૨૮ વર્ષ બાદ મિસ્રએ ૨૦૧૮માં રમાનારા ફિફા વર્લ્ડકપની ટિકિટ કન્ફર્મ કરી

કૈરોઃ ફોરવર્ડ મહંમદ સલાહના બે ગોલને કારણે મિસ્રએ કાંગોની ટીમ સામે ૨-૧ની જીત મેળવીને ૨૮ વર્ષ બાદ ફિફા વિશ્વકપમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી છે. પોલેન્ડે પણ પોતાની અંતિમ ક્વોલિફાઇંગ મેચમાં મોન્ટેનેગ્રો સામે ૪-૨થી જીત મેળવીને ૨૦૧૮માં રશિયામાં રમાનારા ફૂટબોલ વિશ્વકપમાં ક્વોલિફાય કરી લીધું છે. પોલેન્ડ યુરોપના ગ્રૂપ-ઈમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે.

ગ્રૂપ-ઈમાં ઘાના અને યુગાન્ડા વચ્ચે મેચ ડ્રો રહેવાને કારણે મિસ્રને વિશ્વકપમાં સ્થાન મેળવવા માટે જીત મેળવવી બહુ જ જરૂરી હતી. કાંગો સામે મેચની ૬૩મી મિનિટમાં સલાહે બોક્સમાં કાંગોના ડિફેન્સની ભૂલનો ફાયદો ઉઠાવીને પહેલો ગોલ કર્યો હતો. જોકે મેચની ૮૮મી મિનિટે આર્નોલ્ડ બૂકા માઉટોઉએ ગોલ કરીને સ્કોર ૧-૧થી બરોબર કરી દીધો હતો.

ત્યાર બાદ ઇન્જરી ટાઇમ (૯૦+૫)માં સલાહે પેનલ્ટીને ગોલમાં તબદિલ કરીને ઇજિપ્તને વર્લ્ડકપની ટિકિટ અપાવી દીધી હતી. મિશ્ર આ પહેલાં ૧૯૯૦ના વિશ્વકપમાં રમ્યું હતું.

You might also like