કૃષ્ણા સોબતીનું ગુજરાત કનેક્શન

ભારતીય સાહિત્યજગતના પ્રતિષ્ઠિત પુરસ્કાર જ્ઞાનપીઠ અવૉર્ડની જાહેરાત થઇ અને આ વર્ષનો જ્ઞાનપીઠ અવૉર્ડ હિન્દી સાહિત્યના ધુરંધર લેખિકા કૃષ્ણા સોબતીને એનાયત કરવામાં આવ્યો. બિન્દાસ, બેખૌફ, બેધડક જેવા વિશેષણો જેમના માટે વપરાય છે એવા કૃષ્ણા સોબતી ૯૨ વર્ષની ઉંમરે પણ સાહિત્યસર્જન ક્ષેત્રે સક્રિય છે. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ના રોજ પાકિસ્તાનના ગુજરાતમાં જન્મેલા કૃૃષ્ણાએ હિન્દી સાહિત્ય જગતને ડાર સે બિછુડી, મિત્રો મરજાની, યારો કે યાર – તીન પહાડ, સૂરજમુખી અંધેરે કે દિલો દાનિશ, હમ હશમત જેવી ઉત્તમ કૃતિઓ આપી છે પણ તાજેતરમાં પ્રકાશિત થયેલાં તેમનું પુસ્તક ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન’ અસાધારણ મહત્ત્વ ધરાવે છે.

આ નવલકથાની  મોટાભાગની ઘટનાઓ અને પાત્રો વાસ્તવિક છે. આ નવલકથાની નાયિકા કૃષ્ણા પોતે જ છે. ભારત-પાકિસ્તાન વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત આ નવલકથામાં કૃષ્ણાએ પાકિસ્તાનના ગુજરાતથી લઇને હિન્દુસ્તાનના ગુજરાત સુધીના તેમના અનુભવો અને વિચારો વ્યક્ત કર્યા છે. ભારતના ભાગલા પડ્યા બાદ પોતાના જન્મસ્થાન એવા પાકિસ્તાન સ્થિત ગુજરાતને અલવિદા કહીને દિલ્હી પહોંચી જ હતી કે કૃૃષ્ણાને સિરોહીમાં બનનારી શિશુશાળાની નિર્દેશિકા બનવાની ઓફર મળે છે. સિરોહી હવે તો રાજસ્થાનમાં છે પણ તે સમયે તે ગુજરાતનો ભાગ હતું. ઘણા બધાં વિચારવિમર્શ બાદ નવલકથાની નાયિકા સિરોહી પહોંચે છે. એ સમયે ભારત નવું નવું આઝાદ થયું હતું.

રાજા-રજવાડાઓના વિલયની શરૃઆત થઇ રહી હતી. સંબંધો અને સત્તાની રાજનીતિ રમાતી હતી. પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટેના છળ-કપટ આકાર લેતા હતા. આ બધું જોઇને કૃષ્ણા અચંબિત થઇ ગઇ હતી. નાયિકાના મનમાં શું નિર્ણય લેવો તેનું ઘમાસાણ ચાલી રહ્યું હતું. ક્રૃષ્ણાને રહી રહીને ભાગલાના અનુભવો યાદ આવી રહ્યા હતા. અડધી બળી ગયેલી લાશો, કપાયેલા ધડ અને હાથ, જ્યાં જૂઓ ત્યાં બસ લોહી જ લોહી. ભાગલાને કારણે પહેલાં જે અહીં હતા તે હવે ત્યાં પહોંચી ગયા હતા અને જે ત્યાં હતા એમાંના કેટલાંક અહીં આવી ગયા હતા. એક તરફ વિભાજનવેળાના દર્દનાક દૃશ્યો – માહોલ ક્રૃષ્ણાને વિચલિત કરી દેતા હતા તો બીજી તરફ સિરોહીના રાજમહેલનો માહોલ ક્રૃષ્ણાને મૂંઝવણમાં મૂકી રહ્યો હતો.

