વસુંધરાનો વિચિત્ર વટહુકમ, કોંગ્રેસે રાજસ્થાન સરકારને આડેહાથ લીધી, શું છે વટહુકમ?

રાજસ્થાનમાં સરકારી બાબુઓને શેહ આપતા વસુંધરા રાજેના નવા વટહુકમને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. વસુંધરા રાજે આ વટહુકમને કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસે આ મામલે રાજસ્થાન સરકારને આડેહાથ લીધી છે.

રાજસ્થાન સરકારે એક તુગલકી વટહુકમ લાગુ કરીને વિવાદ ઉભો કરી દીધો છે. વિરોધીઓના પ્રહારો વચ્ચે વસુંધરા સરકાર આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસે વસુંધરા સરકારને અટકાવવાના ભરસક પ્રયાસો શરૂ કર્યા છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટમાં લખ્યું છે, TWEET – “મેડમ ચીફ મિનિસ્ટર, અમે 21મી સદીમાં રહી રહ્યા છીએ. આ વર્ષ 2017 છે, 1817 નહીં.” રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ, કોંગ્રેસ

રાહુલનો આ પ્રહાર રાજસ્થાન સરકારના એ તુગલકી વટહુકમ ઉપર હતો, જે સરકારી બાબૂઓને રક્ષણ આપે છે. ક્રિમિનલ લો રાજસ્થાન અમેન્ડમેન્ટ ઓર્ડિનેન્સ 2017ને લઈને વસુંધરા સરકાર વિવાદોમાં છે. આ વટહુકમ પ્રમાણે રાજ્યના કોઈ પણ જજ, મેજિસ્ટ્રેટ, અથવા સરકારી અધિકારી ઉપર સરકારી મંજૂરી વિના પોલીસ ફરિયાદ નહીં થઈ શકે. આ વટહુકમ પ્રમાણે કોઈ પણ લોકસેવકે ડયૂટી દરમિયન આપેલા નિર્ણય તપાસના દાયરામાં નહીં આવી શકે. સરકારી અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે. જો રાજ્ય સરકાર 180 દિવસમાં આ અંગેની મંજૂરી ન આપે તો તેને મંજૂરી માનીને જે-તે અધિકારી સામે ફરિયાદ દાખલ થઈ શકશે. એટલું જ નહીં મીડિયા પણ આવા આરોપી વિરુદ્ધ છ મહિના સુધી પ્રકાશન કે પ્રસારણ નહીં કરી શકે. આ વટહુકમમાં કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે સજાની જોગવાઈ પણ છે.

વસુંધરાનો વિચિત્ર વટહુકમ
ક્રિમિનલ લૉ રાજસ્થાન અમેડમેન્ટ ઓર્ડિનેન્સ 2017
જજ, મેજિસ્ટ્રેટ, સરકારી અધિકારી પર મંજૂરી વિના ફરિયાદ નહીં
લોકસેવકે ડયૂટી દરમિયાન આપેલા નિર્ણયોની તપાસ નહીં
ફરિયાદ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે
રાજ્ય સરકારે 180 દિવસમાં તપાસ બાદ આપશે મંજૂરી
જો મંજૂરી ના આપે તો 180 દિવસ બાદ આપો આપ માન્યતા
મીડિયા આવા આરોપી વિશે છ મહિના સુધી પ્રસારણ નહીં કરી શકે
કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે સજાની જોગવાઈ

ત્યારે રાહુલ ગાંધીએ તેમની ટ્વીટરમાં 1817નો ઉલ્લેખ કરીને તેમને ભૂતકાળની યાદ અપાવી છે. 1817માં જ ગ્વાલિયર સંધિ થઈ હોઈ રાહુલ ગાંધીએ વસુંધરાને એ સમજૂતીની યાદ અપાવી હતી. 23ઓ~ટોબરથી શરૂ થતા વિધાનસભા સત્રમાં આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવાની તૈયારીઓ થઈ ચૂકી છે. જોકે કોંગ્રેસે આ મામલે ભારે હોબાળો મચાવ્યો છે. રાજસ્થાન કોંગ્રેસના નેતા સચીન પાયલટે સરકારની મનશા પર સવાલ ઉઠાવ્યા હતા.

વસુંધરા રાજેના આ વટહુકમને લઈને રાજસ્થાનમાં હાહાકાર છે. કોંગ્રેસનો દાવો છે કે રાજસ્થાન સરકાર ચૂંટણી પૂર્વે તેના સરકારી બાબુઓને છાવરી રહી છે, આવા અધિકારીઓના બચાવવા માટે થઈને જ આ વટહુકમ બનાવવામાં આવ્યો છે. જોકે આટલા વિરોધ છતાં રાજસ્થાન સરકાર આ વટહુકમ મુદ્દે મગનું નામ મરી નથી પાડયું.

You might also like