ચાલો ખીચડી પકાવીએ…

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ૨૦૧૭ પહેલાં વાત ફેલાઈ કે ખીચડીને સરકાર રાષ્ટ્રિય ફૂડ જાહેર કરવાનું વિચારી રહી છે. આ ચર્ચાને એવી તો પાંખો ફૂટી કે પક્ષ-વિપક્ષે બિચારી ખીચડીનું કચુંબર કરી નાખ્યું. હાલ તો ખીચડીને રાષ્ટ્રિય ફૂડનો દરજ્જો આપવાની કોઈ યોજના નથી. ખીચડી રાષ્ટ્રિય ફૂડ બને કે ન બને, તે હજારો વર્ષોથી ભારતીય રસોડાની રાણી બની બેઠી છે નિર્વિવાદ…………

 

ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વિદેશી મુડી રોકાણ આકર્ષવા જાણીતા શેફ સંજીવ કપુર સહિતના ૫૦ રસોઈયાએ મળીને ગત અઠવાડિયે ૯૧૮ કીલો ખીચડી પકાવી અને બાબા રામદેવે તેનો વઘાર બનાવ્યો. એ સાથે જ એકાએક ખીચડી લાઇમ-લાઇટમાં આવી ગઈ. ઘણી ગ્રામીણ પ્રજા લાડથી ખીચડીને સેલીકહે છે. ખીચડી રાંધવી માથાકૂટ વગરની અને સહેલી હોવાથી તેને આ સેલીનું તખલ્લુસ મળ્યુ છે. સાવ ગરીબના રસોડામાં હાંલ્લાકુસ્તી કરતા ત્યારે પણ ચપટીક ચોખા અને મગ મળી રહેતા. મરચું, ધાણાજીરુ, તેલ… કાંઈ ન હોય તો પણ ચોખા અને મગને સહારે ખીચડી બની જાય અને પરિવાર ટેસથી છાસ ભેળવેલી એ ખીચડીના સબડકા લેતો, જાણે કે બત્રીસ પકવાન જમતો હોય એવા સંતોષથી જમી લે. ખીચડીના તે કેમ કરીને વખાણ કરવા? ભારતવર્ષમાં પુરાણકાળથી અત્યાર સુધી કઈ રસોઈએ સૌથી વધુ ભુખ્યાજનોની આંતરડી ઠારી છે? પ્રશ્નનો જવાબ પળનોય વિલંબ કર્યા વગર આપી શકાય, ખીચડી. આઝાદી સમયે તો આ બેહાલ દેશની અડધોઅડધ કરતા વધુ વસ્તીનું પેટ ખીચડી ઠારતું. ભારત તો પ્રતીકોના પૂજનનો દેશ છે, જેમ જિહ્વાની દેવી સરસ્વતી છે એમ જઠરની દેવી તરીકે ખીચડીની સ્થાપના કરી શકાય. ઘરમાં ખીચડી પણ ન હોવી એ દરિદ્રતાની અવધી છે. એટલે જ ગામડાઓમાં કોઈને તેની ગરીબાઈનું ભાન કરાવવા માટે વાક્ય પ્રયોગ થાય છે કે ખાવા ખીચડી નથી રહી, હવે તોે વાતોના વડા કરવાનું બંધ કર.આજે પણ ખરું ભારત ગામડામાં શ્વસે છે અને આખા ભારતના ગામડાઓનું રાત્રિનું મુખ્ય ભોજન ખીચડી છે. ગામડાના ગલઢેરાઓના મોઢે સાંભળેલું છે કે આજથી પચાસ-સાંઠ વરસ પહેલા ગામડામાં લગ્ન કરવા આવેલી જાન ૪-૫ દિવસ અને ક્યારેક તો અઠવાડિયુ સુધી રોકાતી. જાનૈયાઓ માટે બધા દિવસનું ભોજનનું મેનૂ ફિક્સ રહેતું- ખીચડી, ગોળ અને ઘી. ખીચડીનું ખામણુ(ગોળ કુંડાળુ) કરીને તેમાં પાશેર ઘી નાખીને કિલો-બબ્બે કિલો ખીચડી ખાનારા એ તો ગયા, રહી છે તો માત્ર યાદો.

