ટૉઈલેટનો ટાર્ગેટ કેટલે પહોંચ્યો ?

આ વર્ષે બીજી ઑક્ટોબરના રોજ વડાપ્રધાને શરુ કરેલ સ્વચ્છ ભારત અભિયાનને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. વડાપ્રધાનનું લક્ષ્યાંક છે કે, વર્ષ ૨૦૧૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દેશના દરેક ઘરમાં શૌચાલય હોય. જો કે અત્યાર સુધીની પ્રગતિનો ગ્રાફ જોતા ૨૦૧૯ તો ઠીક એક દાયકામાં પણ ધાર્યો લક્ષ્યાંક પાર પાડી શકાય તેમ નથી. વર્લ્ડ ટૉઈલેટ ડે પર જાણીએ દેશભરમાં શૌચાલયની સ્થિતિ…..

 

અક્ષયકુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ટૉઈલેટ-એક પ્રેમકથા જોઈ હશે તો એ દૃશ્ય જરુર યાદ હશે. ફિલ્મની શરુઆતમાં જ વહેલી સવારે મહિલાઓ હાથમાં લોટા લઈને કુદરતી હાજતે જવા નીકળે છે. જાતભાતની વાતો કરતું આખું ટોળું ગામબહાર નીકળીને જેવું હાજતે બેસે છે ત્યાં જ તેમની નજીકથી પસાર થતા ટ્રેક્ટરની લાઈટ તેમના પર પડે છે અને સૌ કોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આ કિસ્સો ભલે એક ફિલ્મમાં કહેવાયો હોય પણ તે ગ્રામીણ ભારતમાં રોજનું છે. એમ કહો કે, તે દૃશ્ય સમગ્ર ગ્રામીણ ભારતની મહિલાઓની સમસ્યાને વાચા આપે છે. ફિલ્મમાં આવા તો બીજા પણ કેટલાક હૃદયસ્પર્શી દૃશ્યો છે પણ આપણે અહીં એ ફિલ્મના અનુસંધાને ભારતમાં શૌચાલયની પ્રવર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવાની છે.

સ્વચ્છ ભારત દ્વારા જ દેશ ૨૦૧૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પર તેમને સર્વોત્તમ અંજલિ આપી શકે છે” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઑગસ્ટના પોતાના પ્રથમ ભાષણમાં સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરતા ઉપર મુજબના શબ્દો ઉચ્ચાર્યા હતા. જે અંતર્ગત ૨૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાન એક રાષ્ટ્રીય આંદોલન સ્વરુપે શરુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનનો ટાર્ગેટ છે કે ૨૦૧૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિની ઉજવણી નિમિત્તે દેશનું એકેય ઘર શૌચાલય વિહોણું ન રહે. આ માટે તેમણે મહાત્માના સત્યાગ્રહીની તર્જ પર સ્વચ્છાગ્રહીશબ્દ આપ્યો હતો. કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે કે બીજી ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં અંદાજિત રૃ. ૧.૯૬ લાખ કરોડના ખર્ચે દેશભરમાં ૧.૨ કરોડ શૌચાલયો તૈયાર કરીને ભારતને ખુલ્લામાં શૌચમુક્ત કરવું.

