Header

ધ મંડલમ્ – પ્રકરણઃ ૧૯: – અભિમન્યુ મોદી

પોસ્ટલુના સમયનું જંગલ

 

વહી ગયેલી વાર્તા….

કમાન્ડર કલ્કીન વિનસ, ઝેવ અને રોબોનને લિથેન્સના જંગલો તરફ દોરી જાય છે. ઘણાં વર્ષો પહેલાં પ્રોફેસર લિથેન્સે આ જંગલમાં લેબહાઉસનું નિર્માણ કર્યું હોય છે. અદ્યતન ટેકનોલૉજીથી સજ્જ એવું આ લેબહાઉસ વિનસ, રોબોન અને ઝેવને ભારે અચરજ પમાડે છે. લેબહાઉસમાં એક જ માણસ અને બાકી બધાં રોબોટ કર્મચારીઓ હોય છે. દરેક કામ રોબોગાર્ડ જ કરે. રોબોનને આ જોઇને ખૂબ મજા પડી જાય છે. કમાન્ડર કલ્કીન વિનસ, ઝેવ અને રોબોનને રાત્રે આરામ કરવાનું કહી ચાલી નીકળે છે. રોબોન લેબહાઉસની લટાર મારી આવે છે. નાઇટવિઝન ટેકનોલૉજીથી સજ્જ રોબોન પાણીના રિસાઇકલ પ્લાન્ટ, મીની ફાયરફાઇટર વગેરે ટેકનોલૉજીની માહિતી વિનસ અને ઝેવને આપે છે. વાતો કરતાં કરતાં ત્રણેય ઊંઘી જાય છે. બીજા દિવસે સવારે જ્યારે વિનસ ઊઠે છે ત્યારે તે લેબહાઉસની બહારનું દૃશ્ય જોઇ અચરજ પામે છે. એ જ સમયગાળામાં કમાન્ડર કલ્કીન ત્યાં પહોંચે છે. કમાન્ડરની સાથે વિનસ, ઝેવ અને રોબોન લેબહાઉસની બહાર જંગલનો નજારો જોવા નીકળી પડે છે. જંગલમાં નાના મદનિયા જેવો દેખાતો ઘરડો હાથી, સાવ નાના કદના ફૂલ-છોડ અને ઝાડ જોઇને વિનસને આશ્ચર્ય થાય છે. કમાન્ડર કલ્કીન વિનસને માહિતી આપે છે કે દિવસ ટૂંકો હોવાને કારણે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનો સમયગાળો ઓછો થઇ ગયો છે તેથી ફૂલછોડ અને વૃક્ષોનું કદ ઘટી ગયું છે અને સાથે જ વન્યજીવોના કદમાં પણ ઘટાડો થઇ ગયો છે.

(હવે આગળ વાંચો)…………………

ચારેય જણ ઘરની બહાર ઉભા હતાં. ચારમાંથી ત્રણ સ્તબ્ધ હતા. કલ્કીન મલકી રહ્યા હતા. બધાની ગેરહાજરીમાં વિશાળ ઘરની સારસંભાળ લેનાર સિક્યોરિટી ગાર્ડ થોડા છૂટાછવાયા ઉભા હતા. પૂર્વમાંથી ઉગી રહેલો સૂરજ આ ચારેયને પોતાના તાપથી વીંટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ ઘર પાસેથી શરુ થઇ રહેલા અને ક્ષિતિજ સુધી લંબાતા જંગલની ઠંડી હવા સૂરજને નબળો પાડી રહી હતી. સોનેરી પ્રકાશમાં વિનસના ઉડી રહેલા વાળ ચમકતા હતા. આટલા મહિનામાં તેના વાળમાં સારો એવો વધારો થયો હતો. ઉંમર તો એની પાંચસો વર્ષની હતી પણ હવે તેને વાળ એકદમ કાળા આવી રહ્યા હતા. નાનકડા રોબોનના લીસ્સા ગાલ અને તેની કાચની આંખોમાં તેની નજર સામે રહેલા જંગલને જોઈને ચમકાટ હતો. યુવાન ઝેવે તો કદાચ આટલા મોટા વિસ્તારમાં આટલી બધી હરિયાળી પહેલી વખત જોઈ હશે. તે વિનસની સામે વચ્ચે વચ્ચે જોઈ લેતો હતો અને એક નવી તાજગી અનુભવી રહેલો. કલ્કીન એ રીતે ઉભા હતા જાણે કુદરતના એક વિરાટ ઓપેરાનું દર્શન તે આ ત્રણેયને કરાવી રહ્યા હોય.

