સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતી પેશગીઓ કરી બંધ..જાણો વિગત

નવી દિલ્હી:  બિનજરૂરી ખર્ચાઓ રોકવા માટે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતા કેટલાય પ્રકારના એડ્વાન્સ (પેશગીઓ) બંધ કરી દીધા છે. કેન્દ્રીય કર્મચારીઓને તેમના હોદ્દા અને પગાર મુજબ કેટલાક વ્યાજમુક્તિ એડ્વાન્સ મળતા હતા, જેને તેઓ લઈ સરળ હપ્તામાં કપાત કરાવતા હતા, પરંતુ હવે આવા કેટલાય એડ્વાન્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

કુલ આઠ પ્રકારના એડ્વાન્સ બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં સાઈકલ ખરીદવા, ગરમ કપડાં, ટ્રાન્સફર એડ્વાન્સ, ફેસ્ટિવલ એડ્વાન્સ, વધેલી રજાઓની અવેજમાં મળતું એડ્વાન્સ જેવા વિવિધ એડ્વાન્સ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને કુદરતી આપત્તિઓ વખતે પણ એડ્વાન્સ મળતા હતા.

સ્વતંત્રતા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને કાનૂની કાર્યવાહી માટે પણ એડ્વાન્સ મળતું હતું, જે અત્યાર સુધી જારી હતું, પરંતુ સરકારે હવે તે પણ બંધ કરી દીધાં છે. એ જ રીતે કેન્દ્રીય કર્મચારીઓને પત્રવ્યવહાર દ્વારા હિન્દીની તાલીમ પ્રાપ્ત કરવા માટે એડ્વાન્સ મળતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મહેકમ મંત્રાલયે આ અંગે થોડા સમય પૂર્વે આદેશ જારી કર્યા હતા, પરંતુ હવે વિભાગોએ તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મહેકમ મંત્રાલયે જણાવ્યું હતું કે સાતમા પગારપંચની ભલામણોને લાગુ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે અને પગારપંચે વ્યાજમુક્ત એડ્વાન્સ બંધ કરવા ભલામણ કરી હતી.

You might also like