર્ટી, એન.સી.પી., જનતાદળ (યુ) જેવા રાજકીય પક્ષો ગાજ્યા એટલા વરસ્યા નહીં. એટલું જ નહીં કેટલીય ‘સેનાઓ’, સંગઠનો અને કેટલાક નાના-નાના પક્ષો પણ આખરી ચિત્રમાં અસરકારક કહી શકાય તે પ્રકારે મેદાનમાં જણાતા નથી. અલબત્ત શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ પાર્ટીમાંથી કુલ ૧૧૭ જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને અપક્ષોની પણ સારી એવી સંખ્યા સ્પર્ધામાં હોવા છતાં સ્થાનિક સ્તરે છૂટક છૂટક મહત્વ સિવાય અને કેટલાક અપવાદો બાદ કરતા તેની ઝાઝી અસર હોતી નથી. પાટીદાર, દલિત અને સામાજિક આંદોલનોમાંથી ઉભરી ચૂકેલા બોલકા યુવા નેતાઓ પણ આખરી ચિત્રમાં વેરવિખેર જણાતા હોવાથી વિધાનસભા ચૂંટણીનો આખરી સંગ્રામ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ રહી ગયેલો જણાય છે.

ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં સામાન્ય રીતે જ્ઞાતિ-જાતિ, જેન્ડર, ઉંમર, અનુભવ, કાર્યદક્ષતા, પક્ષ પ્રત્યેની વફાદારી, વિચારધારા, પ્રાદેશિક સંતુલન કે વ્યક્તિગત પ્રતિભા પર હાઈકમાન્ડનું ધ્યાન રહેતુ હોય છે, પરંતુ આ વખતે રાજ્યની રાજકીય પરિસ્થિતિ, સામાજિક આંદોલનો, વહિવટી સમસ્યાઓ, જૂથવાદની પરાકાષ્ઠા અને સતત બાવીસ વર્ષો સુધી એક જ પક્ષના નિર્વિરોધ શાસન સામે એન્ટી ઈન્કમ્બન્સી અને વિરોધ પક્ષની આશા-અપેક્ષાઓ વચ્ચે સર્જાયેલા અને ડહોળાયેલા રાજકીય વાતાવરણમાં કોઈપણ પક્ષ પસંદગીના ચુસ્ત ધોરણો સામે અડગ રહી શક્યો નથી. બંને

પક્ષોની ઉમેદવારો માટેની સત્તાવાર જાહેરાતો દરમિયાન અનેક સ્થળે વિરોધ, રાજીનામાં, પક્ષપલ્ટો, ખુલ્લેઆમ ધમકી, વાણી-વિલાસ અને ગેરશિસ્તનું પ્રદર્શન જે રીતે જોવા મળ્યું છે, તે જોતા લાગે છે કે બંને પક્ષોના પસંદગી પામેલા ઉમેદવારો માટે પોતાના કાર્યકર્તાઓને સંગઠિત રાખી સક્રિય રાખવા માટેનો પડકાર જેવો તેવો નહીં હોય. સંખ્યાત્મક દૃષ્ટિએ જોઈએ તો ભાજપે પાટીદારોને ૫૨, ઓબીસીને ૫૮, એસ.ટી ૨૮, એસ.સી ૧૩, બ્રાહ્મણ ૧૦, જૈન ૦૪, ક્ષત્રિય ૧૨, અન્યને ૦૫ બેઠકો ફાળવી છે, જ્યારે કૉંગ્રેસે પાટીદારોને ૪૨, ઓબીસીને ૬૨, એસ.ટી ૨૫, એસ.સી ૧૪, બ્રાહ્મણ ૦૬, જૈન ૦૨, ક્ષત્રિય ૧૦, મુસ્લિમ ૦૬ અને અન્યને ૦૯ બેઠકો ફાળવી છે, અન્યમાં સિંધી, બિનગુજરાતી, લોહાણા સહિતના વર્ગોનો સમાવેશ થાય છે. બંધારણની જોગવાઈઓ અનુસાર અનુસૂચિત જનજાતિ માટે કુલ ૨૭ અને અનુસૂચિત જાતિ માટે ૧૩ બેઠકો અનામત હેઠળ છે. ઓબીસી જ્ઞાતિઓમાં ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડિયા, પ્રજાપતિ સહિતના ઘણાં સમાજો સામેલ છે.