લેબહાઉસની બહાર આટલું વિશાળ જંગલ છે તેનો અંદાજ વિનસ કે ઝેવને ન હતો. રોબોનને ખબર હતી કારણ કે તેની આંખો ઑટોમેટિક નાઈટ વિઝન લેન્સ વાળી હતી. તેણે રાતે જ આ જંગલ જોયેલું અને તેને આશ્ચર્ય પણ થયું હતું. તેણે કેમે કરીને પોતાની જાતને આ બંનેને કહેવાથી રોકી હતી કે બહાર એક બહુ વિચિત્ર જંગલ ઉભું છે જે ક્ષિતિજ સુધી વિસ્તરેલું છે. પણ રોબોને એ કલ્પના ન કરી હતી કે વહેલી સવારે, સૂર્યના પ્રકાશમાં આ જંગલ આટલું અદ્ભુત લાગે છે. એમાં પણ એક હાથી જંગલમાંથી આવીને લેબહાઉસના ફળિયામાં ઉભો હતો. રોબોન એની સાથે રમવા મંડ્યો. તેની ઉપર ચડવાની કોશિશ કરી.

કમાન્ડર કલ્કીનને સૌથી વધુ સમય સ્પેસસૂટમાં જ જોયા હતા. પૃથ્વી ઉપર આવીને પણ તેઓ એ જ વેશમાં હતા. અઢી ફૂટિયા દરિયામાં લેન્ડિંગ કર્યું હતું તેમણે જયારે, તેમના એરોકેટ વિમાન દ્વારા, ત્યારે પણ જાણે તે હજુ અવકાશમાં હોય તેવું લાગતું હતું. પહેલી વખત તે પૃથ્વીના હોય અને સામાન્ય માણસ જેવા હોય તેવા લાગી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર આની પહેલા ક્યારેય ન જોવા મળી હોય એવી તાજગી દેખાતી હતી. ખાસ તો આ ત્રણેય શુક્ર ગ્રહના દોસ્તોને કંઇક અલભ્ય ખજાનો બતાવી રહ્યા હતા તેનો ઉત્સાહ તેમની રમતિયાળ આંખોમાં દેખાઈ રહેલો.

વિનસને સમજાઈ રહ્યું ન હતું કે શું જોવું, ક્યાં જોવું અને શું પ્રતિભાવ આપવો. કમ્પાઉન્ડમાં આવી ચડેલા અને લેબહાઉસના બગીચામાં રોબોન સાથે રમી રહેલા હાથીની સામે જોવું કે તેની સામે પથરાયેલા અફાટ જંગલ સામે જોવું? તેને એટલું બધું આશ્ચર્ય થઇ ગયું હતું કે તેના બંને હાથ મોઢા ઉપર આવી ગયા અને તે બે-ત્રણ ડગલાં પાછળ હટી ગઈ. તેને વિશ્વાસ જ આવી રહ્યો ન હતો કે તે જે જોઈ રહી હતી તે કોઈ સપનું કે દૃષ્ટિભ્રમ કે કોઈ જાયન્ટ સ્ક્રીન ઉપર ચાલી રહેલા ફિલ્માંકનના દૃશ્યો ન હતા પરંતુ પૃથ્વીની વાસ્તવિકતા હતી. તે કલ્કીન તરફ અને થોડી વાર પછી ઝેવ સામે, પછી જંગલ સામે અને પછી પેલા નાના હાથી તરફ જોયે રાખતી હતી. તેને કંઈ સમજાતું ન હતું. દિગ્મૂઢ વ્યક્તિની જીભ સિવાઈ જતી હોય છે. વિનસ સાથે તેવું જ થયેલું.