ખીચડી ગરીબની બેલી છે. ખીચડી બગડેલા શરીરની દવા છે. ખીચડી નંબર વન સાત્વિક ભોજન છે. ધીમા તાપે લચીલી પાકેલી વ્યંજનો વગરની સાદી ખીચડીના સ્વાદ આગળ ભલભલા ભોજનના સ્વાદનો પનો ટૂંકો પડે છે. કદીક આપા ગીગાની જગ્યાનો ખીચડો કે રુપાલની પલ્લી વખતે મંદિરની ખીચડી કઢી ખાઈ જોજો. આખું વર્ષ સ્વાદ દાઢે વળગેલો રહેશે. અન્ય ભોજનનો એક દુર્ગુણ છે કે તે જો વધુ માત્રામાં આરોગવામાં આવે તો પેટ ખરાબ કરે, રાત્રે ઉંઘવા ન દે. ખીચડી ઓછી ખાવ, માપમાં ખાવ કે વધુ ખાવ, તે વાયડી નથી પડતી. બીમાર માટે તેલ અને મસાલા વગરની સાદી ખીચડી સંપૂર્ણ ભોજન ગણાય છે. જેમણે વધુ પ્રવાસ કરવો પડતો હોય અને શારીરિક શ્રમવાળું કામ ઓછું હોય તેમણે ખીચડી રોજ ખાવાથી તબિયત સારી રહે છે. એટલે જ આપણા વડાપ્રધાન મોદી વાળુંમાં ખીચડી ખાઈને થાક્યા વગર ૧૬-૧૮ કલાક કામ કરી શકે છે. 

રજવાડાની શાહી રસોઈમાં ખીચડીને સ્થાન નથી મળ્યુ તો પણ રાજપરિવારમાં કોઈ બીમાર પડતું ત્યારે હળવા ભોજન રુપે ખીચડી બનાવવામાં આવતી. જોકે ટ્રાવેલ રાઇટર ધર્મેન્દ્ર કંવરના કહેવા પ્રમાણે, જહાંગીરને ખીચડી બહુ ભાવતી અને તે અલગ અલગ પ્રકારની ખીચડી બનાવડાવતો હતો તો પણ તેના રાજમાં પણ ખીચડી શાહી દાવતનો હિસ્સો નહોતી બની. 

બે જણા અંદરોઅંદર ખુસરપુસર કરતા હોય અને ત્રીજું આવી જાય તો મોટે ભાગે એનો સવાલ એવો હોય છે, ‘શું ખીચડી પકાવો છો?’ ખીચડી ઘણી રીતે બદનામ પણ થઈ છે. ફૂડ ક્રિટિક અને ઇતિહાસકાર પુષ્પેશ પંત કહે છે કે શાહજાદો સલીમ ખીચડી પ્રેમી ગુજરાતને જીતીને આગરા પાછો ફર્યો ત્યારે બાદશાહ અકબરે શાહી લજીજિયા નામની માંસાહારી ખીચડી બનાવડાવીને સલીમનું સ્વાગત કર્યુ હતું. પુષ્પેશ પંતનું કહેવું છે કે ખીચડીને રાષ્ટ્રીય ખોરાક કે બ્રાન્ડ તરીકે અધિકારિક જાહેર કરવાની કોઈ જરુર નથી. ખીચડી આમ પણ દેશમાં બહુ લોકપ્રિય છે. વૈદિક સાહિત્યમાં તેનો ઉલ્લેખ ક્ષિરિકા નામે મળે છે અને  આજથી હજાર વર્ષ પહેલા પણ ખીચડી જનસામાન્યનું ભોજન ગણાતું હતું. અલ બરુનીએ કિતાબ ઉલ હિંદમાં આ જ વાત લખી છે. મધ્ય કાળમાં મોરોક્કોના યાત્રી ઇબ્ન બતૂતાએ લગભગ ૧૩૫૦માં તેની ભારત યાત્રા વખતે ખીચડીનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેણે ખીચડી ચોખા અને દાળમાંથી બનાવવાની વાત લખી છે. મુગલ કાળમાં અબુ ફઝલે આઇને અકબરીમાં ખીચડીના ૭ પ્રકારના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. આપણા ઉપર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે ગોરા સાહેબો ખુદ ખીચડીના દીવાના બની ગયા હતા. તેઓ ખીચડી નાસ્તામાં ખાતા હતા મસાલેદાર માછલી નાખીને. એંગ્લો મિશ્રણવાળી બ્રિટિશ કાળની ખીચડી કુશારીથી પ્રેરિત હતી.

ખીચડી ઉપર કંઈ એકલો આપણા દેશનો જ ઇજારો નથી. વિદેશીઓને પણ ખીચડી દાઢે વળગી છે. ઇજિપ્ત, સ્પેન અને ઇટાલી જેવા દેશોમાં પણ ખીચડીના અલગ-અલગ અવતારો લોકપ્રિય છે. ઇટાલીમાં ખીચડીને રિસોતો કહે છે. માછલી, માંસ, શાકભાજી અને ક્રીમની ગ્રેવીમાં ચોખા નાખીને તૈયાર કરેલો રિસોતો માખણ સાથે પીરસવામાં આવે છે. સ્પેનમાં ખીચડીને પાએલા કહે છે. ચોખા, ચિકન, માછલી, લીલી શાકભાજી, કેસર અને રોજમેરીમાંથી બનાવેલા પાએલાને ઘણા સ્પેનિશ રાષ્ટ્રીય પકવાનનો દરજ્જો આપે છે. ઇજિપ્તમાં ૧૯મી સદીમાં અસ્તિત્વમાં આવેલો કોશારી નામનો ખીચડીનો પ્રકાર ચોખા, મેક્રોની, દાળમાંથી બને છે. તેમાં તળેલી ડુંગળી, ચણા, ટામેટા સોસ અને લસણનો વિનેગાર પણ મેળવવામાં આવે છે. 

