શાળાઅોઅે મહિનામાં વિદ્યાર્થીઅોની સલામતી અંગે પગલાં લેવાં પડશે

અમદાવાદ: અમદાવાદ શહેર અને ગ્રામ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સલામતીનાં ધોરણોનું મોટા ભાગની શાળાઓમાં પાલન ન થતું હોવાના પગલે શિક્ષણ વિભાગ સફાળો જાગ્યો છે. આવી તમામ શાળાઓની સલામતીનાં ધોરણો તેમજ શાળા નોંધણીની શરતોનું પાલન થાય છે કે કેમ તે જોવા અને ચકાસણી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ડીઇઓ (શિક્ષણાધિકારી)ને આદેશ કરાયો છે. તમામ ડીઇઓની તપાસણીના મુદ્દે અંગત જવાબદારી ફિક્સ કરાઇ છે. હવે એક મહિનાના સમયગાળામાં શહેર સહિતની રાજ્યની તમામ શાળાઓની સલામતી ચકાસણીનો રિપોર્ટ ડીઇઓએ વિભાગને કરી દેવો પડશે.

ગુરુગ્રામની રાયન ઇન્ટરનેશનલ શાળામાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ રાજ્યભરની શાળાઓનાં વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે અનેક સવાલ ઊઠ્યા છે. શિક્ષણ વિભાગ મોડે મોડે હવે જાગ્યો છે. ડીઇઓને નોડલ અધિકારી તરીકે નીમીને સીબીએસઇની શાળાઓની સલામતીની ગાઇડલાઇન જાહેર કર્યા બાદ વિભાગે હવે ગુજરાત બોર્ડની શાળાઓ પર ધ્યાન કે‌િન્દ્રત કર્યું છે. જે શાળાઓમાં વિદ્યાર્થીની સલામતી અને સુવિધા માટે પૂરતી જોગવાઇ નહીં હોય તેવી શાળાઓને તાકીદે ૩૦ દિવસમાં સુવિધાઓ ઊભી કરવા માટે તાકીદ કરાઇ છે. હાલમાં કેટલી સુવિધાઓનો કઇ શાળાઓમાં અભાવ છે તેનો ‌િરપોર્ટ વિભાગને આપ્યા બાદ ડીઇઓ ૩૦ દિવસ પછી ફરી રૂબરૂ સ્થળ તપાસ કરીને જરૂરી સુવિધા ઊભી કરાઇ છે કે નહીં તેની ચકાસણી કરશે. જે શાળા એક વાર તક આપ્યા બાદ પણ જરૂરી સલામતી સુવિધા ઊભી નહીં કરે તો તે શાળાની નોંધણી રદ કરવા માટે શાળાને કારણદર્શક નો‌િટસ આપવા ઉપરાંત બોર્ડને શાળાની માન્યતા રદ કરવા માટે ડીઇઓને ભલામણ કરવાની રહેશે.

You might also like