ઘરકંકાસના કારણે રૂપાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલા રેઇનબો હાઇટ્સ ફ્લેટના સાતમા માળે રહેતી રૂપા શર્મા બાલ્કનીમાં કપડાં લેવા જતી વખતે એકાએક જમીન પર પટકાતાં થયેલા મોતના ચકચારી કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. રૂપાનું મોત આક‌સ્મિક નહીં, પરંતુ તેણે ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. નારોલ પોલીસે રૂપાના પ‌િત, સાસુ-સસરા, જેઠ, જેઠાણી અને દિયર વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની હાજરીમાં એફએસએલએ રૂપાના મોત મામલે કરેલા રિકન્સ્ટ્રક્શનમાં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

નારોલ વિસ્તારમાં આવેલા રેઇનબો હાઇટ્સના સાતમા માળના ફ્લેટ નંબર એ/૭૦૪માં રહેતા વિનય શર્મા વીમા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ પહેલાં વિનયનાં લગ્ન રૂપાબહેન સાથે થયાં હતાં. તારીખ ર૬ ઓક્ટોબર, ર૦૧૭ના રોજ રૂપાબહેન બાલ્કનીમાં સૂકવેલાં કપડાં લેવા માટે ગયાં હતાં, જ્યાં તેઓ કપડાં લેતી વખતે એકાએક સાતમા માળેથી જમીન પર પટકાયાં હોવાની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.

રૂપાબહેનના મોત મામલે પોલીસે ગંભીરતા લઇ ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં તારીખ ર૭ ઓક્ટોબરના રોજ પોલીસે એફએસએલની મદદ લઇ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં રૂપાનું મોત આક‌િસ્મક નહીં, પરંતુ તેણે આત્મહત્યા કરી હોવાનો રિપોર્ટે એફએસએલએ પોલીસને આપ્યો હતો. રૂપાએ બાલ્કનીની ચાર ફૂટની ગેલેરીથી કૂદવા માટે ડોલને ઊંધી કરીને તેના પર ચઢ્યા બાદ રૂપાએ છલાંગ લગાવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રૂપાએ આત્મહત્યા કરી છે. દરમિયાનમાં રૂપાની માતા ઉમાદેવીએ ગઇ કાલે પોલીસ સ્ટેશનમાં રૂપાએ સાસ‌િરયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે રૂપાના પતિ વિનય, જેઠ વિક્રાંત, જેઠાણી શિવાની, દિયર આશુતોષ, સાસુ સુષમા અને સસરા રશ્મીકાન્ત વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરાણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે રૂપાના સાસરી પક્ષના તમામ સભ્યોની ધરપકડ કરી છે.

You might also like