ક્રિસ ગેલને મોટો ઝટકોઃ PSLમાં કોઈએ ફૂટી કોડી પણ આપી નહીં

લાહોરઃ વિન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન અને ટી-૨૦ ક્રિકેટમાં યુનિવર્સ બોસ કહેવાતા ક્રિસ ગેલને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન સુપર લીગમાં ગેલને એક પણ ફ્રેંચાઇઝી ટીમે ખરીદ્યો નથી. પીએસએલ માટે યોજાયેલી હરાજીમાં આ તોફાની બેટ્સમેન પર એક પણ ફ્રેંચાઇઝીએ બોલી લગાવી નહોતી. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી આ સ્ટાર ખેલાડી પોતાના નામને અનુરૂપ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે અને આને જ પીએસએલની હરાજીમાં ફ્રેંચાઇઝી દ્વારા ન ખરીદવાનું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.

ગેલે પીએસએલની બીજી સિઝનમાં લાહોર કલંદર્સ તરફથી પાંચ મેચમાં ૧૦૩ રન બનાવ્યા હતા. એ સિઝનમાં તેનું બેટ બહુ ચાલ્યું નહોતું. ૨૦૧૬માં તેણે કલંદર તરફથી પાંચ ઇનિંગ્સમાં ૬, ૦, ૩૭, ૦, ૬૦ રન બનાવ્યા હતા. ત્યાર બાદ કલંદર્સે તેને ટીમમાંથી હાંકી કાઢ્યો હતો. બીજી સિઝનમાં કરાચી તરફથી રમતા ક્રિસ ગેલે નવ મેચમાં ૧૬૦ રન બનાવ્યા હતા, જે બહુ જ ખરાબ પ્રદર્શન હતું.

ત્યાર બાદ તેની ટીમ કરાચી કિંગ્સે તેને રિલીઝ કરી દીધો હતો અને આ વર્ષે કોઈ ફ્રેંચાઇઝીએ તેને ખરીદવામાં રુચિ દેખાડી નહોતી. પીએસએલમાં કોઈ ખરીદાર નહીં મળતાં ગેલને મોટો ઝટકો લાગ્યો છે. આ સ્થિતિમાં હવે એ જોવું દિલચસ્પ બની રહેશે કે આગામી વર્ષે યોજાનારી આઇપીએલની હરાજીમાં તેને કોઈ ખરીદાર મળે છે કે નહીં.

You might also like