સાવલીમાં ભાજપાએ સત્તા જાળવી સરદાર જૂથનો સફાયો

સાવલી : સ્થાનિક સ્વરાજયની જાહેર થયેલ પરિણામોમાં સાવલી તાલુકામાં ભાજપ અને ડેસર તાલુકામાં કોંગ્રેસનો દબદબો રહેવા પામ્યો છે.
સાવલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી સવારે શરૃ થતાં જ ક્રમવાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ગણતરી થતાં તેના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતાં, વિજેતા ઉમેદવારો વિજય સરઘસ સાથે રેલી સ્વરૃપે નીકળી પડયા હતાં.સાવલી તાલુકાના પરિણામો જાહેર થતાં ભાજપમાંથી બળવો કરીને સરદાર જૂથ રચનારા અને કોંગ્રેસમાં સામેલ થનાર સરદાર જુથના ઉમેદવારોનો સફાયો થયો હતો. ભાજપ પોતાની આગળની સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. તાલુકા પંચાયતોની ૨૨ બેઠકોમાં ભાજપે ૧૫ બેઠકો કબજે કરી હતી. ત્યારે કોંગ્રેસના ફાળે છ બેઠકો અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. જયારે જિલ્લા પંચાયતોની પાંચ બેઠકોમાં ચાર બેઠકો ભાજપ અને એક બેઠક કોંગ્રેસને ફાળે ગઇ હતી. ડેસર તાલુકા ખાતે પરિણામો જાહેર થતાં ડેસર તાલુકા પંચાયતોની કુલ ૧૬ બેઠકો પૈકી કોંગ્રેસને ૯ બેઠકો ભાજપને પાંચ અને બે અપક્ષને ફાળે ગઇ હતી. ડેસર ખાતે કોંગ્રેસે તાલુકા પંચાયતનો કબજો મેળવ્યો છે ત્યારે જિલ્લા પંચાયતની બે બેઠકોમાં બંન્નેવ બેઠકો કોંગ્રેસે કબજે કરી છે.

You might also like