વાત માત્ર શરમની નથી………….
ભારત માટે આખી બાબત વધારે શરમજનક એટલા માટે છે કે આપણે શૌચાલયના મામલે વિશ્વના અતિપછાત દેશોથી પણ ક્યાંય પાછળ છીએ. દુનિયાના કોઈપણ દેશ કરતા ભારતમાં શૌચાલય વિનાના ઘરો વધુ છે. દેશની ૬૫ ટકાથી જેટલી વસ્તી જ્યાં વસે છે તે ગ્રામીણ ભારતમાં આજે પણ મહિલાઓ ખુલ્લામાં શૌચ જવા મજબૂર છે. ત્યાં મહિલાઓએ શૌચ જવા માટે અંધારું થવાની રાહ જોવી પડે છે. શરમની મારી તે દિવસે ખુલ્લામાં જઈ શકતી નથી. પરિણામે તેમણે અનેક યાતનાઓ ભોગવવી પડે છે. અનેક મહિલાઓ, યુવતીઓ તેના કારણે શારીરિક સમસ્યાઓનો ભોગ બને છે. શાળાઓમાં છોકરીઓ માટે અલગ ટૉઈલેટની અપૂરતી વ્યવસ્થાના કારણે તેમણે અધવચ્ચે ભણતર છોડી દેવું પડે છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું રહે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દરરોજ એક લાખ ટન માનવમળ ખુલ્લામાં નીકળે છે જે જળસ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. યુનિસેફના રિપોર્ટ મુજબ એક ગ્રામ મળમાં અંદાજે એક કરોડ વિષાણુ, એક લાખ જીવાણું અને ૧૦૦ પરોપજીવી ઈંડા મળી આવે છે. કેન્દ્રિય પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના અંદાજ મુજબ દેશનું ૭૫ ટકા ભૂગર્ભ જળ માનવમળ, ખેતી અને ઉદ્યોગોમાંથી નીકળતા કચરાને કારણે પ્રદૂષિત થઈ જાય છે.

ભારત માટે શરમથી માથું ઝૂકી જાય તેવી બાબત એ છે કે, વિશ્વમાં કુલ ૯૫ કરોડ લોકો ખુલ્લામાં શૌચ જાય છે જેમાંના ૬૦ ટકા(૫૬.૭૦ કરોડ લોકો) ભારતીય છે. આ મામલે ભારત આફ્રિકા ખંડના અતિ ગરીબ દેશો નાઈજીરિયા(૨૫ ટકા), ઈથિયોપિયા(૨૯ ટકા), કોંગો(૧૦ ટકા)થી પણ ક્યાંય પાછળ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૫૦ ટકા ભારતીયો ખુલ્લામાં શૌચ કરે છે. ગ્રામીણ ભારતમાં આ આંકડો ૬૭ ટકા જેટલો ઉંચો છે. મામલો જો કે માત્ર શરમ અને આરોગ્યને લગતો જ નથી. તેના કારણે થતું આર્થિક નુકસાન પણ ઘણું મોટું છે. એક રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૫માં શૌચાલયની સુવિધા ન મળવાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને રૃ.૧૪.૯૦ કરોડનું નુકસાન થયું હતું. આ નુકસાન પૈકી ૭૭ ટકા બોજો એશિયા-પેસિફિક દેશો પર પડ્યો હતો. એ રીતે જોઈએ તો પણ ભારતે સૌથી વધુ નુકસાન વેઠવું પડે છે. વર્ષ ૨૦૧૫માં આ જ કારણે ભારતના જીડીપીને અંદાજે રૃ.૭.૧૩ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ આંકડો દેશના આરોગ્ય બજેટ કરતા ૧૯ ટકા વધુ હતો.

લક્ષ્યાંક સુધી પહોંચવા દર સેકન્ડે એક શૌચાલય બનાવવું પડે !…………….
એ જાણવું રસપ્રદ છે કે, વડાપ્રધાને આપેલા ટાર્ગેટમાં આપણે છેલ્લા બે વર્ષમાં કેટલી પ્રગતિ કરી છે. શું ૨૦૧૯ સુધીમાં દરેક પરિવારને શૌચાલય પુરું પાડવાના લક્ષ્યમાં સફળતા મળશે ખરી? વિખ્યાત પર્યાવરણ મેગેઝિન ડાઉન ટુ અર્થનો ૨૦૧૬નો એક સર્વે કહે છે કે, ઑક્ટોબર ૨૦૧૯નો ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારે આગામી ૩૬ મહિનામાં ૮ કરોડ ૨૪ લાખ શૌચાલય બનાવવા પડે. જો સરકાર દિવસ-રાત કામ કરે તો પણ આગામી ૩૬ મહિનામાં પ્રતિ કલાકે ૩૧૭૯ શૌચાલય અથવા પ્રતિ સેકન્ડ એક શૌચાલય તૈયાર કરવું જરુરી છે. ગત વર્ષના શૌચાલય નિર્માણના આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, સરકાર ૨૦૧૯ના ટાર્ગેટને પહોંચવામાં અસફળ રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં કુલ ૧.૨૬ કરોડ શૌચાલયો તૈયાર થયા હતા. એ ગતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌને શૌચાલયનો ટાર્ગેટ વર્ષ ૨૦૨૨માં પૂરો થાય. એટલે કે ૨૦૧૯ની નક્કી સમયમર્યાદા કરતા ત્રણ વર્ષ પછી.