વિનસને હતપ્રભ સ્થિતિમાં ઝેવે જોઈ. રોબોન પણ તેને દૂરથી જોઈ રહેલો. રોબોન કંઈ બોલવા જાય તે પહેલા તેને ઝેવે ઈશારો કરીને અટકાવ્યો. ઝેવ પગથિયા ઉતર્યો. દરવાજા પાસે હાથી ઉભો હતો તેની આંખ નીચે હાથ ફેરવ્યો. હાથીએ સૂંઢ જરા હલાવી. પછી ઝેવ કમ્પાઉન્ડની બહાર નીકળ્યો. આગળ ચાલતો ગયો. ઘાસ શરુ થયું તો ઘાસમાં હાથ ફેરવ્યો. ઝેવ શું કરી રહ્યો હતો એ જોઈ રહેલા વિનસ અને કલ્કીનને સમજાયું કે જમીન કદાચ ભીની હશે. ઝેવ શું કરી રહ્યો હતો એ જાણવા માટે બંને ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા. ઝેવ આગળ વધ્યો. બે ત્રણ ઝાડ પાસે ગયો. એકાદી ઝાડની ડાળી હલાવી. પછી એક ઝાડની ડાળીમાંથી પાંદડા વાળી એક નાની ડાળખી તોડી. તે ડાળખી લઇને પાછો ફર્યો. ઝડપથી ચાલીને તેણે વિનસના હાથમાં મૂકી.

હવે વિનસથી ન રહેવાયું. તે બોલી ઉઠીઃ અનબિલીવેબલ‘. કલ્કીને કહ્યું કે, ‘હા આ સાચું છે. તારા જેવી સ્ત્રી ખુલી આંખે સપનું જૂએ કંઈ?’ વિનસે પૂછ્યું, ‘પણ આવું કેમ?’ ‘એ જ તો સમજવાનું છે તમારે. પૃથ્વી હવે આવી છે. તે જોઈ હતી અને તને જે થોડુંઘણું યાદ છે એવી હતી જ નહિ.વિનસ એ પાંદડાને પોતાના હાથમાં રમાડતી રમાડતી નીચે પગથિયા ઉતરી. અચરજથી પહોળી થયેલી આંખો સહેજ પણ સામાન્ય સ્થિતિમાં આવી ન હતી. તે બધા પગથિયા ઉતરી અને પેલા હાથી પાસે ગઈ. કલ્કીને તેને થોડી વાર પહેલા જ કહ્યું હતું કે આ મદનિયું નહિ પણ હાથી જ હતો એટલે હાથીની આંખોમાં તેણે ધ્યાનથી જોયું. તેના આખા શરીરની પ્રદક્ષિણા કરીને જોયું. તેની પીઠ ઉપર હાથ રાખ્યો. તેને ટેકે ઉભી રહી. હવે વધુ વિચારવાની શક્તિ તેનામાં રહી ન હતી.

વિનસે છેલ્લે પૂછી જ નાખ્યું, ‘કે આ બધું શું છે? હાથી આટલો નાનો કેમ?’ જંગલ બાજુ ફરીને તેની બાજુ ઈશારો કરતા પૂછ્યું, ‘ઝાડ આટલા નાના કેમ છે? અમારા સમયમાં મોટી સાઈઝના છોડ હોય એવા આ ઘેઘૂર ઝાડ છે. કોઈ પણ ઝાડ મારી હાઈટ કરતાં પણ મોટું કેમ નથી? અને આ પાંદડા? આવા પાંદડા? આની ચમક….વિનસને અટકાવીને કલ્કીન બોલ્યા, ‘તું જે હાથીનો ટેકો લઇને ઉભી છો એ પૂરા પંચાશી વર્ષનો હાથી છે. એ હાથીનો જન્મ થયો હતો ત્યારે પ્રોફેસર લિથેન્સ, એટલે કે આ લેબહાઉસના નિર્માતા ગુજરી ગયેલા. આ બંને વચ્ચે એટલી માયા હતી કે તેના મરણ બાદ પણ હાથીએ ક્યારેય આ જગ્યા ન છોડી. આ અમારા સમયના હાથી છે. આનાથી વધુ તેનું વજન વધે નહિ. હાઈટ પણ આ મહત્તમ છે. અમારા બધાનો ખૂબ લાડકો હાથી છે.વિનસને તે હાથીનો ભૂતકાળ સાંભળીને તે હાથી પ્રત્યે અનુકંપા જાગી. હાથીની સૂંઢ ઉપર હાથ પસવાર્યો. હાથીએ સૂંઢ ઉંચી કરી. એ જોઈને તરત રોબોન હસ્યો. એણે ઝેવને ટોણો માર્યો, ‘તમે હાથી પાસે ગયા તો ખાલી સૂંઢ હલાવી જ. જ્યારે વિનસ પાસે જો કેવું કરે છે. એ પણ આ ઉંમરે‘. ઝેવ રોબોન સામે ગુસ્સા વાળી નજરે જૂએ. રોબોન અટક્યો નહિ, ‘હાસ્તો, એઇટી ફાઈવ યર્સ ઓલ્ડ એલિફેન્ટ અને તમને કેટલા વર્ષ થયા ઝેવ ભાઈ?’. આ સાંભળીને ત્યાં ઉભેલો સિક્યોરિટી ગાર્ડ હસતો હતો.

