સુરતમાં ભાજપનો ૮૦ બેઠકો પર જ્યારે કોંગ્રેસનો ૩૬ બેઠકો પર વિજય

સુરત : સુરત મહાનગરપાલિકાના ૨૯ વોર્ડની ૧૧૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરીનો આજે વહેલી સવારે ગાંધી એન્જિનિયરીંગ અને એસવીએનઆઇટી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના ભારે ઉત્સાહ વચ્ચે શરૃ થયેલી મતગણતરીમાં સાંજ સુધી જે પરિણામો આવ્યા હતા તે ખૂબ જ આશ્ચર્યચકિત અને ભાજપ માટે આત્મમંથન કરનારા સાબીત થયા હતા. છેલ્લા વીસ-વીસ વર્ષથી એકહથ્થુ શાસન કરનાર ભારતીય જનતા પાર્ટીને આ વખતે મજબૂત વિપક્ષ મળે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે પહેલી વખત ભાજપના કહેવાતા ગઢમાં ગાબડુ પાડવામાં સફળતા મેળવી હતી. પાટીદાર ઇફેક્ટ અને એન્ટી ઇન્કમબન્સીને પરિણામે જ ભાજપ અને કોંગ્રેસમાં ભારે રસાકસી જોવા મળી હતી.
સૌથી વધુ ભાજપને ફટકો આ વખતે પાટીદાર આંદોલનનો પડ્યો હોય તેવું અત્યાર સુધીના પરિણામો પરથી જોવા મળી રહ્યું છે. જે વોર્ડમાં એક સમયે કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ જાય તેવી સ્થિતિ હતી તે વોર્ડમાં આખે આખી કોંગ્રેસની પેનલ વિજેતા જાહેર થઇ છે. ભાજપના ગઢ સમાન વરાછા, કાપોદ્રા, પૂણા (પૂર્વ) અને આંજણા-ખટોદરામાં આખેઆખી ભાજપની પેનલનો રકાસ થયો છે. પાટીદાર આંદોલન દરમિયાન કોંગ્રેસ તરફી વાતાવરણ ઉભું થયા બાદ પણ ભાજપે આ વિસ્તારોમાં પોતાના વિજયની અપેક્ષા સેવી હતી જે હવે તદ્દન ખોટી પુરવાર થઇ ચુકી છે.
વોર્ડ નં.૨૪ લિંબાયત-ઉધના યાર્ડ ભાજપનો ગઢ કહેવામાં આવતો હોવા છતાં આ વિસ્તારમાં ભાજપની પેનલ તુટવા પાછળ ભાજપના જા ચોક્કસ નેતાઓનો અસંતોષ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટિકિટ વિતરણ દરમિયાન ભાજપ દ્વારા કરવામાં આવેલી મનમાનીને પગલે આ વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપના યુવા નેતા સુનીલ પાટીલ સહિત એક અન્ય મહિલા ઉમેદવારની હારને પગલે આગામી દિવસોમાં આ વિસ્તારના અસંતુષ્ટ નેતાઓ વિરુદ્ધ કેવા પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. બાકી, ડ્રો રવિન્દ્ર પાટીલે પોતાની સીટ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.

You might also like