પરિજનોનો પ્રેમ જ નસીબમાં નહતો  

પાકિસ્તાનના સર્જક ગુજરાતી મોહમ્મદ અલી જીણાના એકમાત્ર વારસ દીના વાડિયાનું ૯૮ વર્ષની વયે નિધન થયું. દીનાનો ઉછેર, પિતા સાથેના સંબંધો રાજનેતાઓની પારિવારિક જટિલતાઓના ચિતારરુપ છે. કેવી રીતે? જોઈએ…

 

ગત અઠવાડિયે દીના વાડિયાનું ૯૮ વર્ષની વયે નિધન થયું. દીના પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણા અને રતિ પેટિટના એકમાત્ર સંતાન હતા. દીનાનો જન્મ થયો ત્યારે જીણા અને રતિનું દાંપત્ય જીવન ઠીક નહોતું ચાલતું અને એ કારણે દીનાએ ઘણી તકલીફો સહેવી પડી હતી. સન ૧૯૧૯ના ઑગસ્ટ મહિનામાં જીણા રતિને લઈને લંડન એક સંસદીય સમિતિ પાસે સુધારા માટે ગયા ત્યારે  ૧૪ ઑગસ્ટના દિવસે દીનાનો જન્મ થયો હતો. જીણાના મિત્ર સરોજિની નાયડૂએ લખ્યું છે કે રતિ તૂટેલી પતંગ જેવી દેખાતી હતી… તે બહુ ખુશ નહોતી દેખાતી…

દીના બે મહિનાની થઈ ત્યારે જીણા પરિવાર મુંબઈ પાછો ફર્યો અને દીનાને નોકરોને હવાલે કરી દીધી. જીણા રાજનીતિમાં વ્યસ્ત થઈ ગયા અને રતિ હૈદરાબાદમાં તેના મિત્રને મળવા જતી રહી. તે પોતાના કૂતરાને સાથે લઈ ગઈ, પરંતુ નવજાત પુત્રીને ત્યાં જ છોડી ગઈ. રતિને દીના પ્રત્યે લગાવ નહોતો. સરોજિનીના પુત્રી પદ્મજાએ તેની બહેનને તો લખ્યું હતું કે રતિ પ્રત્યે મને બહુમાન હોવા છતાં દીકરી પ્રત્યેનો તેનો વ્યવહાર જોઈને મને રતિ પ્રત્યે ભારે નફરત થાય છે. એ દીકરીનો મને જ્યારે વિચાર આવે છે ત્યારે થાય છે કે રતિને ઝુડી નાખું. જીણા દંપતિની દીકરી પ્રત્યે ઉદાસીનતાની હદ તો એ વાતથી સમજાય છે કે છ વર્ષની ઉંમર સુધી એનું નામ નહોતું પાડવામાં આવ્યું. એ પરિજનોના સાથ માટે એટલી તો ઝૂરતી હતી કે સરોજિનીની મોટી પુત્રી લીલામણી ઑક્સફર્ડમાંથી ભણીને આવી અને જીણાને ઘરે ગઈ અને દીનાને મળીને ઘરે જવા ઉઠી ત્યારે છ વર્ષની બેનામ અને પરિત્યક્ત બાળકી તેને ભેટી પડી અને ન જવા વિનંતી કરવા લાગી હતી.