ઝેવે રોબોનથી દૂર જવા માટે આગળ ચાલીને પ્રશ્ન પૂછ્યો, ‘કમાન્ડર, આ હાથીનું કંઈ નામ નથી?’ ‘છે ને. બહુ સરસ નામ છે. પ્રોફેસર લિથેન્સે જ પાડેલું આનું નામ. એ પણ હાથીના જન્મ પહેલા.ઝેવઃ શું પાડ્યું હતું?’ ‘ઝીરો-વન‘. ‘વ્હોટટટ?’ ‘યેસ. ઝીરો-વન‘ ‘યુ મીન બાઈનરી લેંગ્વેજના શૂન્ય અને એક?’ આ સવાલ સાંભળીને કલ્કીન સહેજ હસ્યા અને પછી કહ્યું, ‘હા, કમ્પ્યૂટર જે ભાષાથી તમારા સમયમાં ચાલતા એ જ ભાષાથી અમારે ત્યાં ચાલે છે. ત્યારે પણ કમ્પ્યૂટરની તમારી ભાષા બાઈનરી હતી અને અમારે પણ ઝીરો અને એકથી જ ઘણાં બધા પ્રોસેસરો ચાલે છે. માટે આનું નામ બાઈનરી.

હવે વિનસ જરા વિચલિત થઇ. જંગલમાં ઉગેલા ઝાડ આટલા નાના કદના કેમ છે અને એના પાંદડાનો રંગ આવો કેમ છે એ સવાલ એણે તત્પૂરતો બાજુમાં રાખ્યો. તેણે જરા વ્યગ્ર થઈને  કલ્કીન સામે સવાલ ઉઠાવ્યો, ‘તમે એક જાનવરને, એક જીવને, કુદરતની ભેટને તમે મશીનનું નામ આપો છો? તમને એવું નથી લાગતું શું કે તમે વધુ પડતી ઝડપથી વધીઘટી પૃથ્વીને યાંત્રિક બનાવી રહ્યા છો? આઈ મીન, શું અર્થ છે એક આવા નિર્દોષ જાનવરનું નામ ઝીરો-વન રાખવાનો. આ કમ્પ્યૂટર થોડું છે? આ તો જીવ છે. એમાં જાન છે. એને પણ મશીન બનાવી નાખશો?’

રોબોન સ્થિર થઇ ગયો. વિનસના સવાલમાં મશીન માટેની જે નફરત દેખાઈ આવતી હતી તેની તેણે બરોબર નોંધ લીધી. પણ તેનું યાંત્રિક મગજ એ નક્કી કરી શકતું ન હતું કે આ સવાલ સાંભળીને શું પ્રતિભાવ આપવો કે કઈ લાગણી જન્માવવી? કારણ કે રોબોન ખુદ એક રોબોટ અર્થાત મશીન હતો પણ ધીમે ધીમે એનું એક મનુષ્યમાં પરિવર્તન થવાનું હતું. તેના શરીરમાં અત્યારે ફક્ત એક હૃદય જ ધબકી રહ્યું હતું પણ મનુષ્યત્વનો થોડો અંશ તો તેમાં હતો ને. તો વર્તમાનમાં તે મશીન છે એટલે મશીનની ટીકા સાંભળીને દુખી થવું કે ગુસ્સો કરવો કે પછી પોતે ભવિષ્યમાં સંભવત મનુષ્ય બનશે તે આશા ઉપર ખુશી અનુભવવી? આ સવાલનો જવાબ તેના શરીરની અંદર રહેલું હાઈટેક પ્રોસેસર પણ નક્કી ન કરી શક્યું. જયારે કંઈ લાગણી જન્મે તે તેની અંદર રહેલી રચના નક્કી ન કરી શકે ત્યારે રોબોનના ચહેરા  ઉપર ભાવ એકદમ અસ્પષ્ટ હોય. ન સમજાય એવા. અને જો રોબોન સાંભળેલી વાતને દિલથી વિચારવા માંગતો હોય અને પોતે ખુદ તેમાં પોતાની જાતને સાંકળી લેતો હોય તો તેના ચહેરા ઉપર કોઈ જ હાવભાવ ન હોય. અત્યારે તેનો ચહેરો ભાવહીન હતો. પણ તેણે રમવાનું બંધ કરી દીધું હતું. તે જઈને ઝેવ પાસે ઉભો રહ્યો. ઝેવે તેના ખભે હાથ મૂક્યો પણ રોબોને હાથ રાખવા ન દીધો.

