ઉસ્માનપુરા વિસ્તારમાં વેપારીઓ પાસે બે યુવકોએ માગી ખંડણી

અમદાવાદ: ‘ધંધો કરવો હોય તો હપતો આપવો પડશે નહીંતર હાથ પગ તોડી જાનથી મારી નાખીશ’ ની ધમકી આપી ઉસ્માનપુરા વિસ્તારમાં વેપારીઓ પાસે બે સ્થાનિક યુવકોએ ખંડણી માગી હોવાની ઘટના બની છે.

રાણીપ વિસ્તારમાં આવેલી નર્મદનગર સોસાયટીમાં વિલાયતીલાલ ચાવલા (ઉ.વ.૬૭) તેમના પરિવાર સાથે રહે છે. વિલાયતીલાલ ઉસ્માનપુરા વિસ્તારમાં મોઢ ચાંપાનેર સોસાયટીના નાકે ચાવલા ટ્રેડર્સના નામે સાઇકલ રિપેરિંગનો વ્યવસાય કરે છે. તેમની બાજુમાં ભાર્ગવભાઇ પટેલ નામની વ્યક્તિની નટવરલાલ એન્ડ કંપની નામની દુકાન આવેલી છે. ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ વિલાયતીલાલ દુકાને હાજર હતા. દરમ્યાનમાં મોઢ ચાંપાનેર સોસાયટીમાં રહેતો સંજય બાબુલાલ વ્યાસ અને તેનો મિત્ર દુકાને આવ્યા હતા.

બંનેએ ત્યાં આવી ધમકી આપી હતી કે ‘તમારે ધંધો કરવો હોય તો મને પાંચ હજાર રૂપિયા આપવા પડશે, નહીં આપો તો અહીં ધંધો નહીં કરવા દઉં’ તેમ કહી ગાળાગાળી કરી હતી. બંનેએ દુકાનમાં ઘૂસી ગયા હતા.પૈસા આપવાની ના પાડતાં સંજય અને તેના મિત્રે ઝપાઝપી કરી માર માર્યો હતો. દુકાનમાં તોડફોડ કરી બંને ભાર્ગવભાઈની દુકાનમાં ગયા હતા.

દુકાનમાં કામ કરતા જતીન નામના યુવકને પૈસા આપી દેવાની ધમકી આપી અને જતીનને માર માર્યો હતો. ત્યાં કામ કરતા અન્ય યુવકની સાથે પણ ઝઘડો કરતાં તેણે ભાર્ગવભાઈને ફોન કર્યો હતો. સંજય અને તેના મિત્રે વેપારીઓને ‘ધંધો કરવો હોય તો હપતો આપવો પડશે નહીંતર હાથ પગ તોડી જાનથી મારી નાખીશ’ની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.

જતીનને ઈજાઓ થઈ હોઈ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાથે તેને ફેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.

You might also like