ગૃહસ્થીમાં ભંગાણ સર્જાયા પછી એક વર્ષ બાદ ૧૯૨૯માં રતિનું મૃત્યુ થયું એ પછી દીનાને તેના નાની લેડી પેટિટના લાડ પ્રેમ મળ્યા. જીણા સાથે શાદીને લઈને માં-દીકરી વચ્ચે સંબંધ બગડ્યા હતા. રતિના મૃત્યુ પછી લેડીને લાગ્યું કે આ બાળકીની સ્થિતિ એક અનાથ કરતા પણ વધુ ખરાબ થઈ ગઈ છે અને તેણે શાળામાં દાખલ કરાવવામાં રસ લીધો. મોસાળ તરફથી મળેલા પ્રેમથી કૃતજ્ઞ જીણાની એકમાત્ર વારસ દીકરીએ પોતાના નામમાં નાનીનું નામ જોડવાનો નિર્ણય લીધો. તે પોતાને દીના કહેવડાવવાનું પસંદ કરતી હતી, દીના લેડી પેટિટનું પહેલાનું નામ હતું. જીણાએ દીકરી પ્રત્યેની માત્ર એક જ જવાબદારીનું વહન કર્યુ હતું, જીણા તેની બહેન ફાતિમાના વિરોધ છતાં દીનાનો ખર્ચ ઉઠાવતા હતા. દીનાના જીવનમાં પણ જીણાએ માત્ર એક જ વાર દખલ કરી હતી, જ્યારે દીના નેવિલ વાડિયા સાથે શાદી કરવા માંગતી હતી ત્યારે. ટેક્સટાઇલ મિલોના માલિક વાડિયાની પતિ તરીકે દીનાએ યોગ્ય જ પસંદગી કરી હતી પરંતુ જીણાનો વિરોધ એ વાતે હતો કે વાડિયા મુસલમાન નહોતા. મુસલમાનો માટે અલગ પાકિસ્તાન બનાવવા બે રાષ્ટ્રનો સિદ્ધાંત રજૂ કરી ચૂકેલા જીણાનું એકમાત્ર સંતાન બિનમુસ્લિમ યુવકને પરણે તેને લઈને જીણા શરમ અનુભવતા હતા. કરીમ છાગલાએ જીણા પર લખેલા પુસ્તક પ્રમાણે, જ્યારે પિતાને દીનાએ નેવિલ સાથે શાદી કરવાની વાત કરી તો જીણા નારાજ થઈ ગયા અને સવાલ પૂછ્યો, ‘આટલા બધા મુસ્લિમને છોડીને તને એ એક પારસી જ પસંદ પડ્યો?’ જેનો દીનાએ જવાબ આપતા કહ્યું, ‘આ દેશમાં હજારો મુસ્લિમ છોકરીઓ હતી તોપણ તમને શાદી કરવા માટે મારી મા જ મળી?’ આ જવાબ સાંભળીને જીણાનું મોઢું સિવાઈ ગયું. જોકે રાજનીતિમાં નુકસાન ખાળવા જીણાએ ધમકી સુદ્ધા આપી દીધી હતી કે દીના વાડિયા સાથે શાદી કરશે તો તેઓ તેમની સાથેના બધા સંબંધ તોડી નાખશે. દીનાએ બાપની ધમકી સામે ઝૂકવાને બદલે ચાલતી પકડી, નાનીના ઘેર. વાડિયા સાથે લગ્ન થઈ ગયા ત્યાં સુધી તે લેડી પેટિટને ઘેર રહી. 

વાડિયા સાથે લગ્ન પછી થોડા વર્ષો સુધી તો બંને વચ્ચે બોલવાનો પણ સંબંધ નહોતો. એ પછી સમાધાન થયું તો પણ બંને વચ્ચેના સંબંધો નિષ્પ્રાણ જ રહ્યા. જીણા કદીક દીનાને ચિઠ્ઠી લખતા અને મોટેભાગે તેની હાજરીને પણ નજરઅંદાજ કરતા. પિતાનું ઋક્ષ વર્તન અને ફૂઈ ફાતિમાના સખત વિરોધ છતાં, જીણાના મરણ પર્યત દીના પિતાને મળવાની કોશિશો કરતા રહ્યા. જીણા મરણને શરણ હતા ત્યારે દીનાની વિઝાની અરજી ઠુકરાવી દેવાઈ અને એની અંતિમક્રિયા સમયે જ પરવાનગી મળી.

દીના માત્ર બે વાર પાકિસ્તાન ગયા હતા. તેમણે જીણાના મકબરે રજિસ્ટરમાં લખ્યું કે… એ દેશમાં જેને તેમના પિતાએ આપબળે બનાવ્યો હતો, તે દેશમાં હોવું તેમના માટે દુઃખદ અને અદ્ભુતક્ષણો હતી. રાજનેતાઓની ખોખલી ધારણાઓ પ્રમાણે તેમના સંતાનો અને પરિવારજનોએ ચાલવાની ફરજ પડે છે. એમ ન કરનારાએ આકરી કિંમત ચૂકવવી પડે છે. એના ઉદાહરણરુપે બંને રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાના સંતાનોના દાખલા મોજૂદ છે.