કલ્કીને એક નાનકડા વિરામ પછી વિનસને જવાબ આપ્યો, ‘તો આ હાથીનું નામ શું હોવું જોઈએ એ મને કહે? એનું નામ વિનસ રાખું? અર્થ રાખું? ગીલ્બર્ટ રાખું? મોહન રાખું, શું રાખું? અને તમારા સમયમાં અને એમ જોઈએ તો અત્યારના સમયમાં પણ જે રીતે માણસોના નામ રાખવામાં આવે છે એવું જ કોઈ નામ પ્રોફેસર લિથેન્સે તેને આપ્યું હોત તો તે શું વધુ કુદરતી લાગતું હોત? તો તને એ નામકરણ માણસાઈ વાળું લાગત અને એક મશીનનું નામ આપ્યું તો તને માણસાઈ વાળું ન લાગ્યું?’ આ સાંભળીને વિનસ બોલવા ગઈ, ‘પણ એ કમ્પ્યૂટર નથી જ, ઝીરોવન તો એક મશીનની ભાષા…કલ્કીને તેને શાંતિથી અટકાવી અને વેધક સવાલ કર્યો, ‘તને કોણે કહ્યું કે આપણે, જેને આપણે મનુષ્ય સમજીએ છીએ એવા આપણે, પણ માણસો જ છીએ અને મશીન નથી? કુદરતે આપણને એના મશીનના ફોર્મમાં જ જન્મ આપ્યો હોય એ શક્યતા તને કેમ નથી દેખાતી? બની શકે કે આપણે આ સૃષ્ટિના મશીન હોઈએ? જો તમે બધા માણસો હોત તો પૃથ્વીનો નાશ ન થયો હોત. તારે પાંચ-પાંચસો વર્ષ સુધી જીવવું ન પડ્યું હોત અને તારી હાઈટના સાવ ટૂંકા ઝાડ જોવાનો દિવસ ન આવત? તે તો તારા સમયમાં ઘેઘૂર જંગલો જોયા હતા ને, એકદમ ઊંચા ઊંચા. તને તો અમારા આ બટકા ઝાડ જોઈને અધોગતિ લાગતી હશે અને તેના માટે પણ તું અમને જ કસૂરવાર ઠેરવીશ‘ વિનસનો પક્ષ ખેંચવા ઝેવે દલીલ કરીતો પણ આ હાથી છે. જેમાં કુદરતનો જીવ છે અને એ માનવ સંચાલિત નથી. તેને પોતાની સ્વતંત્ર બુદ્ધિ છે. એક જીવે તેને જન્મ આપ્યો છે અને આપણે પણ બીજા હાથીઓને જન્મ આપ્યો જ હશે. આ કુદરત પ્રેરિત છે. આમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો અંશમાત્ર નથી. જ્યારે કમ્પ્યૂટર એ આપણી શોધ છે, માણસની શોધ છે. બાઈનરી ભાષા, આપણે વિકસાવેલી ભાષા છે. કમ્પ્યૂટર હોય કે કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ તેના પ્રોસેસર શૂન્ય અને એક સાથે જ કામ પાર પાડી શકે છે. માણસે ઉછીની આપેલી બુદ્ધિથી મશીન કામ કરે છે. જયારે હાથી હોય કે આ ઝાડ, તેમાં તેની પોતાની બુદ્ધિ છે અથવા તો કુદરતની પ્રેરણા છે. માણસનો બીજા જીવના શરીર ઉપર હસ્તક્ષેપ થઇ શકે તેના માનસ પર તો નહિ જ ને. તો પછી કેમ એક મશીનની સિસ્ટમ જેવું આવું આંકડાકીય નામ, ઝીરોવન‘. ઝેવે પોતાનો પક્ષ ખેંચ્યો એ  જાણીને વિનસને ગમ્યું. પરંતુ કલ્કીન તેની વાતમાં અડગ હતા. કલ્કીન આગળ ચાલ્યા અને ઝેવના ખભે હાથ રાખીને લેબહાઉસના કમ્પાઉન્ડના બાહ્ય મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા. પછી તેણે વિનસ સામે જોઈને ઝેવને પ્રત્યુતર પાઠવ્યો, ‘તું શેનો બનેલો છે દોસ્ત? આ વિનસ શેની બનેલી છે? આ રોબોન શેનો બનેલો છે? આ દેખાય છે તે લાખો ઝાડ શેના બનેલા છે?’ કલ્કીન શું  પૂછવા માંગે છે ખાસ તો આવા સવાલો કરીને શું સાબિત કરવા માંગે છે એ ઝેવ કે વિનસને ન સમજાયું. રોબોન સમજી ગયો. તે કલ્કીન પાસે આવ્યો, હાથી ઉપર ચડીને તે બોલ્યો, ‘ઝીરો એન્ડ વન‘. ‘બિંગો. એકઝેટલી. આપણે બધા ઝીરો અને વનના તો બનેલા છીએ.કલ્કીન થોડા વજનથી બોલ્યા.

