કાલુપુર રેલવે સ્ટેશન પાસે શટલ રિક્ષામાં પેસેન્જરોનો કીમતી સામાન ચોરતી ટોળકી પકડાઈ

અમદાવાદ: શહેરમાં શટલ રિક્ષામાં બેસવું હવે સલામત નથી રહ્યું, કારણ કે મોડી રાતે કે ધોળા દિવસે શટલ ‌િરક્ષામાં પેસેન્જરોને બેસાડીને લૂંટી લેવાના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે. પેસેન્જરોની નજર ચૂકવીને તેમજ ચપ્પુ બતાવી તેમની પાસેથી રોક્ડ રકમ અને સોના-ચાંદીના દાગીના પડાવી લેવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં પેસેન્જરોને છરી બતાવીને લૂંટી લેવાના બે કિસ્સા બન્યા છે ત્યારે નજર ચૂકવીને દાગીના તફડંચી કરવાનો વધુ એક કિસ્સો બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી શટલ રિક્ષામાં ચોરી કરતી ગેંગને પકડી પાડવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જેમાં પોલીસને સફળતા મળી છે. ર‌િખયાલ પોલીસે શટલ રિક્ષામાં ચોરી કરતી એક ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યોએ છેલ્લા ત્રણ મહિનામાં પેસેન્જરોની નજર ચૂકવીને દસ કરતાં વધુ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે ચોરીના બે સોનાના મંગલસૂત્ર અને લૂંટમાં વપરાતી અોટોરિક્ષા કબજે કરી છે.

વટવાનો રહેવાસી મોહમંદ હારુન અા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. જુહાપુરા વિસ્તારમાં એક વ્યક્તિની અોટોરિક્ષા ભાડે લઈ અને કાલુપુર રેલવે સ્ટેશનથી પેસેન્જરને બેસાડી સારંગપુર, બાપુનગર, ગોમતીપુર અને અોઢવ તરફ લઈ જઈ ચોરી કે લૂંટને અંજામ અાપતા હતા.
અમરાઇવાડી વિસ્તારમાં આવેલ જોગેશ્વરી સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પ્રફુલભાઇ પાટીલની પિતરાઇ બહેનનાં લગ્ન હોવાથી તે તેમની પત્ની રૂપાલીબહેન અને ત્રણ બાળકો સાથે મહારાષ્ટ્રના કલ્યાણ શહેરમાં ગયા હતા. લગ્નપ્રસંગ પતાવીને તારીખ ર૮ના રોજ તે સપરિવાર ટ્રેનથી અમદાવાદ આવી ગયા હતા. કાલુપુર રેલ્વે સ્ટેશન ઊતર્યા બાદ તેઓ એક શટલ ‌િરક્ષામાં બેઠા હતા, જેમાં પહેલાંથી એક પેસેન્જર બેઠો હતો.

રિક્ષા ડ્રાઇવરે સારંગપુર‌િબ્રજ પાસેથી વધુ બે યુવકોને બેસાડ્યા હતા. શટલ રિક્ષામાં રૂપાલીબહેન અને ત્રણ બાળકો પાછળની સીટ પર બેઠાં હતાં ત્યારે પ્રફુલભાઇ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠા હતા. પોલીસ ચેકિંગ કરે છે તેમ કહીને ડ્રાઇવરની બાજુમાં બેઠેલા બે યુવકોને પાછળ બેસાડી દીધા હતા. દરમિયાનમાં પ્રફુલભાઇના સમાનને ડ્રાઇવરે ઊંચકીને ફેરફાર કર્યો હતો. સામાનને લઇ રિક્ષાચાલક અને પ્રફુલભાઇ વચ્ચે તૂ તૂ મૈ મૈ થઇ હતી.

જેમાં રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું હતું કે નવી રિક્ષા છે તેનું હૂડ ફાટી ન જાય તે માટે સામાન પાછળ આપ્યો છે. રૂપાલીબહેને પોતાનો સામાન પકડી રાખ્યો હતો તે સમયે અન્ય પેસેન્જરોએ તેમનો થેલો અડવાની કોશિષ કરી હતી. થેલો અડવા બાબતે રૂપાલીબહેને અન્ય પેસેન્જરને થપકો આપ્યો હતો, જેમાં પેસેન્જરે જણાવ્યું હતું કે થેલો પડી ના જાય તે માટે હાથ લગાવું છું. દરમિયાનમાં ડ્રાઇવરે પ્રફુલભાઇને કહ્યું કે કયા ભાઇ તુમ સબ પે ઇલજામ લગાતે હો.

ત્રણેય પેસેન્જર ર‌િખયાલ પાસે ઊતરી ગયા હતા ત્યારે પ્રફુલભાઇને વહેમ જતાં તેમણે રૂપાલીબહેનને થેલો ચેક કરવા કહ્યું હતું. આ મામલે રિક્ષા ડ્રાઇવર અને પ્રફુલભાઇ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમને રખિયાલ ઉતારી દીધા હતા. ડ્રાઇવર પ્રફુલભાઇ અને તેમની પત્નીને બીભત્સ ગાળો દેતો હતો ત્યારે સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને રિક્ષાચાલકને સમજાવ્યો હતો કે કેમ તું મહિલાને ગાળો આપે છે. ત્યારબાદ રિક્ષાચાલક ત્યાંથી જતો રહ્યો હતો. તેની નવી રિક્ષા હોવાથી નંબર પ્લેટ હતી નહીં, પરંતુ રિક્ષાની પાછળ જી.બી. વ્હિલર્સ લખ્યું હતું.

રૂપાલીબહેને તેમનો થેલો ચેક કરતાં તેમાં મૂકેલ સોનાના બે મંગળસૂત્ર અને ૩૬૦૦ રૂપિયા ગાયબ હતા. તેમણે તાત્કા‌િલક ર‌િખયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. શટલ રિક્ષામાં વધતી જતી ચોરીના પગલે પોલીસે આ કેસમાં ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. ર‌િખયાલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઇ બી.પી.ભેટરીયા અને તેમની ટીમે પ્રફુલભાઇએ આપેલા પુરાવાના આધારે તપાસ કરીને ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ખોલીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે મહંમદ હારુન મહંમદ અયુબ અંસારી (રહે. વટવા), તૌફિક મોહંમદ મનસૂરી (રહે. જુહાપુરા), મોહંમદ રઈસ શેખ (રહે. અ‌િજત મિલ) અને અંસાર અહેમદ અંસારી (રહે. વટવા)ની ધરપકડ કરી છે. પીએસઆઇ બી.પી. ભેટરીયાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની નજર ચૂકવીને ચોરી કરી રહ્યા છે. તેમની પૂછપરછમાં અત્યાર સુધી ૧૦ કરતાં વધુ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હાલ તો તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

You might also like