આ લખાઈ રહ્યું છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાનની કેન્દ્ર સરકારની ઑફિશિયલ વેબસાઈટ પર પ્રતિ સેકન્ડે આંકડાઓ અપડેટ થઈને સામી આવી રહ્યાં છે. જે અંતર્ગત ૨, ઑક્ટોબર ૨૦૧૪થી અત્યાર સુધીમાં(૩ નવે.૨૦૧૭, સાંજના ૫ઃ૩૦ સુધી) દેશભરમાં ૫,૨૫,૩૭,૮૩૯ પરિવારોને શૌચાલય બાંધી અપાયા છે. સરકારના મતે સ્વચ્છ ભારત અભિયાન પહેલા એટલે કે બીજી ઑક્ટોબર ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૩૮.૭૦ ટકા પરિવારો પાસે જ સ્વતંત્ર ટૉઈલેટ હતા. જે આ લખાઈ રહ્યું છે ત્યારે વધીને ૭૦.૮૯ ટકા થયો છે. ૨૦૧૫-૧૬માં જ્યાં ૪૭,૧૪૧ ગામો ખુલ્લામાં શૌચમુક્ત હતા, જે હવે વધીને ૨,૬૯,૭૭૫ થયા છે. આ જ સમયગાળામાં જ્યાં દેશભરમાં માત્ર ૫ાંચ જિલ્લા ખુલ્લામાં શૌચમુક્ત હતા તે વધીને હવે ૨૨૭ થયા છે. ૨૦૧૪ અગાઉ એક પણ રાજ્ય પૂર્ણપણે ખુલ્લામાં શૌચમુક્ત હોય તેવી પણ કલ્પના નહોતી, જ્યારે આજે કેરળ, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને સિક્કિમ એમ સાત રાજ્યો સો ટકા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે.

યોજનાઓ બદલાઈ, લક્ષ્યાંકો ઠેરના ઠેર……………..
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ પ્રચાર અભિયાન તેજ થવાથી લોકો સ્વચ્છ ભારત અભિયાન વિશે જાણતા થયા છે. જો કે આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના અભિયાનો શરુ કરાયા હતા. દેશમાં સૌ પ્રથમ ૧૯૮૬માં કેન્દ્રિય ગ્રામીણ સ્વચ્છતા અભિયાનશરુ થયેલું. જેમાં લોકભાગીદારી જરાય નહોતી. સરકારી ખર્ચે લોકોને ટૉઈલેટ ઉપલબ્ધ કરાવવાની યોજના હતી. ૧૯૯૩માં સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો. જો કે ૧૫ વર્ષ સુધી અભિયાન ચાલવા છતા સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં. ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયનો ઉપયોગ માંડ ૨૨ ટકા હતો. સામે આ મિશન અંતર્ગત ૧૯૯૦ થી ૧૯૯૮ સુધીના ગાળામાં કુલ ૬૬૦ કરોડ રૃપિયા ખર્ચાયા અને માંડ ૯૦ લાખ શૌચાલય બની શક્યા.

ગ્રામીણ સ્વચ્છતા અભિયાનના ફિયાસ્કા બાદ સરકારે વર્ષ ૧૯૯૯માં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શરુ કરેલું. જે અંતર્ગત વર્ષ ૨૦૧૭ સુધીમાં દેશમાં ખુલ્લામાં શૌચપ્રથા બંધ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો હતો. આ પહેલો એવો કાર્યક્રમ હતો જેમાં લોકભાગીદારીને પણ મહત્વ આપવામાં આવ્યું. સાથે જ શૌચાલય મુદ્દે લોકજાગૃતિ આવે તેના પર ભાર મુકાયો હતો. સાથે જ અભિયાનને ટેકો મળે તે માટે વર્ષ ૨૦૦૩માં નિર્મળ ગ્રામ પુરસ્કારની પણ શરુઆત કરાઈ.  જે અંતર્ગત ખુલ્લામાં શૌચમુક્ત ગામ, તાલુકાજિલ્લા અને રાજ્યોને પુરસ્કાર આપવામાં આવતો હતો. શરુઆતમાં તેની સારી એવી ચર્ચા પણ થઈ. પરંતુ અનેક ગ્રામ પંચાયતો પુરસ્કાર મેળવ્યા બાદ બેદરકાર થઈ ગઈ અને સ્થાનિકો ફરી ખુલ્લામાં શૌચ જવા માંડ્યા. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના વર્ષ ૨૦૧૪ના રિપોર્ટ પ્રમાણે નિર્મળ ગ્રામ પુરસ્કાર મેળવનારા ૩૦ ટકા ગામો ફરીથી ખુલ્લામાં જતા થઈ ગયા હતા.