આ વાત ઝેવ અને વિનસને સમજાઈ નહિ એવું લાગ્યું માટે કલ્કીને સમજાવવાની કોશિશ કરી, ‘આખું બ્રહ્માંડ શૂન્ય અને એકનું જ બનેલું છે. જે છે તે બધું સાંખ્ય છે. બ્રહ્માંડમાં દ્વૈત છે અને અદ્વૈત છે. તમે સજીવ છો અને આ તોડી પડાયેલું પાંદડું હવે નિર્જીવ છે. ચેતના તેનામાં હતી હવે તે ચેતનાવિહીન છે. જીવ હોય તો એ એક છે, ન હોય તો એ શૂન્ય છે. શૂન્ય શું છે? શૂન્ય એટલે જ આખું બ્રહ્માંડ. શૂન્ય એટલે આપણી અંદર તરફની ગતિ. આંતરિક ગમન એટલે શૂન્ય. એકડો એ શૂન્યનો જોડીદાર નહિ પણ વિરોધી છે. બાહ્ય ગતિ એટલે એક. બ્રહ્માંડ ખુદ શૂન્યનો ચેતોવિસ્તાર છે. જે કંઈ છે એ શૂન્યમાં જ છે. શૂન્યની બહાર કશું નથી. આ જગતમાં એવું કંઈ પણ નથી કે જેનો આકાર ગોળ ન હોય. બહોળા પરિપ્રેક્ષ્યમાં જોતા આપણે બધા વર્તુળના સંતાન છીએ અને એક મોટા જાયન્ટ સર્કલમાં ભળી જશું. પંચમહાભૂત તો શૂન્યના વારસદારો છે દોસ્ત.કલ્કીને પોતાની વાત પૂરી કરી અને પેલા ત્રણમાંથી બે જ દોસ્તોને સમજાઈ હોય એવું લાગ્યું. એ બે વ્યક્તિ એટલે વિનસ અને નાનકડો રોબોન. આ બધું સાંભળીને શુક્રવાસી ઝેવના બાર વાગી ગયા હતા.

તો પણ ઝેવ યુવાન હતો અને ખૂબ હોશિયાર હતો. નાની ઉંમરમાં તેની ગણના શુક્રના ટોચના વિજ્ઞાનીઓમાં એમ જ ન થતી. માટે તે ગાંજ્યો જાય એવો ન હતો. જે પ્રશ્ન અનુભવી વિનસ અને બહુ બધી મેમરી ધરાવતા અને ભવિષ્યને અમુક અંશે ભાખી શકતા રોબોનને ન સૂઝ્યો એ ઝેવને સૂઝ્યો. માટે તેણે પૂછ્યું કલ્કીનને, ‘જો શૂન્યનું મહત્વ આટલું બધું હોય, જેમ તમે કહો છો તેમ કે ઝીરો ઈઝ એવરીથિંગ. તો પછી ૧ ની જરૃર શું પડી? જો શૂન્ય એ જ બ્રહ્માંડ હોય અને શૂન્યની અંદર  જ આપણે બધા જીવી રહ્યા હોય તો એકડાની જરૃર જ નથી.કમાન્ડર કલ્કીનને આ સવાલ બહુ ગમ્યો. ઝેવ માટે તે ખુશ થયા. 

એકની જરૃર આમ જોઈએ તો કંઈ જ નથી. એક જો સત્ય હોય તો શૂન્ય પરમ સત્ય છે. પરમસત્ય જો પામી ગયા હોય તો અર્ધસત્યની શું જરૃર? પણ, આપણે માણસો છીએ. આપણને ઈશ્વર સામે મળે તો પણ આપણે માનીએ નહિ. શૂન્ય આટલો વિરાટ છે તેની અનુભૂતિ કરવા માટે એકની જરૃર છે. કારણ કે શૂન્ય જ વાસ્તવિક છે પરંતુ માણસ શૂન્યને તો ઝીરો ગણે છે.

