અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પરનાં ૧૬ ફાટક ‘અંડરપાસ’માં ફેરવાશે

અમદાવાદ: શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ રેલવે સત્તાવાળાઓ દ્વારા હાલમાં અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરનાં કુલ ૩ર ફાટક પૈકી ૧૪ જગ્યાએ અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરાશે. જે પૈકી ત્રણ જગ્યાએ આ કામગીરીનો પ્રારંભ થઇ ચૂક્યો છે નાગરિકોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે સત્તાવાળાઓએ આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. બે ફાટક પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેગા કંપની અંડરપાસ બનાવશે.

રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ રેલવે લાઇન પર કુલ ૩ર રેલવે ફાટક છે. જે પૈકી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેનું મીઠાખળી ગામનું રેલવે ફાટક સહિતનાં બે રેલવે ફાટકને કાયમ માટે બંધ કરવા તેમજ રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ સિવાયનાં બાકીનાં ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ રેલવે ફાટક પર રેલવે સત્તાવાળાઓ દ્વારા અંડરપાસ બનાવાશે.

શહેરની વચ્ચોવચ્ચથી પસાર થતી અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ ટ્રેનોની સંખ્યા અને ફિક્વન્સીમાં વધારો થવાનો હોઇ પહેલાં તો રેલવે તંત્ર દ્વારા તમામ રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની દિશામાં આયોજન કરાયું હતું. પરંતુ જો આ ફાટક બંધ કરાય તો શહેરનો ટ્રાફિક બે ભાગમાં વહેંચાઇ જાય અને હજારો વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ જાયતેમ હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્ર વચ્ચે સતત પરામર્શ બાદ સંયુક્ત આયોજન ઘડી કઢાયું છે.

જેમાં રેલવે તંત્ર અંડરપાસના મુખ્ય ભાગ એટલે કે બોક્સને પોતાના ખર્ચે જ્યારે તેની બાજુના એપ્રોચ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા રૂ.પ૦ કરોડ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રૂ.૧પ કરોડની ચાલુ વર્ષના બજેટમાં ફાળવણી પણ કરાઇ છે.

રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગ્રેજમાં રૂપાંતરણની કામગીરી હાથ ધરાઇ છે પરંતુ તે પહેલાં રેલવે ફાટક પર અંડરપાસ કે તેને પહોળો કરવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે. હાલમાં ચેનપુર ફાટક, વંદેમાતરમ્ ફાટક અને અગિયારશ માતા ફાટક ખાતે રેલવે અંડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. આ રેલવે લાઇન પરના ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ ફાટક ખાતે રેલવે વિકાસ નિગમ અંડરપાસ બનાવશે.

વાડજના કિરણપાર્કના ફાટક નંબર આઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અંડરપાસ બનાવાશે. જ્યારે પાલડીના જલારામ ક્રોસિંગના રેલવે ફાટક નંબર ૧૭ ખાતે મેટ્રો રેલવેની મેગા કંપની દ્વારા અંડરપાસ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ કહે છે, અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ વગરનાં બાકી બચેલાં ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ રેલવે ફાટક પર રેલવે તંત્ર દ્વારા અંડરપાસ બનાવવાના હોઇ મ્યુ‌િનસિપલ તંત્ર ફક્ત એપ્રોચ રોડ બનાવવાનો ખર્ચ ઉઠાવશે. જે કારણે મ્યુનિસિપલ તિજોરી પર ખાસ આર્થિક ભારણ પડ્યા વગર શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલાશે અને હજારો વાહનચાલકોને ભારે રાહત મળશે.

You might also like