નવી બનતી બિલ્ડિંગની પાણીની ટાંકીમાં ગૂંગળાઈ જવાથી બે વ્યક્તિનાં મોત

અમદાવાદ: મીરજાપુર વિસ્તારમાં નવી બનતી બિલ્ડિંગની પાણીની ટાંકીમાં ગૂંગળાઈ જવાથી બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. ગત સાંજે બનેલા બનાવમાં ટાંકી સાફ કરતા મજૂરને ગૂંગળામણ થતાં તેણે બુમાબુમ કરી હતી તેને બચાવવા અન્ય યુવક ટાંકીમાં ઊતર્યો હતો. બંનેને ગૂંગળામણ થઇ હતી. સ્થાનિકોએ બંનેને બહાર કાઢી વી.એસ.હોસ્પિટલ ખસેડાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મીરજાપુર વિસ્તારમાં આવેલા લાલુરાયજીના વંડા પાસે અલ વિશિયા રેસિડેન્સી નામની નવી બિલ્ડિંગ બની રહી છે. આ સાઈટ પર દાહોદના કેટલાક મજૂરો કામ કરે છે. મૂળ દાહોદનો અને હાલ સાઈટ પર રહી મજૂરી કામ કરતો ઈલિયાસ કાળુભાઇ ડોડિયા (ઉ.વ.૨૩) નામનો યુવક ગઈકાલે સાંજે સાઈટ પર આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરવા ઊતર્યો હતો. ટાંકી ઊંડી અને મોટી હોવાના કારણે તેને ગૂંગળામણ થવા લાગી હતી. જેથી તેણે બુમાબુમ કરી મૂકી હતી.

બુમાબુમ સાંભળી ત્યાં કામ કરતો ચંદારામ સવજી મોદી (ઉ.વ.૩૭, રહે. માંડવીની પોળ, ખાડિયા) તેને બચાવવા ટાંકીમાં ઊતર્યો હતો. જોકે બંને યુવકોને ટાંકીમાં ગૂંગળામણ થવા લાગી હતી. બંનેએ બુમાબુમ કરતાં સાઈટ પર લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓને બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે વી.એસ.હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મોટાભાગે નવી બનતી બિલ્ડિંગની સાઈટ પર મજૂરોને સેફટીનાં સાધનો નથી અપાતાં અથવા જ્યાં ભય હોય ત્યાં સાવચેતી નથી રાખવામાં આવતી ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે અને લોકો તેમનો જીવ ગુમાવતા હોય છે. શાહપુર પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like