આપણે હીરો એક નંબરને ગણીએ છીએ. પણ એકની જરૃર નથી ખરેખર તો. પરંતુ શૂન્યનું મહત્વ ઉપસાવવા માટે બાજુમાં એક હોય તો જ માણસ માને છે. નંબર એકે તો બહુ નુકસાન કર્યું છે માનવજાતનું. પહેલા સ્થાને રહેવાના ઉધામાએ તો પૃથ્વી ખલાસ કરી નાખી. નંબર એક-૧ ઉપરથી તો કેપિટલ આઇ-ૈંઆવ્યો. આ ૈંએ તો માણસોની ઘોર ખોદી નાખી. વિનસને તો યાદ હશે કે તેના સમયના માણસો હું‘- પણાના મદમાં ને મદમાં એની દુનિયાનો નાશ નોતરીને બેઠા. એટલે જ કહું છું કે આ કેપિટલ આઈ, આ એક નંબરની ઘેલછાં, આ  નંબર ૧ જ માણસોનો દુશ્મન છે. પણ શૂન્યની મહાનતાને બેલેન્સ કરવા એને બાજુમાં રહેવું પડે છે. એમાંથી જ આપણી સંસ્કૃતિનું સર્જન થાય છે. સારું-ખરાબ, પાણી-પથ્થર, જીવતો-મરેલો, આત્મા-શરીર, ધરતી-આકાશ અને તમારા કેસમાં તો એક સમયે સૂર્ય-ચંદ્રની જોડી પણ કહેવાય. બધા જ જોડીમાં, બધા જ ઝીરો અને વન. આ શૂન્ય-એકની બનેલી અટપટી દુનિયામાં તો આપણે જીવી રહ્યા છીએ અને માટે જ આ હાથીનું નામ આ લેબહાઉસના કર્તાહર્તાએ ઝીરોવન રાખેલું. સમજ્યા?’

ઝેવે માથું ધુણાવ્યું. ઝેવ હવે વિનસને સમજાવતો હોય એમ બોલ્યો, ‘આનો અર્થ એમ કે આપણને જો ફાંકો હોય કે આ ઝાડ આપણે ઉગાડ્યું કે આ મશીન આપણે બનાવ્યું તો માણસ માત્ર નિમિત્ત છે. કુદરતની વિશાળ સાંકળનો એકમાત્ર અંકોડો. એટલે નિર્જીવ પદાર્થ પ્રત્યે કે મશીનથી તમે અળગા થઇને રહેશો, પ્રાણીઓથી જુદા પડવાની કોશિશ કરશો તો નહિ હાલે. આ બધું કુદરતનો જ ભાગ છે. એવરીથિંગ ઈઝ ઝીરો એન્ડ વન.આ સાંભળતા કલ્કીન ખુશ થઇ ગયા. તેણે કહ્યું, ‘યુ ગોટ માય પોઈન્ટ ચેમ્પ‘. મશીન-જીવની આ ફિલસૂફીઓ સાંભળીને સૌથી વધુ રોબોન મુંજાયેલો હતો. તેને તેના અસ્તિત્વ ઉપર સવાલ થતા હતા. પોતે કઈ કગાર ઉપર ઉભો છે તે ચિંતા તેને થતી હતી. પોતાના ભવિષ્ય અને વર્તમાનને લઈને તે દ્વિધામાં હતો અને તેને પહેલી વખત પોતાનો ભૂતકાળ આટલો ચડાવ ઉતાર વાળો ન હોવાનો અફસોસ થતો હતો. તો પણ એ બહુ સ્માર્ટ હતો, કદાચ ત્યાં ઉભેલા સૌ કરતા વધુ બુદ્ધિવંત હતો એટલે તેને કઈ નકારાત્મક ફરક પડે તેમ ન હતો. તે બસ બધું માણી રહેલો.

વિનસે પૂછ્યું, ‘કમાન્ડર હવે એ કહો કે આ ઝાડ આટલા નાના કેમ છે? બધા વૃક્ષોની ઊંચાઈ મારા જેટલી કેમ છે? આખું જંગલ કોઈ વિચિત્ર ખેતર જેવું કેમ લાગે છે? પ્રાણીઓની સાઈઝ પણ કેમ ઘટી ગઈ? આ શું કોઈ લેબોરેટરીમાં ક્લોનિંગ પામેલા કે સુપર સ્ટેમસેલ રિસર્ચના મોડેલ પ્રાણીઓ છે?’ 

