ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ નિકોલમાં પાંચમા માળેથી પટકાતાં એક યુવાનનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં સંકલ્પ સ્કૂલની સામે બની રહેલી બિલ્ડિંગના પાંચમાં માળે કડિયાકામ કરી રહેલ રાજેશ ડામોર નામનો યુવાન પગ લપસતા નીચે પટકાવાથી તેનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ૩૩૧ લિટર દેશી દારૂ, ૨૩૩ બોટલ વિદેશી દારૂ, એક રિક્ષા, એક કાર કબજે કરી ૩૯ શખસની ધરપકડ કરી હતી. આ ઉપરાંત નશાબંધીના ભંગ બદલ પોલીસે ર૪ દારૂડિયાને ઝડપી લોકઅપ ભેગાં કરી દીધા છે.

સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાંથી એક સગીરાને ગઠિયો ઉઠાવી જતાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમરાઇવાડીમાં એઇસી બસ સ્ટેન્ડ નજીકથી ૧પ વર્ષની સગીરાને કોઇ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બે રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાંથી બે બાઇક અને બે રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસે ગુના દાખલ કર્યા છે. ઓઢવમાં જીઆઇડીસી નજીકથી એક રિક્ષાની, આદિનાથ નગર બસ સ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની નરોડા પાટિયા પાસેથી એક બાઇકની અને ગેલેકસી ચાર રસ્તા પાસે એક બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદ: સિવીલ હોસ્પિટલ કેમ્પસ નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી આ વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળે છે. મરનારનું નામ-સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી શક્યા નથી.

You might also like