૧૬ વર્ષના છોકરાઅે એમ્બ્યુલન્સ ચલાવી લોકોના શ્વાસ અધ્ધર કર્યા!

અમદાવાદ: શહેરમાં બેફામપણે ડ્રાઇવિંગ કરી અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગઇ કાલે ગોતા બ્રિજ પાસે દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરીને પાંચ વ્યક્તિને અલ્ટોકાર ચાલકે અડફેટે લીધા હતા. આ ઘટનાને ર૪ કલાક વિત્યા છે ત્યારે બાપુનગર અંબર સિનેમા પાસે આજે વહેલી સવારે ૧૬ વર્ષના છોકરાઅે બેફામ રીતે એમ્બ્યુલન્સ ચલાવી એક વૃદ્ધા અને બાઇક ચાલકને અડફેટે લીધાં હતાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સમાં સગીર વયના છોકરાઅો બેઠા હતા અને તેઅોઅે અા વિસ્તારમાં બેથી ત્રણ આંટા માર્યા બાદ પુરપાટ ઝડપે એમ્બ્યુલન્સ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. એચ ટ્રાફિક ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા જીવણદાસ હિંમતરામ વૈષ્ણવ (ઉ.વ. ૩પ) આજે સવારે ૭-૩૦ વાગ્યાની આસપાસ પોતાના પુત્રને સ્કૂલે મૂકી ઘેર બાઇક પર પરત ફરતા હતા ત્યારે બાપુનગર અંબર સિનેમા પાસે બેફામપણે આવેલી એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે જીવણદાસના બાઇકને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીવણદાસને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આ જ એમ્બ્યુલન્સ ચાલકે ત્યાંથી પસાર થતા જતનબહેન રબારી (ઉ.વ.૭૦)ને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયાં હતાં. બનાવ બાદ એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બનતાં આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે આ અકસ્માત સર્જનાર એમ્બ્યુલન્સ ચાલકે આ જ વિસ્તારમાં બે થી ત્રણ વખત એમ્બ્યુલન્સ લઇ આંટા માર્યા હતા. ત્રીજી વખત એમ્બ્યુલન્સ લઇ આવતા એકાએક તેણે એમ્બ્યુલન્સ પરનો કાબૂ ગુમાવતાં નજીકમાં આવેલ ઇંટની દીવાલ અને કોર્પોરેશનના લગાવેલા સાઈનબોર્ડ સાથે એમ્બ્યુલન્સ અથડાવી દીધી હતી. બાદમાં એમ્બ્યુલન્સમાં બેઠેલા સગીર વયના છોકરા ઊતરી ફરાર થઇ ગયાં હતાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ ચલાવનાર અાશરે ૧૬થી ૧૮ વર્ષના છોકરાઅો હતા.

બનાવની જાણ એચ ટ્રાફિક પોલીસને થતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં વૃદ્ધાને સામાન્ય ઇજા થતાં તેઓને સારવાર આપી રજા આપી છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત જીવણદાસની હાલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે એમ્બ્યુલન્સચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગત રાત્રે રાણીપ વિસ્તારમાં રહેતા બિલ્ડિંગ કોન્ટ્રાકટરે દારૂ પીને બેફામ રીતે પોતાની અલ્ટો કાર ચલાવી પાંચ વ્યક્તિઓને અડફેટે લીધી હતી. આ રીતે શહેરમાં પુરપાટ ઝડપે વાહનો ચલાવી અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. છતાં ટ્રાફિક પોલીસ આવા વાહનચાલકો સામે કોઇ કડક કાર્યવાહી કરતી નથી.

ઉલ્લેખનીય છે કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મળેલી આંકડાકીય માહિતી મુજબ છેલ્લા દસેક મહિનામાં ૧૯૩૦ જેટલા અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં ૩૮૦ લોકોનાં મોત નીપજ્યાં છે. વારંવાર નશામાં ચકચૂર બની અને બેફામ ડ્રા‍ઈવિંગના કારણે નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી માગ લોકોમાં ઊઠી છે.

You might also like