નારી ગૌરવ માટે મહિલાઓને સમાન તકો આપવાની ચર્ચા દરેક પક્ષ કરે છે અને સ્થાનિક સંસ્થાઓમાં ૫૦% મહિલા રીઝર્વેશન લાગુ પણ કરાવ્યું છે, આમછતાં વિધાનસભા માટે ભાજપે આ વખતે માત્ર ૧૨ મહિલાઓને ટિકિટ ફાળવી છે, જ્યારે જિલ્લા દીઠ એક મહિલા ઉમેદવાર આપવાની જાહેરાત કરનાર કૉંગ્રેસે માત્ર ૧૦ મહિલાઓને ટિકિટ ફાળવી છે. ભાજપે ૩૪ ધારાસભ્યોને રિપીટ નથી કર્યા જેમાં ૦૪ મંત્રીઓ, ૦૫ સંસદીય સચિવો ઉપરાંત કેટલાંક સિનિયર નેતાઓનો સમાવેશ છે. શંકરસિંહ વાઘેલાની બળવાખોરી બાદ કૉંગ્રેસે બાકી રહેલા બધા ૪૩ ઉમેદવારોને ટિકિટ આપવાનું વચન આપેલું પરંતુ તેમાંથી ૪૦ ને જ ટિકિટ અપાઈ છે. રાજ્યસભાની ચૂંટણી વખતે જે ૧૪ ધારાસભ્યોએ બળવો કર્યો હતો તેમાંથી ૧૨ ભાજપમાં જોડાયેલા પરંતુ તે પૈકી ૦૭ ને ટિકિટો મળી છે અને સાણંદના કરમશી પટેલે પોતાના પુત્ર માટે ટિકિટ મેળવી લીધી છે. વિજાપુરના પી.આઈ. પટેલ, જસદણના ભોળાભાઈ ગોહિલ અને વાંસદાના છના ચૌધરીને ભાજપે ટિકિટ આપી નથી. રાજ્યસભાની ચૂંટણી ટાણે થયેલા પક્ષપલ્ટાના ખેલ પછી ભાજપમાં જોડાવું કે ન જોડાવું તે બાબતે નિર્ણય ન કરી શકેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સાથે છેવટ સુધી ટિકિટ અંગે અસમંજસભરી સ્થિતિ બની રહ્યા બાદ ભાજપે તેમને ટિકિટ આપી નથી. ઉંમરની દૃષ્ટિએ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપે ૭૯ વર્ષના નારણભાઈ પટેલને ઉંઝાથી આઠમી વખત રિપીટ કર્યા છે તો કૉંગ્રેસે ૭૮ વર્ષના મોહન રાઠવાને દસમી વખત ફરી મેદાનમાં ઉતાર્યા છે. યુવાનોના નામે રાજનીતિ ખૂબ ચાલે છે પરંતુ યુવાનો મોટા ભાગે આંદોલનોના મેદાનમાં જ રહી ગયા છે. અલ્પેશ ઠાકોરે ૨૦ જેટલા ટેકેદારો માટે કૉંગ્રેસ પાસે ટિકિટ માંગેલી, પરંતુ તેને ૦૭, હાર્દિકના ટેકેદારોને ૦૫ તથા અપક્ષ તરીકે જિગ્નેશ મેવાણી સામે પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખીને કૉંગ્રેસે તેમને મનાવી લીધા છે. આર્થિક સદ્ધરતાની  બાબતમાં એકતરફ ભલે કેશલેસ ઈકોનોમીની વાત થતી હોય પરંતુ ભાજપના ૦૫ ઉમેદવારો પાસે ૨૫ થી ૪૫ લાખ સુધીની રોકડ હાથ પર છે જ્યારે કૉંગ્રેસના ૦૪ ઉમેદવારો પાસે ૩૫ લાખથી ૧.૧૯ કરોડ સુધીની રોકડ હાથ પર છે.

ગુણાત્મક દૃષ્ટિએ ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો કૉંગ્રેસ કરતા તેનું નેતૃત્વ વધારે સબળ અને મક્કમ હોવા છતાં આ વખતે ઉમેદવારીની પસંદગીમાં કોઈ સ્પષ્ટ નીતિ, ધોરણો કે ચોક્કસ માપદંડો રખાયા હોય તેવું કહી શકાય તેમ નથી. પોતાની જ અગાઉની થિયરીને તિલાંજલિ, અપનાવાયેલી નીતિઓમાં પણ જુદા-જુદા કિસ્સાઓમાં વિરોધાભાસ, ગમા-અણગમાના રાજકારણ અને વિરોધપક્ષોની રાહે પગરણ માંડવા જેવા અનેક ઉદાહરણોમાં આ વખતે ભાજપ હાઈકમાન્ડની નીતિ અસ્પષ્ટ અને નિર્ણયોમાં મજબૂરી વ્યક્ત થાય છે.

ભાજપે તેની અગાઉની નો-રિપીટ થિયરીની વિરુદ્ધ જઈ ભૂતકાળમાં ચૂંટણીમાં હારી ગયેલા કેટલાક દિગ્ગજ નેતાઓને યાદ કરી કરીને પાછા બોલાવ્યા છે. આવા નેતાઓમાં દિલીપ સંઘાણી, જયનારાયણ વ્યાસ, આર.સી.ફળદુ, ભરત બારોટ કે કૌશિક પટેલ છે, તો સામે છેડે જીતેલા દિગ્ગજોની અવગણના કરી ટિકિટ આપવામાંથી બાકાત રખાયા હોય તેવા આંખે ઉડીને વળગે તેવા નામોમાં આનંદીબહેન પટેલ, વસુબહેન ત્રિવેદી, મંગુભાઈ પટેલ, નરોત્તમ  પટેલ, તારાચંદ છેડા કે નાનુ વાનાણીને ગણાવી શકાય. કેટલાંક નામો એવા હતા જેમના સમાવેશ અંગે ભાગ્યે જ આશાવાદ સેવાતો હતો,

