સીડી કાંડ, ખંડિત ક્લેવરો અને જાહેર જીવનનાં નૈતિક મૂલ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ટાએ પહોંચે એ પહેલાં જ નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસથી પાટીદાર અનામત આંદોલનના નેતાઓમાંના એક હાર્દિક પટેલની કહેવાતી સેક્સ સીડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને આ સીડીકાંડ અંગે ખુદ હાર્દિક પટેલ અને તેમના સાથીઓ દ્વારા પ્રત્યાઘાત રૃપે જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેના સૂચિતાર્થો સમજવા પડે તેમ છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. તેમાં હાર્દિક પટેલ અને તેનાં આંદોલનના સંગઠનોની કોઇ પ્રત્યક્ષ ભૂમિકા નથી. જાહેર રીતે તેઓ કૉંગ્રેસના સમર્થનમાં બહાર આવ્યા છે. પાટીદાર અનામત અંગે કૉંગ્રેસના મોવડીઓ સાથેની તેમની મસલતો અને કૉંગ્રેસની ‘અસ્પષ્ટ’ ફોર્મ્યુલાઓને સ્વીકારી લેવાની માનસિકતા સાથે ચૂંટણીમાં કૉંગ્રેસના સહયોગીની ભૂમિકામાં પાટીદાર આંદોલનનું

નેતૃત્ત્વ જોવા મળ્યું છે. પાટીદાર અનામતનું નેતૃત્ત્વ સામૂહિક હોય એવી છાપ ઊભી કરવામાં આવે છે. પરંતુ તેમાં એકસૂત્રતાનો નિતાંત અભાવ જોવાયો છે. તેમાનાં એક જૂથના કેન્દ્રમાં હાર્દિક પટેલ છે અને તેની આસપાસ જુવાનિયાઓની એક આખી ટીમ કાર્યરત છે. તેમાં ઠરેલ દિમાગના લોકો ભાગ્યે જ કોઇ હશે. અન્યથા ઉચ્છૃંખલ યુવાનો વધુ જણાય છે. બીજું જૂથ પ્રમાણમાં વધુ પીઢ અને સંતુલિત વિચાર ધરાવનાર હોય તેમ જણાય છે. અનામતની જોગવાઇની પેચિદગીઓને સમજ્યા વિના કોઇ પક્ષ પાસેથી કાગળ પર વચનો કે ખાતરી મેળવી લેવાથી અનામત ઉપલબ્ધ થઇ જવાની નથી. ચૂંટણી અને મતના રાજકારણની ભૂલભુલામણીમા ભૂલા પડેલા યુવાનો કોઇની વાત સાંભળવા તૈયાર ન હોય અને પોતાની બિનરાજકીય ભૂમિકાને પડતી મૂકીને અત્યાર સુધી મનમાં ધરબી રાખેલી અંગત રાજકીય મહત્વકાંક્ષાઓને સાકાર કરવા માટે સમગ્ર સમાજને દાવ પર લગાવવાની પ્રવૃત્તિ થાય ત્યારે તેની સામે પ્રત્યાઘાતી સ્વર ઉઠે એ સ્વાભાવિક છે. આંદોલન દ્વારા અર્જિત કરેલી પ્રતિષ્ઠાની મૂડીને ચૂંટણીમાં વટાવી લેવાની ઉતાવળ નુકસાનકારક બનવાની છે.

આવા સંજોગોની વચ્ચે આંદોલનના કેન્દ્રમાં રહેવાની કોશિશ કરનાર હાર્દિક પટેલ વિશે કહેવાતી સેક્સ સીડી જાહેર થાય અને બચાવમાં મર્દાનગીનો ચહેરો બતાવવાની ફરજ પડે તો એ બદલાયેલા સમય અને માહોલની તાસીર છે. દોઢ-બે દાયકા પહેલાં આવા સેક્સ કૌભાંડ પ્રત્યે સમાજ જે સૂગ અને તિરસ્કાર દર્શાવતો હતો એવી સૂગ કે તિરસ્કાર આજે જોવા મળતા નથી. મુક્ત સેક્સ અને લીવ-ઇન-રિલેશનશિપ જેવા સંબંધોની સ્વીકાર્યતા વધતી ચાલી છે એવા સંજોગોમાં બે પાત્રો પરસ્પર સંમતિથી સેક્સ માણે તેને વ્યક્તિની અંગત બાબત ગણવામાં આવતી હોય ત્યારે આવા સેક્સ-સીડી કાંડમાં પોતાની સામેલગીરીની શંકાના પ્રત્યાઘાતમાં પણ પોતે કશું ખોટું કર્યું નથી અને એ તેની મર્દાનગી છે એવી ઘોષણા કરવાનું સાહસ શક્ય બન્યું છે. આવા સીડી કાંડ હવે બહુ આશ્ચર્યજનક રહ્યા નથી. આધુનિક ટેકનોલૉજીએ બધું આસાન બનાવી દીધું છે. જ્યાં સુધી કોઇ જાહેર ન કરે ત્યાં સુધી એ આપણી ગુપ્તતા હોય છે. અંગત ગુપ્ત ક્ષણો ક્યારે સાર્વજનિક થઇ જાય એ કહેવાય નહીં!

જાહેર જીવનમાં એ સાર્વજનિક થઇ જાય પછી બેશરમ બનવાની વૃત્તિ-પ્રવૃત્તિના દર્શન હાર્દિક પટેલે કરાવ્યા છે. એને જાહેરજીવનમાં તેનું પ્રદાન ગણીશું? જાહેરજીવનમાં નૈતિકતા અને નૈતિક મૂલ્યોના માપદંડોને જાહેરમાં આટલા નીચા સ્તરે લઇ જવાનું સાહસ અદ્ભુત જ છે! મહત્વની વાત એ છે કે પક્ષીય સ્તરે, સંગઠનના સ્તરે, સામાજિક સ્તરે અને પારિવારિક સ્તરે એ કેટલે અંશે સ્વીકાર્ય બનશે? આવા સંબંધોને અનૈતિકતાના પરિઘની બહાર માનવાના સ્તર સુધી આપણો સમાજ મોડર્ન બન્યો નથી એટલું તો સ્વીકારવું પડશે. – અને એટલે જ જાહેર જીવનના આરંભના વર્ષ-દોઢ વર્ષમાં અનૈતિક પ્રવૃત્તિમાં કહેવાતી સામેલગીરી અને તેના સ્વીકારથી નેતૃત્ત્વની સંભાવનાઓ રોળાઇ જવાની શક્યતા જ વધુ છે. સમાજ તેને ક્યારેય આદર્શ માની નહીં શકે. સરેરાશ સામાન્ય જનસમાજ કરતાં પાટીદાર સમાજ વધુ આધુનિક, ઉદાર, બોલ્ડ, શિક્ષિત, સમજદાર, પ્રગતિશીલ હોઇ શકે છે. આખરે તો સમાજ જ આવા નેતૃત્ત્વના ભાવિની આવરદા નક્કી કરતો હોય છે. યાદ રહે, એ માત્ર એકપક્ષીય ધોરણે શક્ય બનવાનું નથી. આવી બાબતમાં એક મર્દની મર્દાનગીની સાથે એક સ્ત્રીની મર્દાનગીની સ્વીકૃતિ પણ થવી જોઇએ. એ શક્ય બનશે? આપણી આસપાસ તમામ સ્તરે ખંડિત ક્લેવરો પડેલાં છે. નૈતિકતાના માપદંડનું મૂલ્યાંકન પક્ષીય સ્તરે તો ન જ થઇ શકે.

You might also like