અત્યાચારનું કોઈ પણ કૃત્ય સમાજ તથા દેશ માટે કલંક : વડાપ્રધાન

નવી દિલ્હી : અસહિષ્ણુતા મુદ્દે ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘અત્યાચાર’નું કોઈ પણ કૃત્ય સમાજ તથા દેશ માટે ‘કલંક’ છે અને તેની ‘વેદના’નો દરેકને અનુભવ થવો જોઈએ. તેમણે કહ્યું કે દેશને આગળ લઈ જવા માટે એકતા અને સંવાદિતા જ એકમાત્ર માર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે સવાસો કરોડ ભારતીયો પૈકી કોઈની પણ દેશભક્તિ માટે શંકા કરી શકાય નહીં અને કોઈએ પણ ‘દેશભક્તિનું પ્રમાણપત્ર’ રજૂ કરવાની જરૂર નથી.

કેટલાક લોકોએ અસંમતિ દર્શાવતા લોકોને પાકિસ્તાન જાવ તેમ જણાવતી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ વચ્ચે આ નિવેદન ખૂબ મહત્વનુ મનાય છે. બંધારણ પર રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા મોદીએ ‘એકતાના મંત્ર’ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારત જેવા વૈવિધ્યર્પૂ્ણ દેશમાં ‘વિઘટન માટે ઘણાં કારણો’ હોઈ શકે પરંતુ દેશને સંગઠિત રાખવા માટેના રસ્તા શોધી કાઢવા જોઈએ.

ગૃહમાં કેટલાક વિધેયકો અટવાયેલા પડ્યા છે ત્યારે વિપક્ષ પ્રત્યે સમાધાનકારી વલણ અપનાવતા તમામ મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય વલણ માટે અનુરોધ કર્યો હતો અને દેશને સ્પર્શતા કોઈ પણ મુદ્દામાં પક્ષપાત અથવા રાજકારણને લાવવાના પ્રયાસોને તેમણે વખોડ્યા હતા.

ચર્ચા દરમ્યાન અસહિષ્ણુતાના મુદ્દે સરકાર પર ભારે પ્રહારો થયા હતા. ચર્ચા પર પોતાના ૪૦ મિનિટના જવાબમાં મોદીએ કહ્યું,’કોઈના પર પણ અત્યાચારની કોઈ ઘટના બને તો તે આપણા તમામ માટે, સમાજ તેમજ દેશ માટે કલંક છે. આપણને તેની પીડાનો અનુભવ થવો જોઈએ અને તેવી બાબતો ફરી ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ.’

આમ તો તેમણે કોઈ પણ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ કર્યો નહોતો પરંતુ તેમના આ નિવેદનને બીફ ખાવાની અફવાને પગલે મુસ્લિમ માણસની હત્યા કરવાના દાદરી કેસના સંદર્ભમાં જોઈ શકાય.

You might also like