કલ્કીનઃ ના એવી કોઈ કોન્સ્પાયરેસી નથી અહીં. આ કોઈ પ્રયોગ પણ નથી. લગભગ બધે વન્ય જીવોનો આ  જ હાલ છે.વિનસના ચહેરા ઉપર અસંતોષ અને પ્રશ્નાર્થના ભાવ દેખાતા કલ્કીન ફોડ પાડે છે, ‘દિવસ કેટલી કલાકનો છે? છ કલાકનો, સાચું? આ છ જ કલાક સૂર્ય માથે રહે છે. તો આ પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝાડ કેટલી કલાક કરી શકે? ૬ કલાક. પછી તો રાત શરુ થાય છે. રાત સામાન્ય રીતે છ કલાક કરતા થોડી લાંબી હોય છે. ક્યારેક તો સાડા સાત કલાક સુધી અંધારું રહેતું હોય છે. બહુ અનિયમિત છે આ રાતનું ચક્ર. પણ દિવસ છ કલાક કરતા વધુ નથી ટકતો. માટે આ ઝાડપાનને પૂરતું પોષણ જ નથી મળતું. એટલે આટલા વર્ષોમાં એટલે કે સેંકડો વર્ષ વીત્યા પછી, આ બધા ઝાડને તમારા સમયના ઝાડને મળતું એટલું પોષણ ન મળતાં ટૂંકા થઇ ગયા. હવે વનસ્પતિના કદ-આકાર-સુગંધ-લાક્ષણિકતાને લઇને નવા આદર્શો સ્થપાઈ ગયા છે. ઝાડની ઊંચાઈ આના કરતાં વધી નહિ શકે, આટલા ઓછા સૂર્યપ્રકાશને કારણે.‘ વિનસ ઉંચી થઇને દૂર સુધી દૃષ્ટિપાત કરતી રહી. નજર પહોંચે ત્યાં સુધી નીચા નીચા ઝાડ દેખાતા હતા. હાથી સિવાયના પ્રાણીઓ પણ દેખાયા. પણ એ બધા નીચા હતા. નાના હતા. વામન સ્વરૃપમાં લાગતા હતા. હરણ હોય કે ગેંડો. વાંદરો હોય કે ખિસકોલી. બધાના કદ હદ ઉપરાંત ઘટી ગયા હતા. પછી તે જ બોલી, ‘બરાબર. હું સમજી. સ્વાભાવિક છે કે આ હરિયાળીનો વિકાસ ઘટ્યો તો એ હરિયાળી ઉપર નભી રહેલા પ્રાણીઓ પણ ટૂંકા થયા. આખું જંગલ નાનું, જંગલના રહેવાસીઓ નાના.

યેસ.કલ્કીન બોલ્યા. જંગલમાં આંટો મારશું? આ જંગલ બહુ મોટું છે. અત્યારની પૃથ્વીનો મોટો કારોભાર આ  જંગલ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટકેલો છે. તમને જંગલમાં લટાર મારવી ગમશે અને આ જંગલમાં વાહન લઇ જવાની મનાઈ છે, મેં જ એ મનાઈહુકમ ફરમાવ્યો છે. પ્રોફેસર લિથેન્સની મહેનતને આપણે સાચવવી છે. તો પણ બીજી એક વાત કહીશ કે આપણે ચાલવું નહિ પડે, ભલે આપણે વાહન અંદર ન લઇ જઈએ તો પણ.

એ વળી કઈ રીતે?’ ઝેવે પૂછ્યું. કલ્કીને જવાબ આપ્યો, ‘એ તો ખૂબી છે. ચાલો બતાવું. તમને પોસ્ટલુના સમયનું જંગલ બતાવું. ચાલો.વિનસ ઉભી હતી. વિચારી રહેલી. બહુ ધીમી ગતિએ તેણે જંગલ તરફ પહેલું ડગલું માંડ્યું. આગળ જતાં તેને બહુ આશ્ચર્યો થવાના હતા. માણસે પ્રગતિ કરી કે અધોગતિ કરી તેનો જવાબ તેને ક્યારે મળશે તે વિચારી રહેલી.

(ક્રમશઃ)

You might also like