આ રાજનાયિકો એ ભૂલી જાય છે કે એક કાળે પોતે કેટલી વૈચારિક સ્વતંત્રતા માણી હતી. ૧૯૧૬માં જીણાએ ક્લાયન્ટ અને મિત્ર સર દિનશા પેટિટને મુંબઈની ગરમીથી બચવા દાર્જિલિંગ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યાં તેની મુલાકાત દિનશાની ૧૬ વર્ષની પુત્રી રતિ સાથે થઈ. રતિની ગણના મુંબઈની સૌથી ખૂબસૂરત છોકરીઓમાં થતી હતી. એ વખતે ૪૦ વર્ષના જીણાએ રતિના પ્રેમમાં પડવામાં કોઈ વાંધો નહોતો જોયો. જીણાએ પોતાની ઉંમરથી ૨૪ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા એ વાતે આખા ભારતને ઝટકો લાગ્યો હતો. પ્રેમસંબંધોની બાબતમાં જીણા ગાજ્યા જાય એવા નહોતા. સરોજિની નાયડૂ પણ જીણાના પ્રશંસક હતા અને ૧૯૧૬ના કૉંગ્રેસ અધિવેશન દરમિયાન તેમણે જીણા પર એક કવિતા પણ લખી હતી. જીણાની જીવની લખનાર હેક્ટર બોલિથોએ લખ્યું છે કે મુંબઈની નાઇટિંગલ તરીકે ઓળખાતી સરોજિનીને પણ જીણા સાથે પ્રેમ હતો, પણ જીણાએ તેના પ્રેમગીતનો રિસ્પોન્સ ન આપ્યો. બહુ ઓછા લોકો જાણે છે કે લંડનમાં અભ્યાસ દરમિયાન જીણા સેક્સપિયરના પાત્ર રોમિયોની ભૂમિકા નિભાવવા ઉત્સુક રહેતા હતા.

જીણા અને દીનાના અવસાન પછી ભારતમાં રહી ગયેલી જીણાની વસ્તુઓ ઉપર નજર નાખીએ. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે એક કરોડથી વધુ લોકો બેઘર થઈ ગયા અને જીણા પાકિસ્તાન જતા રહ્યા. પરંતુ જીણાની એક ખાસ ચીજ અહીં રહી ગઈ. એ હતી મુંબઈમાં જીણાનો બંગલો. આ બંગલાને લઈને પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ૭૦ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. દીના વાડિયાએ પણ તેના ઉપર પોતાનો માલિકી હક્ક બતાવ્યો હતો. મુખ્યમંત્રીના બંગલાની એકદમ સામેનો જીણા હાઉસ નામનો આ બંગલો અત્યારે તો વિરાન પડ્યો છે અને ભારત સરકારનો એના પર કબ્જો છે. મુંબઈના સ્થાનિક રાજનેતા અને રિઅલ એસ્ટેટ કારોબારી જીણાના બંગલાને પાડવાની ચળવળ ચલાવી રહ્યા છે. જીણાને મુંબઈ નગરી બહુ ગમતી હતી. ઇંગ્લેન્ડથી પાછા ફરીને તેઓ અહીં જ રોકાઈ ગયા હતા. દીના વાડિયાના મુકદ્દમા વખતે વિદેશ મંત્રાલયે કોર્ટને કહ્યું હતું કે જીણાએ આ ઘર વસિયતમાં તેની બહેન ફાતિમાના નામે કરી દીધુ હતું.

૨૦૦૭માં પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે જીણા હાઉસ પર પોતાના દેશ તરફથી દાવો માંડ્યો હતો. મુશરફની યોજના તેમાં વાણિજ્ય દુતાવાસ ખોલવાની હતી. એ જ વર્ષે દીના વાડિયાએ બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાનો દાવો રજૂ કર્યો હતો. દીનાનો દાવો હતો કે એકમાત્ર વારસ હોવાના કારણે બંગલો તેમને મળવો જોઈએ. દીનાએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે આ બંગલો તેમની બાળપણની યાદો સાથે જોડાયેલો છે અને તે પોતાના અંતિમ દિવસો તેમાં વિતાવવા માંગે છે. દીનાના દાવા પ્રમાણે, તેમના પિતાએ કોઈ વસિયત નહોતી લખી.

You might also like