ખીચડીનું સંસ્કૃત નામ છે ખિચ્ચા. બાળકોના ખાવાની શરુઆત જ ખીચડીથી કરાવવામાં આવે છે.  ડોન્ટ ડાયટ! ૫૦ હેબિટ્સ ઓફ થિન પિપલ્સની લેખિકા ન્યૂટ્રિશનિસ્ટ કવિતા દેવગણના કહેવા પ્રમાણે, વર્તમાન યુગમાં ફાસ્ટ ફૂડના ચલણમાં આપણે ખીચડીને મહત્વ આપીએ તો સ્વસ્થ ભારતની કલ્પના સાકાર થઈ શકે છે. ખીચડીના આરોગ્ય સંબંધિત ઘણા ફાયદાઓ પણ છે.

આપણે ચોખા અને મગને રાંધીને બનાવેલી ખીચડીને મૂળ ખીચડી તરીકે ઓળખીએ છીએ પરંતુ ખીચડી અનેક સ્વરુપા છે. ભારતના લગભગ દરેક પ્રાંતમાં ખીચડી મળી રહે છે પણ પ્રદેશ બદલાતા તેનું સ્વરુપ બદલાય છે. દરેક પ્રદેશમાં પાકતું મુખ્ય ધાન્ય ખીચડીનો હિસ્સો બની જાય છે. જેમકે રાજસ્થાનના મારવાડ ક્ષેત્રમાં બાજરો પાકે છે તો ત્યાં બાજરાની ખીચડી બનાવવામાં આવે છે. મેવાડમાં મકાઈ પાકે છે તો ત્યાં મકાઈની ખીચડી બને છે. પ્રદેશ પ્રમાણે એને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. જેમકે પશ્ચિમ બંગાળમાં તેને ખીચુરી, કર્ણાટકમાં બિસિબેલ ભાત અને તામિલનાડુમાં પોંગલ કહે છે. ખીચડીને અલગ અલગ વ્યંજનો સાથે ખાવામાં આવે છે. ગુજરાતમાં તેને હળવી મસાલેદાર કઢી સાથે ખાવામાં આવે છે તો હિમાચલમાં રાજમા અને છોલે સાથે પીરસવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં આંબળા ખીચડી બને છે તેને ચોખા, કાળી દાળ અને આંબળા સાથે ખાસ કરીને મકરસક્રાંતિના દિવસે બનાવવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં ખીચડીને બાલી કહે છે અને તે ચોખા, કાળા ચણા, રાજમા અને છાસમાંથી બને છે દેશી ઘી અને ભુંજેલા ધાણાના તડકાથી તેના સ્વાદમાં વૃદ્ધિ થાય છે. પશ્ચિમ બંગાળની ચોખા અને મગની દાળમાંથી બનેલી ખીચુડી સ્વાદમાં થોડી મીઠી હોય છે. લોકો તેને રિંગણની ભાજી અને લીલા શાક સાથે ખાવાનું પસંદ કરે છે. કર્ણાટકની બિસીબેલે ભાત નામની ખીચડી દાળ, ચોખા, મૌસમી શાકભાજી અને આંબલીમાંથી બને છે. જીરુ, લવિંગ, એલચી, ધાણા અને નાળિયેરના ટોપરાનો એને તડકો અપાય છે. ઉત્તર ભારતમાં તો એક કહેવત પણ છે કે ખીચડી કે ચાર યાર- દહીં, પાપડ, ઘી ઔર અચાર.

ખીચડી પર ઘણી કહેવતો બની છે. જેમકે દોઢ ચોખાની ખીચડી પકાવવી. અર્થાત કે કોઈ વ્યક્તિ બધાની સાથે કામ ન કરતા બધાથી અલગ કરે તો તેને કહેવાય છે કે એ તો દોઢ ચોખાની ખીચડી પકાવી રહ્યો છે. પોતાની ખીચડી અલગ પકાવવી કહેવત જે વ્યક્તિ બધાથી નોખો રહેતો હોય તેમના માટે વપરાય છે. બિરબલની ખીચડી કહેવત ન થઈ શકે તેવા કામને પાર પાડવાની બાંહેધરી આપનાર માટે વપરાય છે. કોઈ ષડયંત્ર રચતું હોય તો તેને માટે ખીચડી પકાવે છે એવી કહેવત છે.

ખીચડી રાષ્ટ્રીય પકવાન જાહેર થાય કે ન થાય, હાલ તો હંમેશાં અણમાનીતિ રાણી બની રહેલી ખીચડીનું મહાત્મ્ય ગવાયું એટલાથી જ ખીચડી તો રાજીના રેડ થઈ ગઈ છે.

You might also like