પરંતુ તેઓને ટિકિટ આપવામાં આવી છે. આવા ઉદાહરણોમાં સૌરભ પટેલ, રજની પટેલ, ગોવિંદભાઈ પટેલ, ભૂષણ ભટ્ટ કે પુરૃષોત્તમ સોલંકી જેવા નેતાઓ છે. મધુ શ્રીવાસ્તવ જેવા માથાભારે કિસ્સાઓમાં ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારના દબાણ સામે ઝૂક્યું છે તો આઈ.કે. જાડેજા જેવા સૌજન્યશીલ વ્યવહાર કરતા નેતાના સમર્થકોની લાગણી સામે નહીં ઝૂકવાનું વલણ અપનાવ્યું છે. વસુબહેન ત્રિવેદીના કિસ્સામાં તો પક્ષના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓના જાહેર આગ્રહ ઉપરાંત બ્રહ્મસમાજના આગેવાનોએ અલગથી પત્રકાર પરિષદ પણ યોજેલી અને સતત પંદર વર્ષથી અજેય રહેલા સુશિક્ષિત અને નિર્વિવાદ મહિલા નેતાને અન્યાય ન થાય તે માટે રજૂઆતો કરેલી, આમછતાં તેની જે રીતે અવગણના થઈ તે આશ્ચર્યજનક રહ્યું. છેલ્લાં કલાકોમાં જ નામ જાહેર થાય અને ઉમેદવારી પત્રક પણ તૈયાર જ હોય તેવા કિસ્સાઓએ સંન્નિષ્ઠ આગેવાનોને હતપ્રભ કરી મૂક્યા. ઘણાં કિસ્સાઓમાં આયાતી ઉમેદવારોને સ્થાનિક કાર્યકર્તાઓને અંધારામાં રાખી ટિકિટો અપાઈ. આ ઉપરાંત પોલીસ ચોપડે અપરાધો નોંધાયેલા હોય છતાં પસંદગી પામ્યા હોય તેવા ઉદાહરણો પણ ભાજપની યાદીમાં જોવા મળે છે, એટલું જ નહીં રાજકારણમાં વંશવાદનો વિરોધ કરવાની નીતિ હોવા છતાં ભાજપે ધારાસભ્યો, સાંસદોના પુત્રો અને પુત્રવધુઓને ટિકિટ આપ્યાના દાખલાઓ સામે આવ્યા છે.  આજ રીતે કૉંગ્રેસમાં પણ છેવટ સુધી અનેક પ્રકારની મથામણો બાદ જે ચિત્ર ઉપસ્યુ છે તે સંતુલિત નથી જણાતુ. કૉંગ્રેસે સોમાભાઈ પટેલ, કુંવરજી બાવળીયા, તુષાર ચૌધરી, વીરજી ઠુમ્મર, હિંમતસિંહ પટેલ, જીવાભાઈ પટેલ અને પ્રવીણ રાઠોડ જેવા લોકસભાની ચૂંટણીમાં હારેલા સાંસદોને ટિકિટ ફાળવી છે એટલું જ નહીં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા સહિત ૨૪ હારેલા ઉમેદવારોને ફરી ટિકિટ ફાળવી છે. કાંકરેજ અને પાલનપુર એવી બેઠકો છે જ્યાં ભાજપે હારેલા ઉમેદવારને ફરી તક આપી છે તો કૉંગ્રેસે પોતાના જીતેલા ઉમેદવારને તક આપી નથી.

જો કે એટલું ચોક્કસ કહી શકાય કે ચૂંટણી સમરાંગણમાં પેચીદા રાજકીય સમીકરણોએ ભલભલાને ભલે હંફાવી દીધા હોય, આમ છતાં ભાજપ અને કૉંગ્રેસના હાઈકમાન્ડે ભારે સંયમપૂર્વક શક્ય હોય એટલી તકેદારી રાખી, વધુમાં વધુ સમાજોને સાથે રાખી, મહદ્દ અંશે ગુણવત્તાના આધારે તથા પ્રાદેશિક સમતુલા જાળવવાનો જે રીતે પ્રયાસ કર્યો છે, તે કાબિલેદાદ છે. સ્થાનિક સ્તરે પ્રવર્તતા જૂથવાદ સામે ઝૂક્યા વગર હાઈકમાન્ડે તટસ્થ રહી મક્કમતાપૂર્વક જે રીતે હિંમતભર્યા નિર્ણયો કર્યા તેનો સકારાત્મક સંદેશ પણ કાર્યકર્તાઓ વચ્ચે ગયો છે. અંતમા, રાજનીતિના અપરાધીકરણની જે ચર્ચા દેશભરમાં છે તે જોતા અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જે યાદી સામે આવી છે, તેનાથી ગુજરાતે અફસોસ કરવા જેવો નથી,  જેની નોંધ લેવી રહી.

————————

You might also like