આખરે કૃષ્ણા ભૂતકાળને વળગીને બેસી રહેવાને બદલે નદીના પ્રવાહની જેમ સતત આગળ વધતા રહેવાનો નિર્ધાર કરે છે. પાકિસ્તાનના ગુજરાતમાં જન્મથી લઇને વિભાજનના અનુભવોથી શરૃ થતી નવલકથા ક્રૃષ્ણાના સિરોહી પહોંચતાની સાથે રાજા-રજવાડાની દુનિયામાં પ્રવેશે છે. રાજમહેલની રાજરમતો વચ્ચે રહેવું અને અસ્તિત્વ ટકાવી રાખવું કૃષ્ણા જેવી સ્વાભિમાની યુવતી માટે સહેલું નહોતું છતાં પણ નવલકથાની નાયિકાને ડરવાને બદલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, સ્થાયી નોકરી મેળવવા કેવી રીતે જુદાં જુદાં અનુભવોમાંથી પસાર થાય છે અને લડત આપે છે તેનું વર્ણન ક્રૃષ્ણાએ આ નવલકથામાં કર્યું છે. કેવી રીતે એક શિક્ષિત યુવતી, અંધવિશ્વાસો, કુ-રીતિઓ, આડંબર હેઠળ જીવતા સત્તાધીશો વચ્ચે પોતાના સ્વાભિમાન, પોતાના વિચારો અને સપનાને સાકાર કરવા સંઘર્ષ કરે છે અને તેમાં સફળ થાય છે એ આ નવલકથાનો મર્મ છે. આ નવલકથા એટલા માટે પણ મહત્ત્વ ધરાવે છે કારણકે તેમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ તો છે જ પણ સાથે જ રાજા-રજવાડાની વૈભવી સંસ્કૃતિ, રજવાડાઓના વિલય અને ધીરે ધીરે તેમની ક્ષીણ થતી સત્તા વગેરેનો તાદૃશ અનુભવ આ નવલકથા દ્વારા મળે છે.

‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન’ નવલકથા ઉપરાંત ક્રૃષ્ણાનું જિંદગીનામા પુસ્તક પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને પુસ્તકના નામને લઇને પણ કૃષ્ણા સોબતી વિવાદોમાં ઘેરાયા હતા. અમૃતા પ્રિતમે હરદત્ત કા જિંદગીનામા નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકના શીર્ષકને લઇને કૃષ્ણા સોબતીએ અમૃતા સામે કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ કર્યો. કેસનો ચુકાદો ચોવીસ વર્ષ બાદ આવ્યો અને તે પણ કૃષ્ણા સોબતીના વિરુદ્ધમાં આવ્યો. જોકે, જ્યારે ચુકાદો આવ્યો ત્યારે તો અમૃતા પ્રિતમનું નિધન થઇ ગયું હતું. આ ઉપરાંત કૃષ્ણા સોબતીએ વર્ષ ૨૦૧૦માં પદ્મભૂષણ પુરસ્કાર લેવાની ના પાડી દીધી હતી અને વિવાદ જગાવ્યો હતો. લાઇફટાઇમ લિટરરી અચિવમેન્ટ અવૉર્ડ, હિન્દી અકાદમી પુરસ્કાર, શિરોમણિ પુરસ્કાર વગેરે જેવાં સન્માનોથી સન્માનિત કૃષ્ણા સોબતી માટે કહેવાઇ રહ્યું છે કે જ્ઞાનપીઠ અવૉર્ડને કારણે કૃષ્ણા સોબતી કરતાં જ્ઞાનપીઠ પુરસ્કારનું માન વધી ગયું છે કારણકે કૃષ્ણા સોબતીએ જ્ઞાનપીઠ પુરસ્કારનો સ્વીકાર કર્યો છે.

You might also like