દુનિયાનું સૌથી મોટું ડોમ સ્ટેડિયમ બન્યું જમીનદોસ્ત, કયા ઓલિમ્પિકનું હતું યજમાન

એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટામાં વર્ષ ૧૯૯૬માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન રહેલા ડોમ સ્ટેડિયમને ગઈ કાલે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આ દુનિયાનું સૌથી મોટું ડોમ સ્ટેડિયમ હતું. સાથે જ તેની છત દુનિયાના સૌથી મોટા કેબલ પર ટકેલી હતી. બે સુપર બોલ અને અનેક ઘરેલુ રમત સ્પર્ધાઓનું સાક્ષી રહેલા અઢી દાયકા જૂના આ જ્યોર્જિયા ડોમ સ્ટેડિયમના સ્થાને હવે હોટેલ, પાર્કિંગ અને ગ્રીન સ્પેસ બનાવાશે.

આ સ્ટેડિયમનું નિર્માણ ૧૯૯૨માં ૧૩૯૧.૮૬ કરોડ રૂપિયા (૨૧.૪ કરોડ ડોલર)ના ખર્ચે થયું હતું. હવે આ સ્ટેડિયમ સ્ટીલ, ફાયબર ગ્લાસ અને કોંક્રિટથી કાટમાળમાં તબદિલ થઈ ગયું છે. ગઈ કાલે સવારે ૧૨થી ૧૫ સેકન્ડમાં જ તેને જમીનદોસ્ત કરી દેવાયું, જેના માટે ૨૧૭૭ કિલો (૪૫૦૦ પાઉન્ડ) ડાયનામાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ કાટમાળને હટાવવા માટે ત્રણ મહિનાનો સમય લાગશે. અહીં ૧૪૦૦ રમત સ્પર્ધા યોજાઈ, જેને ૩.૯ કરોડ લોકોએ નિહાળી હતી.

You might also like