વર્ષ ૨૦૧૨માં વધુ એક પરિવર્તન આવ્યું અને સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનની જગ્યા નિર્મળ ભારતઅભિયાને લઈ લીધી. ઉદ્દેશો એ જ રહ્યાં પણ સમયમર્યાદા વધારીને ૨૦૨૨ કરી દેવાઈ. મોદી સરકારે આ જ યોજનાનું નામ બદલીને સ્વચ્છ ભારત અભિયાનરાખી દીધું. આનો ઉદ્દેશ માત્ર ટૉઈલેટ નિર્માણ નહીં પરંતુ, સ્વચ્છતા જાળવી રાખવામાં ઉપયોગી ટેકનોલૉજી, લોકભાગીદારી અને સૂકાં-ભીનાં કચરાંના યોગ્ય નિકાલ પર પણ છે.

મોદી સરકાર અગાઉ મનમોહનસિંહની સરકારે દરેક ઘરમાં શૌચાલય તૈયાર કરવા માટે ૩૧ માર્ચ ૨૦૧૨નો લક્ષ્યાંક રાખ્યો હતો. એ વખતે તો ત્યાં સુધી ચર્ચા થતી હતી કે જો નિયમ સમય મર્યાદામાં શૌચાલયોનું નિર્માણ થઈ જશે તો પછી શૌચાલય તૈયાર કરી આપતી અન્ય સરકારી યોજનાઓનો વીંટો વાળી દેવામાં આવશે. જો કે ૨૦૧૦ સુધીમાં જ અંદાજ આવી ગયો કે લક્ષ્યાંક નિયમ સમયમર્યાદામાં કોઈ કાળે પૂર્ણ થાય તેમ નથી. એ સમયે પણ પ્રતિ સેકન્ડે એક ટૉઈલેટ તૈયાર કરવાનું હતું અને સરકાર તેમાં સરેઆમ ઉણી ઉતરી હતી. જો કે ક્ષોભજનક સ્થિતિ તો ત્યારે પેદા થઈ જ્યારે ભારત સંયુક્ત રાષ્ટ્રો દ્વારા નક્કી કરાયેલ નિમ્નતમ વિકાસ લક્ષ્યાંક(મિનિમમ ડેવલપમેન્ટ ગોલ- એમડીજી) પણ ચૂકી ગયો. એ કાર્યક્રમ અંતર્ગત ૨૦૧૫ના અંત સુધીમાં દેશની અડધી વસ્તીને શૌચાલય પૂરાં પાડવાના હતા.

છેલ્લા ૧૫ વર્ષમાં જો કે ટૉઈલેટ નિર્માણમાં ઘણી સફળતા પણ મળી છે. છતાં દરેક વખતે લક્ષ્યાંક પાર ન પડવાથી સરકારી તિજોરી પર પડનારો જંગી બોજ સરકારી બાબુઓની ખોરી દાનતની પણ ચાડી ખાય છે. કરોડો રુપિયા ખર્ચવા છતા ધાર્યું પરિણામ ન મળે અને લોકોની સ્થિતિ જૈસે થે રહે ત્યારે આ શંકા વધારે દૃઢ બને છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૧૫ સુધીના ૧૫ વર્ષના ગાળામાં કેન્દ્ર સરકારે સ્વચ્છતા કાર્યક્રમો પાછળ કુલ રૃ. ૩૩,૫૫૩ કરોડ ખર્ચ્યા હતા. તો છેલ્લા બે વર્ષમાં સરકાર બે હજાર કરોડથી વધુ ખર્ચી ચૂકી છે. આમ ત્યારથી લઈને અત્યાર સુધી દરેક વખતે શૌચાલય તૈયાર કરવાના ટાર્ગેટ અપાય છે પણ પૂરાં થતા નથી. જો ૨૦૧૯માં પણ ધાર્યો લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો સતત ચોથી વખત એવું બનશે કે શૌચાલય નિર્માણનો ટાર્ગેટ અધૂરો રહેશે.

હાલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારે કુટુંબદીઠ મળતી શૌચાલય નિર્માણની સહાયમાં વધારો કર્યો છે. અગાઉ જ્યાં રૃ.૧૦ હજાર મળતા હતા તે રકમ વધારીને રૃ.૧૨ હજાર કરવામાં આવી છે. સહાયની રકમમાં રૃ.૯ હજાર કેન્દ્ર સરકાર આપે છે જ્યારે ૩ હજાર જે તે રાજ્ય સરકાર સહાય કરે છે. એ રીતે કુલ રૃ. ૧૨ હજાર લાભાર્થીને મળે છે. જો કે આમાં પણ અનેક ગામોમાં સ્થાનિક રાજકારણીઓ અને પહોંચેલા લોકો જરુરિયાતમંદ લોકોની સરકારી સહાયની રકમ ચાંઉ કરી જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જો સરકાર સમયસર નહીં જાગે તો એજ પરિસ્થિતિ પેદા થશે જે અગાઉ થયેલી.

 

 પરિવારદીઠ શૌચાલય નિર્માણની ટકાવારી

 રાજ્ય                   ૨ ઑક્ટોબર, ૨૦૧૪   ૩ નવેમ્બર, ૨૦૧૭

જમ્મુ-કશ્મીર            ૨૮.૭૫                 ૩૭.૧૫

હિમાચલપ્રદેશ          ૮૮.૦૪                 ૧૦૦.૦૦

પંજાબ                  ૭૫.૩૭                 ૮૮.૧૨

ઉત્તરાખંડ               ૬૮.૫૬                 ૧૦૦.૦૦

હરિયાણા               ૭૭.૮૬                 ૧૦૦.૦૦

રાજસ્થાન               ૩૦.૫૫                 ૯૨.૯૦

ઉત્તરપ્રદેશ              ૩૭.૪૪                 ૫૨.૮૮

ગુજરાત                  ૫૫.૯૫                 ૧૦૦.૦૦

મધ્યપ્રદેશ              ૩૧.૮૦                 ૮૧.૦૮

બિહાર                  ૨૨.૩૪                 ૩૩.૨૮

પશ્ચિમ બંગાળ          ૬૦.૨૭                 ૯૨.૩૭

મેઘાલય                ૬૧.૬૬                 ૯૨.૪૭

આસામ                 ૪૩.૮૦                 ૭૭.૬૮

અરુણાચલ પ્રદેશ       ૫૨.૧૪               ૯૧.૩૭

નાગાલેન્ડ              ૫૭.૪૩                 ૮૫.૫૦

મણિપુર                 ૬૦.૨૬                 ૭૯.૪૯

મિઝોરમ                ૭૮.૦૮                 ૯૦.૦૨

ત્રિપુરા                  ૬૩.૨૧                 ૭૨.૦૨

ઝારખંડ                 ૩૦.૦૮                 ૬૨.૪૪

ઓરિસ્સા                ૧૨.૧૨                 ૪૩.૭૮

છત્તીસગઢ              ૪૧.૬૪                 ૯૫.૯૫

મહારાષ્ટ્ર               ૫૨.૫૪                 ૯૧.૦૩

તેલંગાણા               ૩૦.૮૧                 ૬૦.૮૧

આંધ્ર પ્રદેશ             ૩૬.૧૧                 ૬૧.૮૮

કર્ણાટક                 ૩૯.૬૬                 ૭૯.૮૫

તામિલનાડુ             ૪૮.૮૦                 ૮૦.૭૪

કેરળ                   ૯૪.૯૪                 ૧૦૦.૦૦

You might also like